click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Vishesh -> Fake ED raid and thetf of jewellery worth Rs 25.25 Lakh in Gandhidham 12 Held
Thursday, 05-Dec-2024 - Gandhidham 77991 views
સોનીએ જ સોનીને ત્યાં મોટો દલ્લો મળવાની ટીપ આપી અને ગાંધીધામમાં નકલી ED ત્રાટકી!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ૧૩ ચોરોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDના નકલી અધિકારી કર્મચારી બનીને ગાંધીધામના જ્વેલરની શોપ અને ઘરે ત્રાટકીને આચરેલી ૨૫.૨૫ લાખની ચોરીના ગુનાનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે તુરંત ઉકેલી નાખ્યો છે. રેન્જ IG ચિરાગ કોરડીયા, SP સાગર બાગમાર, પ્રોબેશનરી IPS વિકાસ યાદવ અને અંજારના DySP મુકેશ ચૌધરીના નેતૃત્વમાં બે PI, ત્રણ PSI અને ૩૨ પોલીસ કર્મચારીઓની ૧૦ જણની ટીમે દિવસ રાત મહેનત કરીને ભુજ, ગાંધીધામ અને અમદાવાદના ૧૨ શખ્સોની ધરપકડ કરી લીધી છે.
SPએ તુરંત એક્શનમાં આવી ૧૦ ટીમ બનાવી

ગાંધીધામમાં TBZ નોર્થ 25, આદર્શ મહાવિદ્યાલય નજીક રહેતાં ૪૫ વર્ષિય કનૈયાભાઈ પ્રતાપભાઈ ઠક્કર શહેરની મેઈન માર્કેટમાં ગ્રીન પેલેસ હોટેલ પાસે રાધિકા જ્વેલર્સ નામથી સોના ચાંદીની શોપ ધરાવે છે. બીજી ડિસેમ્બરે સાંજે કનૈયાએ એસપી સાગર બાગમાર પાસે દોડી આવીને રજૂઆત કરી હતી કે EDના નામથી આવેલી એક ટીમે તેમના ઘર દુકાનમાં સર્ચ કરીને માલ મિલકત કઢાવી તેમાંથી ૨૫.૨૫ લાખના કિંમતી ઘરેણાં સિફતપૂર્વક ચોરી લીધાં છે. વાત સાંભળીને જ બાગમારના કાન સરવા થઈ ગયાં હતાં. તુરંત તેમણે તાબાના પોલીસ અધિકારીઓ જોડે મીટીંગ કરીને અલગ અલગ ટીમો બનાવી આ ચોર ટોળકીને ગમે તે રીતે દબોચી લેવા ઓપરેશન અમલમાં મૂકી દીધું હતું.

જ્વેલરી શોપ પર આવી સર્ચ કરવા ઘરે લઈ ગયાં

બીજી ડિસેમ્બર સોમવારે સવારે કનૈયાભાઈ તેમના મોટા પુત્ર ગૌરાંગ સાથે ઘેરથી કારમાં બેસીને નિત્યક્રમ મુજબ જ્વેલરી શોપ પર આવ્યાં હતાં. દુકાનની સાફ-સફાઈનું કામ ચાલતું હતું અને અન્ય સ્ટાફ આવી ગયેલો. થોડીકવારમાં ૧૧ વાગ્યાના અરસામાં અચાનક સૂટ પહેરેલાં ત્રણ શખ્સો સહિત પાંચ જણ તેમની પાસે આવ્યાં હતાં.

એક જણે અંકિત તીવારી લખેલું એન્ફોર્સમેન્ટ ઑફિસર તરીકેનું ફોટો ઓળખપત્ર બતાવી કનૈયાને સૂચના આપી હતી કે અમારી સાથે તમારા ઘરે ચાલો. અન્ય શખ્સોએ કનૈયાભાઈ અને દુકાનમાં હાજર સ્ટાફના મોબાઈલ ફોન લઈ લીધાં હતાં. એક જણે સીસીટીવીના ફૂટેજ રેકોર્ડ કરતું DVR કાઢી લીધું હતું.

સૂચના મુજબ કનૈયાભાઈ દુકાનના કર્મચારી યોગેન્દ્ર રૂપારેલ સાથે ત્રણ આરોપીઓ સાથે તેમની સફેદ મહિન્દ્રા XUV કારમાં બેઠાં હતાં. એક જણો દુકાનમાં રોકાયો હતો. ઘરે પહોંચ્યા ત્યારે એક અન્ય શખ્સ અને મહિલા પગપાળા ત્યાં આવી પહોંચ્યાં હતાં.

ઘરમાં સર્ચ કરી રોકડ દાગીના એકત્ર કરેલાં

ઘરમાં પ્રવેશ્યાં બાદ આરોપીઓએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. કનૈયાભાઈના પત્ની અને માતાને પોતાની ઈડી ઑફિસર તરીકે ઓળખ આપીને તેમના મોબાઈલ ફોન પણ લઈ લીધાં હતાં. બાદમાં વીડિયો રેકોર્ડીંગ શરૂ કરીને તેઓ ઘર ચેક કરવા આવ્યાં હોવાનું અને ઘરમાં જે કાંઈ માલમતા પડી હોય તે જણાવી દેવાનું કહીને ચીમકી આપી હતી કે ‘જે કંઈ હોય તે બધુ કહી દેજો, નહિંતર વધુ માલ પકડાશે તો તમને અરેસ્ટ કરશું’ આરોપીઓએ ઘરમાં તપાસ કરીને ૧૨ લાખ જેવી રોકડ રકમ, ઘરની મહિલાઓના પહેરવાના ઘરેણાં ઉપરાંત દુકાનમાં વેચાણ માટે લાવીને રાખેલાં દરદાગીના બધું કાઢીને ઘરના મેઈન હોલમાં ડાઈનીંગ ટેબલ પર રાખ્યાં હતાં. ટોળકીએ ઘરની અગાસી પર પણ ચેકીંગ કર્યું હતું.

બાજુમાં રહેતાં પિતરાઈ ભાઈના ઘેર પણ સર્ચ

બધો માલ એકઠો કર્યાં બાદ બાજુમાં કનૈયાના પિતરાઈ ભાઈ પરેશ ઠક્કરનું ઘર આવ્યું હોવાનું જણાવીને અમારે ત્યાં પણ સર્ચ કરવાની છે કહીને કનૈયાને સાથે લઈ પરેશના ઘેર ગયેલાં. ઘરે કનૈયાના ભાભી અને મોટા બા હાજર હતાં. તેમને પણ ઈડીના નામનો ડારો આપીને સર્ચ કરેલું. ઘરમાંથી ૪૦ હજાર રોકડ રકમ મળી હતી. આ રોકડ રકમ કનૈયાના ઘરે લાવીને ડાઈનીંગ ટેબલ પરના અન્ય મુદ્દામાલ સાથે મૂકી દીધી હતી.

લીલાશાનગરમાં અન્ય ભાઈના બંધ ઘરે પણ પહોંચેલાં

આરોપીઓએ લીલાશાનગરમાં રહેતા કનૈયાના સગા ભાઈ અનિલ ઠક્કરના ઘરે પણ સર્ચ કરવી પડશે તેમ કહી કનૈયાને ત્યાં લઈ ગયેલાં. જો કે, અનિલ ઠક્કર મુંબઈ રહે છે અને ઘર બંધ હતું. સવારથી રેકી કરનાર ટોળકીએ કનૈયાને જણાવ્યું હતું કે સવારે તો ઘર ખુલ્લું હતું ત્યારે કનૈયાએ ખુલાસો કર્યો હતો કે સવારે કામવાળી સફાઈ કરવા આવેલી. આરોપીઓએ કામવાળીને બોલાવવા માટે તેનો મોબાઈલ નંબર માંગી કોન્ટેક્ટ કરવા પ્રયાસ કરેલો પરંતુ નંબર ના મળતાં અંતે બધા કનૈયાના ઘરે પરત ફર્યાં હતાં.

સૉરી, માહિતી ખોટી નીકળી..પાછાં જઈએ છીએ

ઘરે પરત ફર્યાં બાદ અચાનક ઈડી ઑફિસર અંકિત તીવારીએ કનૈયા અને તેના પરિવારજનો સમક્ષ દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સૉરી, અમને કોઈએ ખોટી માહિતી આપી છે. તમારા ઘરમાંથી અમને જોઈએ તેટલો મુદ્દામાલ મળ્યો નથી. આ બધું તમે પાછું રાખી દો. અમે પાછાં જઈએ છીએ પરંતુ કોઈને કહેતાં નહીં કે તમારા ઘરે ઈડીની રેઈડ પડેલી, નહિંતર તમારું ખરાબ લાગશે. આરોપીઓ ફરી તેમની કારમાં કનૈયા અને યોગેન્દ્રને બેસાડીને જ્વેલરી શોપ પર પરત મૂકી ગયાં હતાં. સૌના મોબાઈલ ફોન અને DVR પાછાં આપી દીધાં હતાં.

દુકાનમાં ગેરહાજર કર્મી વિશે પણ ખબર હતી

આરોપીઓના ગયા બાદ કનૈયાના પુત્ર ગૌરાંગે પિતાને જણાવ્યું હતું કે સવારે આ લોકો સાથે તમે ઘરે ગયા તે પછી દુકાનમાં બીજો પણ એક શખ્સ આવેલો. તેણે ગૌરાંગને પૂછેલું કે ‘હજુ સ્ટાફમાં એક જણો દેખાતો નથી, તે ક્યાં છે? તેનો નંબર આપો’ ગૌરાંગે ગેરહાજર દિનેશ સોઢાનો નંબર આપેલો. આ શખ્સે સોઢાને ફોન કરેલો પરંતુ સોઢાએ ફોન ઉપાડ્યો નહોતો.

૩ કલાકની રેઈડ, સિફતપૂર્વક જ્વેલરી સેરવી લીધી

સવારે ૧૧થી બપોરે ૨ વાગ્યા સુધીના ત્રણ કલાકની આ રેઈડ બાદ કનૈયાભાઈ મૂંઝવણમાં મૂકાઈ ગયાં હતાં. તેમણે ઘરે પાછાં ફરીને ડાઈનીંગ ટેબલ પર રાખેલી ચીજવસ્તુ ચેક કરતાં ૭.૮૦ લાખના મૂલ્યનું સોનાનું ૧૦૦ ગ્રામનું બિસ્કીટ, દુકાનમાં વેચાણ માટે લાવીને રાખેલી ગોલ્ડ ડાયમંડ જ્વેલરીના એક પાઉચમાંથી ૧૪.૪૭ લાખના ૬ નંગ ગોલ્ડ ડાયમંડજડિત લેડીઝ બ્રેસલેટ, ૨.૯૭ લાખની ડાયમંડજડિત સોનાની બુટ્ટી મળી ૨૫.૨૫ લાખના ઘરેણાં ચોરાઈ ગયાં હતાં. દરોડાના નામે આરોપીઓએ સિફતપૂર્વક માલ સેરવી લીધો હતો. બનાવ અંગે મુંબઈ રહેતાં ભાઈ અનિલની સલાહ લઈ કનૈયાભાઈ સાંજે એસપી કચેરીમાં એસપીને રજૂઆત કરવા દોડી આવ્યાં હતાં.

મોબાઈલ નંબર અને સીસીટીવીથી કડીઓ મળી

કોઈપણ ક્રાઈમ કદી પરફેક્ટ હોતો નથી. આરોપીઓની કેટલીક તસવીરો DVRમાં કેપ્ચર થઈ ગયેલી. તો, કનૈયાના ભાઈ અનિલ અને દુકાનના કર્મચારી દિનેશ સોઢાને મોબાઈલ ફોન કરેલાં તેના આધારે નંબર મળી ગયેલાં. ટોલનાકાના સીસીટીવી ચેક કરતાં વર્ણનવાળી બે કાર અમદાવાદ બાજુ ગઈ હોવાનું ખૂલ્યું હતું. એક પછી એક કડીઓ મળતી ગઈ. અમુક ટીમે અમદાવાદથી તો અમુક ટીમે ભુજ અને ગાંધીધામથી વારાફરતી આરોપીઓને ઉપાડવાનું શરૂ કર્યું. ગહન પૂછપરછમાં સમગ્ર કાવતરાંનો સિલસિલાબધ્ધ પર્દાફાશ થયો.

સોનીએ જ મોટો દલ્લો મળવાની ટીપ આપેલી

આદિપુરમાં રહેતા અને ગાંધીધામમાં સોના ચાંદીનું કામ કરતાં ભરત શાંતિલાલ મોરવાડીયાએ રાધિકા જ્વેલર્સમાં હાથ મારીએ તો મોટો દલ્લો મળે તેમ છે તેવી બાતમી મેઘપર બોરીચીની સાંઈનાથ સોસાયટીમાં રહેતા તેના મિત્ર દેવાયત વીશુભાઈ ખાચર (કાઠી)ને આપેલી. દેવાયત હાલ ગેસ એજન્સીમાં નોકરી કરે છે અને અગાઉ તે ફાઈનાન્સને લગતું કામકાજ કરતો હતો. પાંચેક વર્ષ અગાઉ રાધિકા જ્વેલર્સમાં ઈન્કમટેક્સની રેઈડ પડેલી ત્યારે મોટાપાયે ગોલ્ડ અને રોકડ જપ્ત થયેલી, ૧૦૦ કરોડથી વધુની માલદાર પાર્ટી છે તેમ ભરતે દેવાયતને જણાવેલું.

૧૫ દિ પૂર્વે ફરફરિયાના તંત્રીએ ષડયંત્ર રચ્યું

દેવાયતે આ ટીપ ભુજમાં રોયલ સીટીમાં રહેતા ‘કચ્છ મશાલ’ નામના ફરફરિયાના તંત્રી પત્રકાર અબ્દુલ સત્તાર ઈશાક માંજોઠીને શેર કરેલી. અબ્દુલે ભુજમાં જમીન દલાલીનું કામ કરતાં હિતેશ ચત્રભુજ ઠક્કર (રહે. ઘનશ્યામ સીટી એપાર્ટમેન્ટ, પારેશ્વર ચોક) અને વિનોદ રમેશભાઈ ચુડાસમા (મોચી) (રહે. સિધ્ધિવિનાયક નગર, સરકારી વસાહત, પ્રમુખસ્વામીનગર, ભુજ)ને મળીને ઈડીના નામે નકલી ઑફિસર બનીને રેઈડ પાડી મોટો દલ્લો મેળવવાનો પ્લાન બનાવેલો. પંદર દિવસ અગાઉ અબ્દુલ માંજોઠી, હિતેશ ઠક્કર, વિનોદ ચુડાસમાએ આદિપુરમાં બસ સ્ટેશન પાસે રજવાડી ચાની હોટેલ પર દેવાયત ખાચર સાથે રૂબરૂ મળીને આખો પ્લાન બનાવ્યો હતો.

ફાઈનાન્સ પેઢીનો માલિક, સ્ટાફ, દંપતી જોડાયાં

વિનોદ ચુડાસમાએ પ્લાનમાં અમદાવાદમાં રહેતાં તેના મિત્ર આશિષ રાજેશભાઈ મિશ્રા (રહે. સારન્સ એમ્બિયન્સ, જીવરાજ મહેતા હોસ્પિટલ સામે)ને સામેલ કરેલો. આશિષ અમદાવાદમાં ફાઈનાન્સ પેઢીમાં નોકરી કરે છે અને પ્લાન અંગે તેણે તેના શેઠ ચંદ્રરાજ મોહન નાયર (યશ એવન્યૂ, આઈઓસી રોડ, ચાંદખેડા)ને વાત કરેલી. ચંદ્રરાજે રેઈડ પાડવા માટે તેને ત્યાં કામ કરતાં અન્ય કર્મચારીઓ અજય જગન્નાથ દુબે (રેલવે કોલોની, સાબરમતિ, અમદાવાદ), અમિત કિશોરભાઈ મહેતા (યશ એવન્યૂ, આઈઓસી રોડ, અ’વાદ), તેની પત્ની નિશા અમિત મહેતા, વિપીન શર્માને સામેલ કરેલાં. અમિત મહેતા અને અજય દુબેએ આ પ્લાન અંગે તેમના મિત્ર શૈલેન્દ્ર અમિતકુમાર દેસાઈ (રેવતી ટાવર, રામદેવનગર, અ’વાદ)ને સામેલ કરેલો. બીજી તરફ, દેવાયતે પ્લાનમાં વધુ એક સાગરીત ઈયુઝીન ઑગસ્ટીન ડેવિડ (ક્રિશ્ચિયન) (રહે. મારુતિનગર, મેઘપર બોરીચી)ને સામેલ કર્યો હતો.

રેલવે કર્મચારી બન્યો નકલી ED ઑફિસર

અમદાવાદના શૈલેન્દ્ર દેસાઈએ EDના ઑફિસર તરીકે નકલી પ્રમાણપત્ર મેળવવા માટે ગુગલ પર સર્ચ કરેલું. જેમાં તેને EDના એક એન્ફોર્સમેન્ટ ઑફિસર અંકિત તીવારીનું નામ જાણવા મળેલું. ત્યારબાદ EDનો લોગો ડાઉનલોડ કરી, અધિકારી તરીકે અંકિત તીવારીનું નામ લખીને પોતાનો અસલી ફોટો લગાડી ઓળખપત્ર તૈયાર કર્યું હતું. શૈલેન્દ્ર અમદાવાદમાં ડિવિઝનલ રેલવે મેનેજરની ઑફિસમાં અનુવાદક તરીકે સરકારી નોકરી કરે છે.

નિશાએ સિફતપૂર્વક ઘરેણાં સેરવેલાં

સામાન્યતઃ ઈડી ઑફિસરો સૂટ પહેરતાં હોય છે. જેથી ત્રણ આરોપીએ સૂટ પહેરવાનું નક્કી કરેલું. ઘરે દરોડા સમયે મહિલાઓ હોઈ મહિલા કર્મચારી તરીકે અમિતની ઘરવાળી નિશાને સાથે રાખેલી. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે નિશાએ જ સિફતપૂર્વક સોનાના ઘરેણાં સેરવી લીધાં હતાં.

૩ કાર સહિત ચાર વાહનો કબજે કરાયાં

પોલીસે ચોરાયેલું ગોલ્ડ બિસ્કીટ અને ૬ બ્રેસલેટ કબજે કર્યાં છે. ગુનામાં ચંદ્રરાજ નાયરે વાપરેલી મહિન્દ્રા XUV, ભુજના અબ્દુલ સત્તાર માંજોઠીની બોલેરો નીયો, હિતેશ ઠક્કરની રેનોલ્ટ ડસ્ટર કાર જપ્ત કરી છે. ડેવિડ અને દેવાયતે જે એક્ટિવા પર રેકી કરેલી તે જપ્ત કરી લીધી છે. આરોપીઓએ ગુનામાં વાપરેલાં ૧૩ ફોન કબજે કરાયાં છે.

ભુજનો અબ્દુલ માંજોઠી રીઢો આરોપી

અમદાવાદથી આવેલા આરોપીઓ વહેલી સવારે રેઈડ કરવાના હતા પરંતુ વેપારીની દુકાન ખૂલી ના હોઈ ગાંધીધામ બસ સ્ટેશનમાં રાહ જોયેલી. ત્યાં સૌ આરોપીઓએ એકઠાં થઈને વધુ એકવાર પ્લાનને સફળતાથી અમલમાં મૂકવા ચર્ચા કરેલી. ભુજમાં પત્રકારના સ્વાંગમાં ફરતો અબ્દુલ સત્તાર માંજોઠી અગાઉ જામનગરમાં ખંડણી સાથે ખૂનના ગુનામાં તેમજ ભુજમાં હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ એમ.વી. જાડેજા, ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, પીએસઆઈ એમ.એચ. જાડેજા, એસ.વી. ડાંગર અને અન્ય ૩૨ પોલીસ કર્મચારીઓનો કાફલો ડીટેક્શનમાં જોડાયો હતો.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં