|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ઘર બહાર ઓટલાં પર બેસવા જેવી નજીવી બાબતે ત્રણ મહિલા સહિતના ચાર જણે આધેડ યુવકને માર મારી, ડીઝલ છાંટીને જીવતો સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. ગણેશનગરમાં રહેતા હિરાભાઈ દાદુભાઈ મહેશ્વરીએ પોલીસને જણાવ્યું કે તેમનો નાનો ભાઈ કરસન (ઉ.વ. અંદાજે ૫૦) અપરિણીત હતો અને માતા સાથે શહેરના રોટરીનગર સત્રાહ હજાર ઝૂંપડામાં રહેતો હતો. થોડાંક દિવસો અગાઉ કરસનને પડોશીઓ સાથે ઘર બહાર ઓટલા પર બેસવાની બાબતે ઝઘડો થયેલો.
ઝઘડાની અદાવત રાખીને ગઈકાલે શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે પડોશી પ્રેમિલાબેન નરેશભાઈ, અજુબેન હરેશભાઈ, મંજુબેન લહેરી અને એક મારવાડી પુરુષે કરસનને પકડીને માર મારેલો. મારથી બચવા કરસન ઘરના બાથરુમમાં છૂપાવા નાસેલો. ચારે’ય જણે તેની પાછળ પાછળ બાથરુમમાં જઈ, ડીઝલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો.
બનાવ અંગે જાણ થતાં ફરિયાદી હિરાભાઈ કરસનના ઘેર પહોંચ્યા ત્યારે તે ઘર બહાર રોડ પર ગંભીર રીતે દાઝેલી હાલતમાં પડ્યો હતો. ૧૦૮ મારફતે તેને સૌપ્રથમ આદિપુર રામબાગ હોસ્પિટલમાં લઈ જવાયેલો. હાલત ગંભીર હોઈ કરસનને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયેલો.
રાત્રે મામલતદારની હાજરીમાં કરસનનું મરણોન્મુખ નિવેદન નોંધવામાં આવેલું. આજે સવારે સાડા નવના અરસામાં કરસને કાયમ માટે મોતની સોડ તાણી લીધી હતી.
ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયાએ હત્યા સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને આરોપી ત્રણે મહિલા સહિત ચારેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. તમામ આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
Share it on
|