કચ્છખબરડૉટકોમ, કંડલાઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આપેલા આદેશના પગલે દિનદયાળ પોર્ટ ઑથોરીટી, કંડલાએ છેલ્લાં ત્રણ દિવસથી કંડલાથી ભચાઉ સુધીની અંદાજે ૧૪ કિલોમીટરની સમુદ્રી ખાડીમાં મેગા ડિમોલીશન ડ્રાઈવ શરૂ કરી છે. ત્રણ દિવસ દરમિયાન અંદાજે ત્રણસો એકર જમીન પાળામુક્ત કરાઈ છે. દબાણ હટાવ કામગીરી હજુ ચાર પાંચ દિવસ સુધી ચાલતી રહેશે અને પોર્ટ હસ્તકની અંદાજે ૯૫૦ એકર જમીનને ખુલ્લી કરવામાં આવશે.
જાણો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે શો હુકમ કરેલો
કચ્છના અખાતમાં આવેલી કંડલા પોર્ટ હસ્તકની સમુદ્રી ખાડીમાં મીઠું પકવતાં સોલ્ટ માફિયાઓએ ચેરિયાનો સોથ વાળીને ગેરકાયદે રીતે મીઠાંના કારખાના બનાવી દીધા હોવાની અને પાળાના કારણે સમુદ્રી ભરતીનું પાણી રોકાઈ જતાં અનેક નાની નાની ક્રીક સૂકાઈને પૂરાઈ ગઈ હોવાના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અહેવાલના પગલે ફેબ્રુઆરી ૨૦૨૫માં NGTએ પોર્ટ ઑથોરીટીને દબાણો હટાવવા હુકમ કરેલો.
આ ખાડી વિશિષ્ટ ખારોઈ ઊંટની પ્રજાતિના અસ્તિત્વ માટે આધારરૂપ હોવાના મુદ્દા સાથે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને NGTમાં ફરિયાદ કરેલી.
જેના પગલે NGTએ સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટના પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડને આ ખાડીની સંયુક્ત જાત તપાસ કરી અહેવાલ આપવા હુકમ કરેલો. NGTએ દબાણો દૂર કરવા સાથે ચેરિયાના પુનઃસ્થાપન માટે વન તંત્ર અને દિન દયાળ પોર્ટને સમય મર્યાદા દર્શાવતો એક્શન પ્લાન રજૂ કરવા હુકમ કર્યો હતો.
ખાડીમાં અતિક્રમણ સામે પોર્ટનું ઝીરો ટોલરન્સ
કંડલા પોર્ટ દ્વારા ૧૧૦ પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે ૨૦થી વધુ હિટાચી, ૬ જેસીબી વડે દરરોજ સવારે આઠ વાગ્યાથી ગેરકાયદે બનેલાં પાળાઓ તોડી પડાઈ રહ્યાં છે.
ક્રિટીકલી વલ્નરેબલ કોસ્ટલ એરિયા (CVCA)માં સેન્સિટીવ કોસ્ટલ ઈકો સિસ્ટમના રક્ષણ માટે પોર્ટ ઑથોરીટી પણ સજાગ અને તત્પર છે તથા આવા અતિક્રમણ સામે ઝીરો ટોલરન્સની નીતિ દાખવી છે તેમ પોર્ટ પ્રશાસને જણાવ્યું છે.
ચેરમેન સુશીલ સિંઘના માર્ગદર્શન તળે વાઈસ એન્જિનિયર શ્રીનિવાસ રાવ, ઓમપ્રકાશ દાદલાણી (ટ્રેડ પ્રમોશન અને પબ્લિક રિલેશન્સ ઓફિસર) અને અન્ય અધિકારીઓ આ મેગા ડ્રાઈવમાં જોડાયાં છે. આગામી દિવસોમાં લીઝ મેળવીને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે દબાણ કરનારાં મીઠાના કારખાનાઓ સામે પણ ઝુંબેશ છેડવામાં આવશે તેવો પણ પોર્ટ પ્રશાસને નિર્દેશ આપ્યો છે.
Share it on
|