|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના આધોઈ નજીક મેલડી માતાજીના મંદિર પાસે આધોઈ લખપત રોડના પુલીયા પાસે સર્જાયેલી દુર્ઘટનામાં ૨૮ વર્ષના યુવક અને ચાર વર્ષની બાળકીના મૃત્યુ નીપજ્યાં છે. મૃતક સંબંધે કાકા ભત્રીજી હતા. અન્ય એક દસ વર્ષનો બાળક ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મરણ જનાર રમેશ ગણેશા ભરવાડ (ઉ.વ. ૨૮, રહે. આધોઈ, જૂના ગામ તળ) મોટર સાયકલ પર ચાર વર્ષની ભત્રીજી હસ્તિ કરસનભાઈ ભરવાડ અને દસ વર્ષના ભત્રીજા કિશન ટપુભાઈ ભરવાડને બેસાડીને લખપતના વાડા પરથી આધોઈ આવતો હતો. માતાજીની જાતરનો ધાર્મિક પ્રસંગ હોઈ બેઉ બાળકો સાથે રમેશ આધોઈ આવતો હતો.
રસ્તામાં આધોઈ લખપત રોડ પર પુલીયાનું નિર્માણ કામ ચાલું હોઈ રમેશે બાઈક થોભાવી હતી. તે વખતે ફ્લૉરી કોંક્રીટ મિક્સર મશિનના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ગાડીને પૂરઝડપે રિવર્સમાં હંકારીને બાઈક પર ચઢાવી દીધી હતી.
દુર્ઘટનામાં રમેશ અને હસ્તિના પેટ-છાતી પર પૈડાં ફરી વળતાં ગંભીર ઈજાઓથી બેઉના ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે કિશન ભરવાડને ગંભીર ઈજાઓ હોઈ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. શનિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોની અંત્યેષ્ઠિ બાદ રમેશના મોટાભાઈ કરસને મિક્સર મશિનના ચાલક વિરુધ્ધ આજે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|