click here to go to advertiser's link
Visitors :  
22-Sep-2026, Tuesday
Home -> Gandhidham -> Cyber Mafia Digitally Arrests Gandhidham Senior Citizen For 12 Days Extorts Rs 42 Lakh
Tuesday, 22-Sep-2026 - Gandhidham 691 views
સાયબર માફિયાઓએ ગાંધીધામના વૃધ્ધને ૧૨ દિવસ ડિજિટલ અરેસ્ટ કરી ૪૨ લાખ કઢાવી લીધા
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ નકલી પોલીસ અને સીબીઆઈ ઑફિસર બનીને સાયબર ક્રિમિનલોએ ગાંધીધામના ૬૫ વર્ષિય વૃધ્ધને યુપીથી લઈ ગાંધીધામ સુધી સતત ૧૨ દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખીને ૪૨ લાખ રૂપિયા કઢાવી લીધા હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે ચીટીંગ, એક્સટોર્શન, આઈટી એક્ટ સહિતની કલમો તળે અજાણ્યા વોટસએપ નંબરધારકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
IPS મુંબઈ લખેલો મેસેજ મોકલી કરી શરૂઆત

ગાંધીધામના સપનાનગરમાં રહેતા રામાઆશરે રાજદેવ દુબે (રહે. મૂળ આંબેડકરનગર, ઉત્તર પ્રદેશ) કંડલા ફાયર બ્રિગેડમાં નોકરી કરતા હતા અને ૨૦૨૨માં નિવૃત્ત થયાં હતા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ફરિયાદી યુપીમાં હતા ત્યારે તેમને ફોનમાં IPS મુંબઈ લખેલો એક મેસેજ આવ્યો હતો. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી વોટસએપ વીડિયો કૉલ આવેલો.

છોકરીની છેડતી, મની લોન્ડરીંગના કેસની ધમકી આપી

ફોન ઉપાડતાં પોલીસ યુનિફોર્મમાં રહેલા શખ્સે તેમને જણાવેલું કે ‘આપ કે નામ સે દૂસરા મોબાઈલ સીમ કાર્ડ હૈ, જીસ નંબર સે એક લડકી કો છેડા ગયા હૈ’ ફરિયાદીએ પોતાનો બીજો કોઈ નંબર ના હોવાની દલીલ કરતાં નકલી પોલીસ અધિકારીએ જણાવેલું કે તમારી સામે બે કરોડના મની લોન્ડરીંગનો કેસ પણ નોંધાયેલો છે. આ કેસમાં તમારા સહિત ૧૦ આરોપીઓ વૉન્ટેડ છે. ત્યારબાદ તેમને મની લોન્ડરીંગના કેસ અંગે નોંધાયેલી FIRની કોપી સહિતના પુરાવા વોટસએપ પર મોકલી અપાયાં હતા.

આરોપીઓએ તેમને જણાવેલું કે બધી બાબતો ગુપ્ત રાખવી પડશે નહીં તો તમારો પરિવાર પણ અરેસ્ટ થશે. ૧ કલાક સુધી ચાલેલા વીડિયો કૉલ બાદ ફરિયાદી ખૂબ ડરી ગયેલાં.

આરોપીઓએ તેમને મુંબઈ પોલીસના લોગોવાળા લેટરપેડની ફોટોકોપી પરનું લખાણ મોકલી આપેલું. સાયબર ક્રિમિનલોએ તેમને દર બે કલાકે ‘હું સેફ છું’ તેવા મેસેજ મોકલતાં રહેવા જણાવી અવારનવાર વોટસએપ વીડિયો કૉલ કરી ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યાં હતા.

યુપીથી ગાંધીધામ મોકલ્યાં, સતત નજરકેદ રાખ્યાં

સાયબર ક્રિમિનલોએ તમારી પાસે જે ફંડ છે તે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયામાં જમા કરાવવું પડશે, તપાસ બાદ સાચાં હશો તો તમામ નાણાં પરત મળી જશે કહીને તપાસમાં સહકાર નહીં આપો તો તમારી બધી પ્રોપર્ટી જપ્ત થશે તેવો દમ મારેલો. આરોપીઓએ વાત વાતમાં જાણી લીધેલું કે ફરિયાદીના બધા બેન્ક ખાતાં ગાંધીધામમાં છે તેથી તેમણે ફરિયાદીને ગાંધીધામ જઈ બેન્કમાં જવા સૂચના આપેલી. આ સમય દરમિયાન તેમણે સતત ફરિયાદીને નજરકેદ રાખેલાં.

વિવિધ બહાને ટુકડે ટુકડે ૪૨ લાખ કઢાવી લીધા

ફરિયાદી ગાંધીધામ આવી ગયાં બાદ સાયબર માફિયાઓએ તેમને બેન્કમાં મોકલીને ફોર્મ ભરાવડાવી RTGS મારફતે ખાતામાં રહેલાં ૧૮ અને ૧૫ લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. એટલું જ નહીં, પછીના દિવસોમાં પોસ્ટ ઑફિસમાં રાખેલી ફિક્સ ડિપોઝીટ તોડાવી તે રકમ પણ અન્ય બેન્ક ખાતામાં મેળવી લીધી હતી. ફરિયાદીનો પુત્ર ઘરે હોય ત્યારે સાયબર માફિયાઓએ પુત્ર નોકરી જવા નીકળે ત્યારબાદ રૂમમાં એકલાં જઈને વાત કરવા જણાવતાં.

છેલ્લે છેલ્લે સાયબર માફિયાઓએ RBIની રીફંડ પ્રોસેસ ચાલુ છે પરંતુ સુપ્રીમ કૉર્ટના નિયમ મુજબ પહેલાં ૧૦ લાખ રૂપિયાની ડિપોઝીટ જમા કરાવો ત્યારબાદ જ ૩૯ લાખ પરત મળશે તેમ કહીને વધુ ૪ લાખ રૂપિયા જમા કરાવડાવ્યાં હતા.

સાયબર માફિયાઓ સતત ધમકીઓ આપીને વધુ ને વધુ નાણાં જમા કરાવવા રહેતાં હોઈ ૧૨મા દિવસે એટલે કે ૨૬ ફેબ્રુઆરીના રોજ ફરિયાદીને શંકા ગયેલી. તેમણે તેમના પુત્ર વિકાસને સઘળી વાત કર્યાં બાદ તરત ઓનલાઈન સાયબર હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવેલી. જેના લીધે છેલ્લે તેમણે જમા કરાવેલી ચાર લાખ રૂપિયાની રકમ હોલ્ડ થઈ ગઈ હતી અને તેમાંથી ૨.૬૫ લાખ પરત મળ્યાં છે. સાયબર ક્રાઈમ પોલીસ પીઆઈ બી.વી. બોરીસાગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
નખત્રાણાના વડવા કાંયાની સીમમાં LCBએ કટિંગ ટાણે ત્રાટકીને ૪૮.૧૨ લાખનો શરાબ ઝડપ્યો
 
मनीष अंकल ने मेरे साथ गलत किया ૬ વર્ષની દીકરીના દુષ્કર્મીને જીવે ત્યાં સુધી જેલ
 
સરહદી કચ્છમાં વગર યુધ્ધે અચાનક તમામ ગામોમાં અડધો કલાક અંધારપટ કરી દેવાયો