|
કચ્છખબરડૉટકોમ (ઉમેશ પરમાર) કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગની ઘોર બેદરકારી અથવા મીઠી નજર તળે મલ્ટી વિટામીન અને મલ્ટી મિનરલ્સ સપ્લિમેન્ટ્સના નામે નવજાત શિશુઓના સ્વાસ્થ્ય સાથે ખતરનાક ખેલ ખેલાઈ રહ્યો છે. ભુજની આયુષ હોસ્પિટલને સાંકળતો એક ગંભીર કિસ્સો બહાર આવ્યા બાદ કડક પગલાં લેવાના બદલે જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે ભજવેલી ભૂમિકા કોઈ મોટી ગેરરીતિ ચાલી રહી હોવાની શંકા પ્રેરી રહી છે. લેબલની Expiry Dateમાં ૧ વર્ષનો તફાવત
નવજાત શિશુને એક મહિના સુધી પીવડાવાયેલી Corvit Drops 30 ml નામની દવાની શીશી લઈને શિશુના સગાંઓએ ૧૬ જૂને ભુજની આયુષ હોસ્પિટલમાં આવીને ફરિયાદ કરેલી કે ‘તમારી હોસ્પિટલમાંથી અપાયેલી આ દવા (મોંઢા વાટે અપાતાં ટીપાં) અમે એક મહિના સુધી અમારા બચ્ચાંને પીવડાવેલી પરંતુ આ દવા તો ફેબ્રુઆરી મહિનામાં જ એક્સપાયર થઈ ગયેલી છે’
દવાની શીશી ઉપર લાગેલાં લેબલમાં એક્સપાયરી તારીખ 02/27 પ્રિન્ટ થયેલી હતી પરંતુ તે લેબલને સ્હેજ ઉખેડતાં નીચે રહેલા મૂળ લેબલમાં એક્સપાયરી ડેટ 02/26 પ્રિન્ટ થયેલી હતી!
બાળકનો જન્મ આ જ હોસ્પિટલમાં થયેલો અને હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી આ દવાનું વેચાણ કરાયું હતું.
હોસ્પિટલ અને સ્ટોકીસ્ટ્સનું ચલક ચલાણું
હોસ્પિટલે દવા સપ્લાય કરનાર ગાંધીધામના સ્ટોકીસ્ટ નિર્મલ ગઢવી પર દોષનો ટોપલો ઢોળી જણાવ્યું કે અમને તો આ ગઢવીએ દવાનો જથ્થો મોકલેલો છે. સ્ટોકીસ્ટ નિર્મલ ગઢવીએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરતાં કહ્યું કે દવાનું ઉત્પાદન અમદાવાદના ચાંગોદરમાં આવેલી ક્રિપ્ટોન રેમેડીઝ (Krypton Remedies) નામની કંપનીએ કરેલું છે. ક્રિપ્ટોન રેમેડીઝના ઉત્પાદકે ખુલાસો કર્યો કે દવા એક્સપાયરી ડેટની છે જ નહીં. હકીકતમાં ‘ભૂલ’થી દવાની એક્સપાયરી ડેટ 02/26 પ્રિન્ટ થઈ ગયેલી. તે ધ્યાને આવતાં અમે નવી એક્સપાયરી ડેટ 02/27નું લેબલ લગાડેલું.
શિશુના સ્વજનની માફી માગી સમજાવી લેવાયાં!
દર્દીના સગાઓએ ભુજના બહુમાળી ભવનમાં ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગની કચેરીએ રૂબરૂ જઈને આ અંગે મૌખિક ફરિયાદ કરેલી. બે દિવસ બાદ ડ્રગ્ઝ ઈન્સ્પેક્ટરે આયુષ હોસ્પિટલમાં રૂબરૂ જઈને તપાસ કરેલી. પરંતુ, હકીકતમાં ગંભીરતાથી કોઈ જ પગલાં ના લેવાયાં. દવા કંપનીએ બાળકને કંઈ પણ થાય તો અમારી જવાબદારી રહેશે તેમ કહીને બાળકના સગાંની માફી માગી લઈ ‘સમજાવી’ લીધાં એટલે તેમણે લેખીતમાં કોઈ ફરિયાદ ના કરી.
ચાંગોદરની કંપનીએ બનાવી છે સપ્લિમેન્ટ
બનાવ ધ્યાને આવતા કચ્છખબરે તપાસ કરતાં બહાર આવ્યું કે નવજાત બાળકને જે દવા અપાઈ હતી તે મલ્ટિ વિટામીન અને મલ્ટિ મિનરલ્સ જેવા પોષક તત્વો ધરાવતાં ડ્રોપ્સ હકીકતમાં દવા (મેડિસીન) નહીં પણ પોષક પૂરક તત્વોનું સંમિશ્રણ (સપ્લિમેન્ટ્સ) છે. અમદાવાદના સાણંદ પાસે આવેલા ચાંગોદરની ક્રિપ્ટોન રેમેડીઝએ આ સપ્લિમેન્ટ્સનું ઉત્પાદન કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)નું લાયસન્સ મેળવેલું છે.
મંજૂરી વિના Expiry Date સુધારવી ગંભીર અપરાધ
નવજાત શિશુઓને અપાતાં સપ્લિમેન્ટ્સની એક્સપાયરી ડેટની પ્રિન્ટીંગમાં કદાચ કોઈ ભૂલ થઈ હોય તો પણ કોઈ કંપની પોતાની મરજીથી, નવી એક્સપાયરી ડેટ પ્રિન્ટ કરી પ્રોડક્ટ્સનું રી-લેબીંગ કે ઓવર લેબલીંગ કરી જ ના શકે. આવી ગેરરીતિ સામે FSSAIના નિયમો બહુ કડક છે.
♦FSSAIના નિયમો મુજબ જો કોઈ કંપનીથી એક્સપાયરી ડેટના પ્રિન્ટીંગમાં ભૂલ થઈ હોય અને તે નવી એક્સપાયરી ડેટ સાથે પ્રોડક્ટનું રી-લેબલીંગ કે ઓવર લેબલીંગ કરવા ઈચ્છતી હોય તો તેણે સૌપ્રથમ FSSAI માન્ય લેબોરેટરીમાં સપ્લિમેન્ટનું ટેસ્ટીંગ કરાવી, તેનો શેલ્ફ લાઈફ (Shelf Life) સાથેનો સ્ટેબિલીટી રિપોર્ટ મેળવવો ફરજિયાત છે.
♦FSSAIના સંબંધિત અધિકારીની લેખીત મંજૂરી મળે તે પછી જ એક્સપાયરી ડેટનું ઓવરલેબલિંગ કરી શકાય છે.
♦ઓવર લેબલિંગ માટે કાનૂની તોલમાપ વિજ્ઞાન વિભાગના સંબંધિત અધિકારીની પણ મંજૂરી લેવી ફરજિયાત છે.
♦જો પોતાની રીતે કોઈ કંપની નવજાત શિશુઓના સપ્લિમેન્ટ્સની નિયત મંજૂરી વિના એક્સપાયરી ડેટનું ઓવર લેબલીંગ કરે તો ગંભીર ફોજદારી કાર્યવાહી અને દંડને પાત્ર બને છે.
કચ્છમાં ૩ હજારથી વધુ શીશી સપ્લાય થઈ
કચ્છખબરે ૨૬ જૂનના રોજ ગાંધીધામની યુનિકોર ફાર્માના સંચાલક અને સ્ટોકીસ્ટ નિર્મલ ગઢવી પાસે દવાના ઓવર લેબલીંગ માટે FSSAIની મેળવાયેલી લેખીત મંજૂરીનો પત્ર આપવા જણાવ્યું પરંતુ ગઢવી કે ઉત્પાદક કંપની પાસે આવી કોઈ મંજૂરી નથી. સપ્લિમેન્ટ ઉત્પાદક ક્રિપ્ટોન ફાર્માએ આ મામલે ૧૯ જૂને સ્ટોકીસ્ટને પાઠવેલાં લેખીત ખુલાસામાં સ્વિકાર્યું છે કે તેમને એક્સપાયરી ડેટ બદલેલી ૩ હજારથી વધુ શીશી મોકલાઈ છે. કચ્છમાં કેવળ એક સ્ટોકીસ્ટને ૩ હજારથી વધુ શીશી મોકલાઈ છે ત્યારે અન્ય કેટલાં સ્ટોકીસ્ટ્સને આખા ગુજરાત અને દેશમાં આવી કેટલી શીશીઓ સપ્લાય કરાઈ હશે તે રામ જાણે!
૧૦ દિવસ બાદ સેમ્પલ લેવાના નામે નાટક
૨૯ જૂનના રોજ કચ્છખબરે ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગના ડેઝિગ્નેટેડ ઑફિસર અમિત બી. પટેલને આ અંગે પૂછ્યું તો તેમણે ચોંકી જવાનું નાટક કરીને જણાવ્યું કે ‘આ તો ગંભીર મામલો છે. અમે આજે જ આ સપ્લિટમેન્ટ્સના સેમ્પલ લઈ તપાસ માટે મોકલીએ છીએ. હમણાં તમે કોઈ સમાચાર પ્રગટ ના કરતાં, નહિતર કંપનીવાળા ચેતી જશે!’
પછી ડેઝિગ્નેટેડ ઑફિસરે હાથ અધ્ધર કર્યાં
બીજી જૂલાઈના રોજ અમિત પટેલને ફરી પૂછ્યું તો તેમણે જણાવ્યું કે ‘અમે સેમ્પલ લેવા પ્રયાસ કરેલો પરંતુ તે પ્રોડક્ટ્સ હવે ઉપલબ્ધ જ નથી. આ મામલો FSSAIની સેન્ટ્રલ ઑથોરિટી હસ્તકનો છે એટલે તમારે FSSAIનો ખુલાસો લેવો પડશે’ કચ્છખબરે જણાવ્યું કે આપની જ કચેરીના ડ્રગ ઈન્સ્પેક્ટરે પંદરેક દિવસ અગાઉ હોસ્પિટલમાં રૂબરૂ જઈને તપાસ કરેલી છે તો પટેલે જણાવ્યું કે ‘આ વિષય ફૂડ વિભાગને લગતો છે, તેમાં ડ્રગ ઈન્સ્પેક્ટરની કોઈ ભૂમિકા જ આવતી નથી’
કડક કાર્યવાહીના બદલે FDCAએ નાટક કર્યાં
સમગ્ર કિસ્સામાં ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે કરેલી કામગીરી અને ખુલાસા અનેક સંદેહ સર્જે છે.
♦૧૫ દિવસ અગાઉ જ્યારે દર્દીના સગાએ ફૂડ વિભાગની કચેરીએ રૂબરૂ જઈને મૌખિક રજૂઆત કરેલી ત્યારબાદ ડ્રગ્ઝ ઈન્સ્પેક્ટરે આયુષ હોસ્પિટલમાં જઈને શું તપાસ કરેલી?
♦તે જ સમયે આ પ્રોડક્ટ્સનું સેમ્પલ કેમ લેવાયું નહોતું?
♦જો આ પ્રોડક્ટની તપાસનો વિષય ડ્રગ વિભાગના બદલે ફૂડ વિભાગને લગતો હતો તો ડ્રગ ઈન્સ્પેક્ટરે ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઑફિસરને સેમ્પલ લેવા શા માટે જાણ નહોતી કરી?
♦જો મામલો FSSAIની સેન્ટ્રલ ઑથોરિટીને લગતો હોય તો પછી સ્ટેટ કચેરીના ડેઝિગ્નેટેડ ઑફિસર દ્વારા સેમ્પલ લેવાના નાટકો કેમ કરાયાં?
♦વક્રતા એ છે કે આ જ કચેરીમાં બેસતા મકવાણા નામના અધિકારી વળી એમ જણાવે છે કે અમારા ડ્રગ ઈન્સ્પેક્ટરે કરેલી તપાસનો રિપોર્ટ વડી કચેરીને મોકલી આપ્યો છે!
એક જ વિભાગ અને કચેરીમાં બેસતાં અધિકારીઓના આ વિરોધાભાસી બયાનો દર્શાવે છે કે તેમણે કડક કાર્યવાહી કરવાના બદલે જવાબદાર ફાર્મા કંપનીને છાવરવા પ્રયાસ કર્યા છે.
એક્સપાયરી ડેટના ઓવર લેબલીંગવાળી દવા કે સપ્લિમેન્ટસનું વેચાણ વિતરણ ના થાય તે જોવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્ઝ કચેરી (FDCA)ની છે.
આ FSSAIની સેન્ટ્રલ ઑથોરિટીનો વિષય છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી FDCA હરગીઝ છટકી ના શકે.
આ કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે કે કચ્છમાં FDCAની કોઈ જ નિગરાની વગર નવજાત શિશુઓને આવી સપ્લિમેન્ટ્સ અપાય છે અને ઘટના બહાર આવે ત્યારે FDCA કાર્યવાહી કરવાના બદલે નાટક કરી જવાબદાર કંપનીઓને છાવરે છે.
Share it on
|