|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ બાળકો સાથે થતાં જાતીય દુરાચારના ગુનાઓ અટકાવવા માટે ભારતમાં ખાસ પોક્સો (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીઝ એક્ટ) કાયદો અમલમાં છે. જો કે, ગુના નોંધાયા બાદ અનેક કેસોમાં સંબંધિત પોલીસ અધિકારીઓ દ્વારા તપાસમાં જે ભયંકર ક્ષતિઓ રાખવામાં આવે છે તેના લીધે અદાલતોમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે. માધાપરમાં લગ્નના નામે લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઈરાદે ૧૫.૩ વર્ષની બાળાનું, તેના માતા પિતાની સંમતિ વગર અપહરણ કરવાના ગુનામાં ભુજની ખાસ પોક્સો કૉર્ટે પોલીસની તપાસને એકતરફી ગણાવી આરોપીને નિર્દોષ છોડી મૂક્યો છે. એટલું જ નહીં, પીડિત બાળાની જન્મ તારીખને લગતાં રજૂ થયેલાં બે જુદાં જુદાં દસ્તાવેજમાં પિતાના નામમાં રહેલા ફરકને ગેરકાયદે ગણી કૉર્ટે અંજાર નગરપાલિકાના ચીફ ઑફિસરને ત્રણ માસમાં તપાસ કરી અહેવાલ આપવા હુકમ કર્યો છે.
જાણો શો હતો એ બનાવ
૧૯-૦૧-૨૦૨૬ના રોજ માધાપર પોલીસ મથકે ગુનાનો ભોગ બનનાર બાળાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરી ધોરણ દસમાં ભણે છે, પરીક્ષા ચાલુ હોઈ રાત્રે માતાનો મોબાઈલ લઈને લેશન કરતી હતી.
મધરાતે ત્રણ વાગ્યે ફરિયાદીની પત્ની પાણી પીવા ઉઠી ત્યારે દીકરીને ઘરમાં ના જોતાં સૌ જાગી ગયેલાં. આસપાસમાં તપાસ કરેલી પરંતુ દીકરી મળી નહોતી.
માધાપરમાં આવેલી એક મીઠાઈ ફરસાણની દુકાને કામ કરતાં રઝાક ઓસમાણ સમા નામના યુવક સાથે દીકરીને મિત્રતા હોવાનું જાણતાં પિતાએ રઝાક જ દીકરીને ભગાડી ગયો હોવાનું માનીને તેની વિરુધ્ધ માધાપર પોલીસ મથકે સગીર દીકરીના અપહરણ સબબ BNSની કલમ ૧૩૭ (૨), ૮૭ અને પોક્સો એક્ટની કલમ ૧૮ તળે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તત્કાળ તપાસ હાથ ધરીને આરોપી સાથે રહેલી ફરિયાદીની સગીર દીકરીને સાંજે ગાંધીધામથી લઈ આવી હતી. આ કેસમાં માધાપરના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર અનિતાબા કનકસિંહ જાડેજાએ ૧૪ સાક્ષીઓ અને ૩૧ દસ્તાવેજી આધારો સાથે કૉર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલી.
જો કે, તપાસમાં રહેલી ત્રુટિઓ, સબળ પુરાવાના અભાવ અને ભયંકર વિરોધાભાસના પગલે ભુજની વિશેષ પોક્સો કૉર્ટના ખાસ જજ એમ.એફ. ખત્રીએ પોલીસની તપાસને એકતરફી, બિનતટસ્થ અને ખોટી માનીને આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ કે.પી. ગઢવીએ દલીલો કરી હતી.
♦પોલીસે કૉર્ટમાં ભોગ બનનાર બાળા કિશોર વયની હોવાના આધાર પુરાવા તરીકે તેના જન્મના પ્રમાણપત્રની ઓનલાઈન કોપી તથા અંજાર નગરપાલિકાના જન્મ મરણ રજિસ્ટરનો દાખલો રજૂ કર્યો હતો. બંને દાખલામાં પિતાના નામમાં ફરક હતો. બચાવ પક્ષે આ મુદ્દો ઉપસ્થિત કરેલો. તે અંગે ફરિયાદ પક્ષ કોઈ બચાવ રજૂ કરી શક્યો નહોતો.
♦ગુનાનો ભોગ બનનાર બાળા ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપીના સંપર્કમાં આવી હોવાનો ફરિયાદમાં આરોપ કરાયેલો. બેઉ એકમેક સાથે ચેટ કરતાં હતા. પરંતુ, પોલીસે ગુનાકામે પીડિત કે આરોપી કોઈનો મોબાઈલ ફોન કબજે કર્યો નહોતો અને ઈન્સ્ટાગ્રામની ચેટનો સ્ક્રીનશોટ પુરાવા તરીકે રજૂ કર્યો નહોતો.
♦આરોપીને પોતાની દીકરી સાથે મૈત્રી હોવાનું જાણીને બનાવ બન્યો તેના એક-બે માસ અગાઉ પિતાએ તેની સાથે બોલાચાલી કરેલી. એટલું જ નહીં, આરોપી જે દુકાનમાં નોકરી કરતો હતો તે દુકાનદારને આરોપીને નોકરીમાંથી કાઢી મૂકવા સલાહ આપેલી. આ બાબતની ફરિયાદીએ કૉર્ટમાં કબૂલાત કરેલી. બીજી તરફ, આરોપીને નોકરીમાંથી દૂર ના કરાતાં તેને ખોટી રીતે ફસાવવા માટે પિતાએ ખોટા આરોપ કર્યાં હોવાની બચાવ પક્ષે રજૂઆત કરેલી.
♦ગુનાનો ભોગ બનનાર બાળાએ પોતાની જુબાનીમાં જણાવેલું કે રાત્રે પિતા અને બહેન તેને શોધવા ચોકમાં આવ્યાં હોઈ તે આરોપી જોડે નાસી ગયેલી. બેઉ જણ ટ્રકમાં બેસી અંજાર ગયેલાં. પૈસા ના હોઈ બાળાએ પહેરેલી નાકની ચુની અંજારમાં સોનીની દુકાને વેચીને ત્રણસો રૂપિયા મેળવેલાં. તેમાંથી નાસ્તો કરીને બેઉ ગાંધીધામ બસ સ્ટેન્ડ ગયેલાં. આરોપીએ ફોન કરીને તેના ભાઈને ગાંધીધામ બોલાવેલો. ત્રણે જણ ગાંધીધામ બસ સ્ટેશનમાં બેઠાં હતા ત્યારે પોલીસને લઈને તેના પિતા બસ સ્ટેશનમાં આવેલા અને તેને પરત માધાપર લઈ આવેલાં
♦બીજી તરફ, પીડિતાના પિતાએ કૉર્ટ સમક્ષ જુબાનીમાં એવું જણાવેલું કે સાંજે પોલીસે તેમને જાણ કરેલી કે તેમની દીકરી ગાંધીધામ છે. તેથી તે પોલીસ જોડે ગાંધીધામ ગયેલ અને રેલવે સ્ટેશન પાસેથી દીકરી મળેલી.
ભોગ બનનાર બાળાએ પોતે બસ સ્ટેશનની અંદર બેસી હોવાનું જણાવેલું જ્યારે પિતાએ દીકરી રેલવે સ્ટેશન પાસેથી મળેલી હોવાનું જણાવેલું. આ વિરોધાભાસનો ફરિયાદી કે તપાસકર્તા પાસે કોઈ ખુલાસો નહોતો
♦બયાનોના વિરોધાભાસ વચ્ચે પોલીસે આરોપીને કૉર્ટમાં રજૂ કરી જે પ્રોડક્શન રિપોર્ટ અને યાદી સુપ્રત કરેલી તેમાં આરોપીની માધાપર પોલીસ સ્ટેશનથી ધરપકડ કરી હોવાનું દર્શાવ્યું હતું! આરોપી પોલીસ સ્ટેશન કેવી રીતે પહોંચ્યો કે તેને કેવી રીતે પોલીસ સ્ટેશને લવાયો તે અંગે યાદીમાં કશી જ વિગતો લખી નહોતી. અટક પંચનામામાં પણ તેને ક્યાંથી અટક કર્યો તેની વિગતો લખી નહોતી
♦કૉર્ટે ગુનાનો ભોગ બનનાર બાળાના જન્મના દાખલામાં પિતાના નામમાં રહેલા તફાવતને ગંભીર ગણી ભોગ બનનારની ઉંમર ખરેખર સગીર હતી કે કેમ તે જ મુદ્દે શંકા ઉપસ્થિત કરી. બનાવને કોઈએ નજરે જોયો નહોતો. આરોપી પકડાયો ત્યારે તે ભોગ બનનાર સાથે હતો તેવું પણ રેકર્ડ પર ક્યાંય સિધ્ધ થયું નહોતું. તેથી આરોપીએ જ અપહરણ કર્યું હોવાનું સાબિત ના થયું
♦અંજારમાં સોનીની જે દુકાને નાકની ચુની વેચવા ગયેલાં તે દુકાનના સીસીટીવી ફૂટેજ પોલીસે પુરાવા તરીકે રજૂ કરેલાં. જેમાં બાળાના ચહેરા પર દુપટ્ટો ઢાંકેલો જોવા મળતો હતો. જે સોનીને સાક્ષી તરીકે રજૂ કરાયેલો તે સોની અને ફરિયાદીના પિતાના નામ-અટકમાં સમાનતા હતી. સીસીટીવીમાં મોંઢે દુપટ્ટો બાંધેલી બાળા જ ગુનાનો ભોગ બનનાર બાળા છે તેવું કૉર્ટમાં સાબિત કરવા માટે પોલીસે કોઈ પ્રયાસ કર્યો નહોતો. જે ચુની વેચાઈ તેનું બિલ રજૂ કરાયું નહોતું. જેથી આ પુરાવાને કૉર્ટે ગ્રાહ્ય ના રાખ્યો
♦ફરિયાદ પક્ષ શંકારહિત આક્ષેપ સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યો હોવાનું જણાવી કૉર્ટે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂક્યો છે. કૉર્ટે વિવિધ મુદ્દે ગંભીર ટીપ્પણી કરતાં નોંધ્યું કે તપાસકર્તાએ વિરોધાભાસ મુદ્દે કોઈ જ તપાસ ના કરી નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં બેદરકારી દાખવી હોવાનું અથવા ઈરાદાપૂર્વક એકતરફી ખોટી તપાસ કરી હોય તેવું સંજોગો જોતાં જણાય છે
♦અંજાર નગરપાલિકાના રજૂ થયેલાં દાખલાઓમાં ફરિયાદીના નામમાં રહેલાં વિરોધાભાસના આધારે કૉર્ટે તેને ખોટો દાખલો ગણાવીને પ્રથમદ્રષ્ટિએ ખોટો દાખલો આપનાર કર્મચારી સામે ઈપીકો કલમ ૪૬૬ હેઠળ ગુનો બનતો હોઈ કૉર્ટે કાર્યવાહી કરવી પડે તેમ જણાવી અંજારના ચીફ ઑફિસરને ત્રણ માસમાં તપાસ કરીને રિપોર્ટ આપવા હુકમ કર્યો છે
Share it on
|