|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના એન્જિનિયરીંગ કોલેજ રોડ પર આવેલી શક્તિ હોટેલમાં પંદરેક વર્ષની કિશોરીને લઈ જઈને ભુજના યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બહાર આવતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. ભુજ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજનો અનિલગર વિશ્રામગર ગોસ્વામી નામનો યુવક રાજકોટના જેતપુરની કિશોરીના સંપર્કમાં આવ્યો હતો. તેણે કિશોરીને કેટરીંગના કામ માટે ભુજ બોલાવી હતી. ગઈકાલે ગુરુવારે સવારે દસ વાગ્યે અનિલ પોતાની બ્લ્યૂ રંગની બલેનો કારમાં બેસાડીને કિશોરીને હોટેલમાં લઈ ગયો હતો અને તેની મરજી વિરુધ્ધ પરાણે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યાં બાદ આરોપીએ ભોગ બનનાર કિશોરીને આ અંગે કોઈને વાત કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
ઘટનાના પગલે હતપ્રભ થઈ ગયેલી કિશોરીએ આ અંગે પડોશમાં રહેતી મહિલાને જાણ કરતાં મોડી રાત્રે આ મહિલાએ અનિલ ગોસ્વામી સામે ભુજ A ડિવિઝનમાં BNS કલમ ૬૫(૧) (૧૬ વર્ષથી ઓછી વયની બાળા સાથે દુષ્કર્મ આચરવું), ૩૫૧(૨) (ધાક-ધમકી આપવી) તથા POCSO Actની કલમ ૪(૨) અને ૬ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ઘટના અંગે ભુજ એ ડિવિઝનના પીઆઈ એમ.આર. નકુમે હોટેલ પર ધસી જઈને પંચનામું કરવાની તેમજ પીડિત બાળાના મેડિકલ પરીક્ષણ સહિતની કામગીરી હાથ ધરી છે. સગીર બાળકીઓ સામે થતાં શારીરિક અપરાધો સામે POCSO જેવો ખાસ કાયદો અમલમાં છે, અનેક લોકોને કડક સજા થાય છે તેમ છતાં બાળાઓ પરના દુષ્કર્મના બનાવો બંધ થયાં નથી તે પણ વરવી વાસ્તવિક્તા છે.
Share it on
|