|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતે જાણે આદિપુર ગાંધીધામના ડોન હોય તેમ ત્રણ વર્ષ સુધી આતંક મચાવનારા અને છેલ્લાં એક વર્ષથી ગુજસીટોકમાં જેલની હવા ખાઈ રહેલા રીઢા આરોપીને ભુજની વિશેષ કૉર્ટે જેલમાં જ રાખવાનું ન્યાયોચિત ગણ્યું છે. ગુજસીટોકના ગુનામાં જેલના સળિયા ગણી રહેલા ગાંધીધામના દિનેશ ઊર્ફે ડીંકો બાબુલાલ પરિહાર (ઉ.વ. ૨૪, રહે. ચામુંડાનગર, ગાંધીધામ)એ ચાર્જશીટ બાદ નિયમિત જામીન મેળવવા માટે કરેલી અરજીને ભુજની ગુજસીટોક કૉર્ટે ફગાવી દીધી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ૩૦-૦૧-૨૦૨૫ના રોજ સંગઠિત ટોળકી બનાવીને ગુંડાગીરી આચરી રહેલા અર્જુન નાગાજણ ગઢવી અને દિનેશ પરિહારને ગુજસીટોકના ગુનામાં ફીટ કરી દીધા હતા.
અર્જુન અને ડીંકો સામે અનેક ગુના નોંધાયેલાં છે
અર્જુન ગઢવી વિરુધ્ધ ૨૦૨૨થી ગાંધીધામ એ, બી ડિવિઝન અને આદિપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના બે ગુના સાથે લૂંટ, હિંસક હુમલો, મારામારી, રાયોટીંગ, ધાક ધમકી કરવા સહિતના ૧૦ ગુના નોંધાયેલાં છે. દિનેશ વિરુધ્ધ હત્યાના પ્રયાસના બે ગુના સહિત લૂંટ, હિંસક હુમલો, મારામારી વગેરે જેવા સાત ગુના નોંધાયેલાં છે.
સ્વિફ્ટ કાર સળગાવી ને પોલીસની નજરે ચઢ્યાં
અર્જુન ગઢવી, દિનેશ પરિહાર અને અન્ય ત્રણ સહિત પાંચ જણે ૧૯-૧૨-૨૦૨૪ની રાત્રે ગાંધીધામના રાહુલ ચૌહાણ નામના યુવક પર હુમલો કરવાના ઈરાદે તેનો પીછો કરીને ભારતનગર વિસ્તારમાં તેની સ્વિફ્ટ કાર સળગાવી દીધી હતી. રાહુલ જોડે અર્જુનનો અગાઉ ઝઘડો થયેલો. તે અદાવતમાં તેમણે આ ગુનો આચર્યો હતો.
આ ગુનાના પગલે બેઉ જણ પોલીસની ‘નજરે’ ચઢી ગયાં હતાં.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને અંજાર નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીની સૂચના માર્ગદર્શન તળે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી. ચૌધરીએ બેઉના ગુનાની કરમકુંડળી કાઢીને ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ તળે ફીટ કરી દીધા હતા.
અર્જુને હાઈકૉર્ટમાં કરેલી અરજી પરત ખેંચેલી
અર્જુન ગઢવીએ પણ અગાઉ સ્થાનિકે જામીન અરજી નામંજૂર થતાં હાઈકૉર્ટમાં અરજી કરેલી પરંતુ પાછળથી પરત ખેંચી લીધેલી. દિનેશે પહેલીવાર જામીન અરજી કરેલી પરંતુ તેનો ગુનાહિત ઈતિહાસ, ગુનામાં ભજવેલી સક્રિય ભૂમિકા, પ્રથમદર્શનીય સંડોવણી વગેરે બાબતોને અનુલક્ષીને ભુજના સેશન્સ જજ અને વિશેષ ગુજસીટોક કૉર્ટના જજ દિલીપ પી. મહિડાએ અરજી ફગાવી દીધી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|