કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ખાવડા નજીક ખારી ગામે પરિણીત પ્રેમી યુગલે કાયમ માટે એકમેકનાં થઈ જવાના અરમાન સાથે અજાણ્યા વૃધ્ધની હત્યા કરી, તેની લાશને સળગાવીને પ્રેમિકાના આપઘાતમાં ખપાવી દેવાના બનાવે સમગ્ર દેશમાં ભારે ચકચાર સર્જી છે. કોઈ ક્રાઈમ થ્રીલર ફિલ્મના પ્લોટ જેવી આ ઘટનાનો ખાવડા પોલીસે પર્દાફાશ કરીને પ્રેમી યુગલ વિરુધ્ધ હત્યા, હત્યાના ઈરાદે અપહરણ અને ગુનો છૂપાવવા પૂરાવાનો નાશ કરી ખોટી માહિતી જાહેર કરવાની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. ગત રવિવારે આરોપી રામીના પિતા સાકરાભાઈ કેરાસીયાએ પોતાની દીકરીએ પ્રેમીને પામવા માટે પોતાના આપઘાતનું નાટક રચીને કોઈ ગંભીર ગુનો આચર્યો હોવાની આપેલી અરજીના પગલે સમગ્ર કચ્છમાં છેલ્લાં એક અઠવાડિયાથી ભારે સસ્પેન્સ સર્જાયું હતું. આરોપી યુગલને પોલીસે રાપર પંથકમાંથી દબોચી લઈને પૂછપરછ કરતાં ખોફનાક હત્યાકાંડનો પર્દાફાશ થયો છે.
મૃતક વૃધ્ધ માનકૂવાના ભરત ભાટીયા હોવાનું ખૂલ્યું
આપઘાતનું નાટક કરવા માટે રામીબેન W/o કાના ડેભા ચાડ D/o સાકરાભાઈ કરમણભાઈ કેરાસીયા (ઉ.વ. ૨૫, રહે. ખારી) પ્રેમી અનિલ ગોપાલભાઈ વિશ્રામભાઈ ગાગલ (ઉ.વ. ૨૬, મૂળ રહે. ખારી, હાલે રહે. કનૈયાનગર, ભુજ. ધંધો-ડ્રાઈવીંગ) દોઢ બે માસથી સતત બિન વારસી લાશની તલાશમાં વ્યસ્ત હતો. ૦૩-૦૭-૨૦૨૪ના રોજ ભુજમાં સેલ્ફ ડ્રાઈવ ઈકો કાર ભાડે લઈને આખો દિવસ ફર્યાં બાદ સાંજે હમીરસર સરોવરના કાંઠે બેઠો હતો ત્યારે તેણે ૭૨ વર્ષના એક વૃધ્ધને જોયો હતો. પરિવાર વગરના આ વૃધ્ધનું મધરાત્રે સાડા બારના અરસામાં તેણે કારમાં અપહરણ કરીને, ભોજરડોથી છછી ગામની સીમમાં ગળેટૂંપો આપી હત્યા કરી હતી.
પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે મરનાર વૃધ્ધ માનકૂવા જૂનાવાસમાં રહેતા ભરતભાઈ પ્રતાપસિંગ ભાટીયા હતાં.
આ વૃધ્ધ જ્યાં સૂતાં હતા તે ભુજના શિવમ્ ટ્રેડિંગ નામના દુકાનદારના સહકારથી પોલીસે મૃતક વૃધ્ધનો સ્કેચ બનાવડાવ્યો હતો. આ સ્કેચને જોઈને ભુજના ગણેશનગરમાં રહેતા ભરતભાઈના ભાઈ નરેશ પ્રતાપસિંગ ગાંધી (ભાટીયા)એ ખાવડા પોલીસનો સંપર્ક કરીને મૃતક પોતાના ભાઈ હોવાનું જણાવ્યું હતું.
લાશ સળગાવવા રામી પણ ડીઝલ લઈને આવેલી
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ૦૪-૦૭-૨૦૨૪ની સવારે અનિલે પોતાના વાડામાં જઈ રામીને બોલાવી હતી. બાદમાં બેઉ જણે વૃધ્ધની લાશને કારમાંથી બહાર કાઢી ઉપર કચરો નાખી પથ્થરો મૂકીને છૂપાવી દીધી હતી. ૦૫-૦૭-૨૦૨૪ના રોજ આ લાશને રામીના ઘરથી થોડેક દૂર આવેલા રામીના કાકાજી સસરા કાનાભાઈ કરસનભાઈ ચાડના વાડામાં લઈ જઈ લાકડાની ભારી પર મૂકી દીધી હતી. લાશને સળગાવવા માટે અનિલે અગાઉથી અઢી હજાર રૂપિયાનું ડીઝલ લઈ રાખેલું. તો રામી પણ પોતાની સાથે પાંચ લિટર ડીઝલ લઈને આવેલી. બેઉ જણે ડીઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી.
રામીએ ૧૯-૦૬-૨૦૨૪ના રોજ વીડિયો રેકોર્ડ કરેલો
આ પ્રેમી યુગલે કોઈકની હત્યા કરી તેને આપઘાતમાં ખપાવી દેવા માટે ઘણાં દિવસથી અગાઉ પ્લાનીંગ કરી રાખેલું. આ પ્લાનીંગ મુજબ રામીએ તેના મોબાઈલ ફોનમાં ૧૯-૦૬-૨૦૨૪ના રોજ ‘પોતે જીવનથી કંટાળી ગઈ છે અને તમને મારી પાસે ઘણી આશાઓ છે જે હું પૂરી કરી શકું તેમ નથી, મને માફ કરી દેજો’ તેવું બોલતી હોવાના બે અલગ અલગ વીડિયો રેકોર્ડ કરેલાં. ૦૫-૦૭-૨૦૨૪ના સવારે ૧૧.૩૦ના અરસામાં વૃધ્ધની લાશને સળગાવ્યાં બાદ રામીએ તે વીડિયો પિતાને વોટસએપ પર સેન્ડ કરેલો. પરંતુ, મોબાઈલ ડેટા બંધ હોઈ વીડિયો સેન્ડ થયો નહોતો. લાશને સળગાવતાં અગાઉ રામીએ તેના પર પોતાના કપડાં, સાંકળા, બંગડી જેવા ઘરેણાં મૂકી દીધેલાં. લાશને આગ ચાંપીને રામી પોતાનો મોબાઈલ ફોન અને ચંપલ નજીકમાં રાખીને અનિલ સાથે બાઈક પર નાસી છૂટી હતી.
અનિલ બીજા દિવસે રામીના બેસણાંમાં કેમ આવેલો?
પોલીસની પૂછપરછ અને તપાસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. ભરતભાઈની લાશને સળગાવી આ યુગલ બાઈક પર રાપરના રવેચી (રવ) ગયેલું. અહીં રાત્રિ રોકાણ કરેલું. બીજા દિવસે અનિલ બાઈક લઈને એકલો ફરી ખારી ગામે આવ્યો હતો. રામીના કથિત આપઘાતના પ્લાનીંગમાં કોઈ કચાશ નથી રહીને તે જાણવા અનિલ રામીના બેસણાંમાં ગયો હતો. સૌ કોઈએ રામીએ આપઘાત કર્યો હોવાનું માની લીધું હોવાની ખરાઈ કરીને અનિલ પરત રવેચી ફર્યો હતો. રવેચીથી બેઉ જણ દ્વારકાના ભાણવડ તાલુકાના કબરખા ગામે એક મહિનો રહ્યાં હતાં. હત્યાના અપરાધ બોધના કારણે બેઉ જણે કચ્છ પાછાં ફરવા નિર્ણય કર્યો હતો. બેઉ જણ ભુજ આવ્યાં હતા અને ઉમેદનગરમાં બેએક મહિના સુધી ભાડાના મકાનમાં રહ્યાં હતાં. આખરે ૨૭-૦૯-૨૦૨૪ના રોજ રામીએ નાડાપા ગામે પિતાની વાડીએ જઈને પોતે જીવતી હોવાનું અને અનિલ સાથે ભાગી ગઈ હોવાનું કબૂલતાં સમગ્ર હત્યાકાંડનો ઘટસ્ફોટ થયો છે.
ખાવડા પોલીસની ખંતપૂર્વકની ગહન તપાસ
ખાવડાના હેડ કોન્સ્ટેબલ માલદે હમીરભાઈ સોલંકીએ સરકાર તરફે આરોપી પ્રેમી યુગલ વિરુધ્ધ આપેલી ફરિયાદ નોંધીને પીએસઆઈ એમ.બી. ચાવડાએ આજે યુગલની વિધિવત્ ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ભારે રહસ્ય સર્જનાર આ પ્રકરણમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના અને ઈન્ચાર્જ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ખાવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.બી. ચાવડા, એએસઆઈ મેઘરાજ ગઢવી, હેડ કોન્સ્ટેબલ માલદે સોલંકી, મહેશભાઈ જોઈતાભાઈ, કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ વાઢેર, દશરથસિંહ વિજયરાજસિંહ, રમેશભાઈ પ્રજાપતિ વગેરે જોડાયાં હતાં.
વહાલાં વાચકોને એક અનુરોધ
છેલ્લાં એકાદ સપ્તાહથી આ ઘટનાને લઈ તાજી વિગતો જાણવા કચ્છખબરને દરરોજ સેંકડો લોકો મેસેજ અને ફોન કરીને પૂછપરછ કરી રહ્યાં છે. તમામ વાચકમિત્રોને અનુરોધ છે કે આ ઘટના બાબતે જે કોઈ મહત્વની વિગતો હશે તેના સમાચાર નિયમિત રીતે પોસ્ટ થતાં રહેશે પરંતુ તે માટે મેસેજ અને ફોન કૉલથી સતત પૃચ્છા ના કરવા અનુરોધ અને વિનંતી છે.
Share it on
|