click here to go to advertiser's link
Visitors :  
08-Aug-2026, Saturday
Home -> Vishesh -> Duped of 17.5L in Kidney Scam Accused Move Court to Reclaim Money Seized by Police Without FIR
Saturday, 08-Aug-2026 - Bhuj 1141 views
૧૭.૫૦ લાખની ઠગાઈમાં FIR ના નોંધાઈ અને રિકવર નાણાં પરત લેવા આરોપી કૉર્ટમાં ગયાં!!
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) દિલ્હીના એક દર્દીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આપવાની લાલચ આપી, ૧૭.૫૦ લાખ રૂપિયા લઈને ભુજ માંડવીની ગઠિયા ગેંગે ધુતી લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. FIR વગર રિકવર કરેલાં રૂપિયા મુદ્દે હવે કોર્ટમાં અરજી થઈ છે! ૧૬ મહિના જૂના આ બનાવમાં માંડવી પોલીસે કોઈ જ ગુનો દાખલ કર્યાં વગર, આરોપીઓને બારોબાર પકડીને ૧૭.૫૦ લાખ રૂપિયા મેળવીને હજમ કરી ગઈ હોવાની જાણકાર વર્તુળોમાં ગંભીર ચર્ચાઓ થઈ રહી છે. આ કેસમાં પોલીસે કરેલો ખુલાસો પણ સંદેહજનક છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે ૧૭.૫૦ લાખની ઠગાઈ

કિડનીની બીમારીથી પીડાતાં દિલ્હીના આધેડ જસવીરસિંઘ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની દાતાની શોધમાં હતા. તુર્કીમાં રહેતા તેમના મિત્ર મારફતે તેમને માંડવીનો એક યુવક જરૂરિયાતમંદ કિડની ડોનર શોધી આપતો હોવાની માહિતી મળેલી. જેથી તેમણે માંડવીના આ ગઠિયાનો સંપર્ક કરતા ગઠિયાએ તેમને રૂબરૂ માંડવી બોલાવેલાં. માર્ચ ૨૦૨૫માં જસવીરસિંઘ માંડવી આવેલાં.

ગઠિયાઓએ ‘૧૭.૫૦ લાખ રૂપિયામાં કામ થઈ જશે’ કહીને દોઢ લાખ રૂપિયા મેળવેલાં. ત્યારબાદ જસવીરને ભુજમાં કોડકી રોડ પર લઈ જવાયેલો. અહીં ગેંગમાં સામેલ અન્ય ૬ યુવકોને રજૂ કરીને ‘આમાંથી જેની કિડની મેચ થશે તેને ૧૭ લાખ રૂપિયા આપવા પડશે’ કહીને વધુ ૧૬ લાખ રૂપિયા મેળવી લીધેલાં.

ટ્રાન્સપ્લાન્ટ માટે આધેડને રાજસ્થાનના પાલી લઈ જવાઈ એક હોટેલમાં ઉતારો અપાયેલો અને બીજા દિવસે ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાશે તેમ જણાવેલું. જો કે, બીજા દિવસે આ ગઠિયા ગેંગ મોબાઈલ ફોન બંધ કરીને રફુચક્કર થઈ ગયેલી.

૧૬ માસ થયાં અરજી પર કોઈ FIR દાખલ ના થઈ

કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું પામી ગયેલાં જસવીરસિંઘે ફરી માંડવી આવીને ૨૨-૦૩-૨૦૨૫ના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી. પોલીસે આ કેસમાં આજ દિન સુધી કોઈ ગુનો દાખલ કર્યો નથી.

અરજીના આધારે ત્રણ જણને ચેપ્ટર કેસમાં ફીટ કર્યાં

અરજીના આધાર પર પોલીસે બીજા દિવસે ત્રણ જણને ઝડપીને, ત્રણે જણાં અરજદાર સાથે ઝઘડો તકરાર ના કરે તેવા ગ્રાઉન્ડ પર BNSS ૧૨૬, ૧૩૫ (૩) અને ૧૭૦ની કલમો હેઠળ ચેપ્ટર કેસ દાખલ કરીને મામલતદાર સમક્ષ રજૂ કરેલાં. મામલતદારે ત્રણેને જામીન પર છોડી મૂકેલાં.

ફરિયાદીને જ ફીટ કરી દેવાનો દમ મારી ભગાડી દેવાયેલો?

નાણાં આપીને કોઈનું અંગ ખરીદી પ્રત્યારોપણ કરાવવું તે THOTA (Transplantation of Human Organs and Tissues) Act 1994 હેઠળ ગંભીર ગુનો બને છે. બનાવથી જાણકાર સૂત્રો દાવો કરે છે કે પોલીસે અરજદાર જસવીરસિંઘને જ આ કેસમાં ફીટ કરી દેવાની બીક બતાડતાં તે ફરિયાદ નોંધાવવાનું માંડી વાળી, ડરીને દિલ્હી ભાગી ગયેલો. હકીકત એ છે કે આ કેસમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન થયું જ નહોતું. કેવળ કિડની આપવાની લાલચમાં ફસાવીને જસવીરસિંઘ પાસેથી ૧૭.૫૦ લાખ રૂપિયા મેળવી લેવાયાં હતા.

જે કોઈ કારણ હોય પરંતુ સ્પષ્ટ રીતે આ ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો તો બને જ છે.

આવા ગંભીર આરોપ અંગે માંડવીના પીઆઈ ચેતક વાય. બારોટનો પ્રતિભાવ મેળવ્યો તો તેમણે જણાવ્યું કે ‘જસવીરસિંઘે કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે ઠગાઈ થયાની ફરિયાદ આપેલી. પરંતુ જ્યારે અમે નાણાં મેળવનાર ત્રણ જણને પકડીને પૂછપરછ કરેલી તો એવી સ્ટોરી બહાર આવેલી કે કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે નહીં પરંતુ એક કા ડબલ કે સસ્તાં ભાવે નકલી ગોલ્ડ ખરીદવાના સોદાના નામે તેમણે રૂપિયા મેળવેલાં’

ફરિયાદી FIR કરવા આવતો નથીઃ પોલીસ

માંડવી પીઆઈનો આ ખુલાસો સાચો હોય તો પણ એક બાબત સ્પષ્ટ છે કે જસવીરસિંઘ સાથે ઠગાઈ તો થઈ જ છે. ત્યારે, પોલીસે શા માટે ગુનો દાખલ ના કર્યો? પીઆઈ બારોટ વળી ખુલાસો આપે છે કે અરજીની સામે આરોપીઓની કબૂલાતના લીધે અરજદાર ભોંઠો પડી જતાં તેણે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું! અમે ફરિયાદ નોંધવા તેનો વારંવાર સંપર્ક કરીને, દિલ્હીના ઘરના સરનામે નોટિસો પાઠવી પણ તે ફરિયાદ નોંધાવવા આવતો જ નથી.

જસવીરસિંઘ ખરેખર કિડનીનો દર્દી છે

કચ્છખબરે જસવીરસિંઘના મોબાઈલ ફોન પર સંપર્ક કરવા વારંવાર પ્રયાસો કર્યા પરંતુ મોબાઈલ ફોન સ્વિચ્ડ ઓફ્ફ છે. જો કે, ઘટનાક્રમને જાણતાં લોકો કહે છે કે તેની બંને કિડની ફેઈલ થઈ ગયેલી છે. માંડવીમાં પણ તે ડાયાલિસીસ કરાવવા માટે જનકલ્યાણ હોસ્પિટલમાં દાખલ થયેલો અને તબિયત લથડતાં તેને ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયેલો.

આ પ્રકરણમાં વિધિવત્ ફરિયાદ દાખલ ના થઈ હોવા છતાં માંડવી પોલીસ આરોપીઓ પાસેથી રિકવરીના નામે પૂરેપૂરાં ૧૭.૫૦ લાખ રૂપિયા મેળવીને બારોબાર ખાઈ ગઈ હોવાનો ગંભીર આરોપ થયો છે.

માંડવી પીઆઈએ ખુલાસો કર્યો કે ‘જે-તે સમયે અમે ત્રણ જણાંની અટક કરીને તેમની પાસેથી ૬ લાખ રૂપિયા રિકવર કરેલાં. તે અંગે સ્ટેશન ડાયરીમાં વિધિવત્ એન્ટ્રી કરેલી છે, મુદ્દામાલ પાવતી ફાડેલી છે અને આ રૂપિયા પોલીસની સેફ કસ્ટડીમાં છે. ૬ લાખ સિવાય એક રૂપિયો પણ પોલીસે મેળવ્યો નથી. પોલીસ પર ખોટી આરોપબાજી થયાં કરે છે’

જાણકાર લોકો દાવો કરે છે કે પોલીસ એક તબક્કે આ રીતે તત્કાળ નાણાં રિકવર કરે તો પણ BNSS 106 હેઠળ પાછળથી ફરજિયાતપણે કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે વિધિવત્ ગુનો દાખલ કરવો જ પડે.

રૂપિયા પરત મેળવવા આરોપીઓ મેદાને ઉતર્યાં!

પોલીસે જે-તે સમયે ત્રણ જણાં પાસેથી ચોપડા પર છ લાખ રૂપિયાની સત્તાવાર રિકવરી દર્શાવી પરંતુ ગુનો આજદિન સુધી દાખલ થયો નથી. વિધિવત્ FIRના અભાવે કાયદાના જાણકાર આરોપીઓએ હવે આ રૂપિયા પરત મેળવવા કૉર્ટમાં એમ કહીને અરજી કરી છે કે અમને મળેલાં હાથઉછીના રૂપિયા પોલીસે મેળવી લીધાં હતા!! એટલું જ નહીં, પોલીસ પર પ્રેશર આવે તે માટે આરોપીઓએ જ આ મામલો મીડિયામાં ઈરાદાપૂર્વક લીક કરવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રો ઉમેરે છે.

ખરેખર તો સમગ્ર ઘટના ગંભીર છે અને તટસ્થ તપાસ થાય તો અસલિયત બહાર આવે તેમ છે.
Share it on
   

Recent News  
NO ONE KILLED JYOTI નાળામાંથી મળેલી અજાણી લાશના કેસમાં કોઈ ગુનો ના નોંધાયો!
 
૫.૫૫ કરોડના ખંડણીકાંડમાં વધુ પાંચ આરોપી ઝડપાયાં: ૧૭ દિવસમાં ૭૫ ટકા રકમ રિકવર
 
ગાંજાની કમાણીથી વસાવેલી મિલકતો જપ્તઃ પૂર્વ કચ્છ પોલીસે પિન્ટુને રસ્તે લાવી દીધો!