|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સસ્તાં સોનાના નામે રાજસ્થાનના યુવક સાથે ૨૯ લાખની ઠગાઈ કરનાર ત્રિપુટી પૈકી બે આરોપીને ગણતરીના કલાકોમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં છે. બેઉ પાસેથી પોલીસે ૨૪ લાખ રોકડાં રૂપિયા રીકવર કર્યાં છે તે સૌથી સરાહનીય બાબત છે. રાજસ્થાનના સિકરનો શાહબાઝ ચૌહાણ અગાઉ તેના મિત્ર જોડે ભુજ આવેલો અને તેના મિત્રે યોગેશ નામના શખ્સ પાસેથી સસ્તાં દામે સોનાનું બિસ્કીટ ખરીદેલું. ત્યારથી શાહબાઝ યોગેશના સંપર્કમાં આવેલો. યોગેશ દ્વારા સતત તેને સસ્તાં ભાવે કરાતી સોનાની ઑફરની જાળમાં આખરે શાહબાઝ ફસાઈ ગયો હતો. ૧ જાન્યુઆરીના રોજ શાહબાઝ ભુજમાં જિલાનીનગર ખાતે યોગેશની ઑફિસે ડીલ માટે આવેલો.
યોગેશે હાજી સાહેબના નામના શખ્સને બોલાવેલો. હાજીએ ૩૦ લાખ સામે સો-સો ગ્રામના ૩ બિસ્કીટનો સોદો કરવાની અને બિસ્કીટદીઠ ૩ લાખનો ફાયદો થવાની લાલચ આપીને ૩૦ લાખ રૂપિયા મેળવ્યાં હતા.
નાણાં મેળવ્યાં બાદ યોગેશ અને હાજીએ હાલ પોલીસ ચેકીંગ ચાલું છે, તમે બોર્ડર ક્રોસ કરી દો એટલે માલની ડિલિવરી મળી જશે તેવા બહાના કરીને શાહબાઝને પરત રાજસ્થાન રવાના કરી દીધો હતો.
બાડમેર પહોંચ્યા બાદ પણ બેઉ જણ સોનું આપવાના નામે વાયદાબાજી કરવા માંડતા શાહબાઝ તરત બસમાં બેસી પરત ભુજ આવવા નીકળ્યો હતો.
શાહબાઝ રૂપિયા લેવા પાછો ભુજ આવી રહ્યો હોવાનું જાણીને યોગેશ અને હાજીના ઈશારે આમદશા જુસબશા શેખ (ધમડકા)એ અહમેદના નામે શાહબાઝનો ફોન પર સંપર્ક કરીને, પોતે સમાધાન કરાવીને પૈસા પરત અપાવી દેશે પરંતુ વકીલની ઑફિસે તે અંગેનું લખાણ કરી આપવું પડશે તેમ કહી અંજાર બોલાવેલો. શાહબાઝને અંજાર બોલાવીને અહેમદે તેનો અસલી રંગ બતાડી, મુઢ માર મારીને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી ૨૫ લાખ પરત મળ્યાં હોવાનું લખાણ લખાવડાવીને ૧ લાખ પરત આપી રવાના કરી દીધેલો.
રમજુ અને આમદશા છે રીઢા આરોપી
તપાસમાં બહાર આવેલું કે યોગેશ નામ ધારણ કરનારો ખરેખર તો ભુજના શેખ ફળિયામાં રહેતો રીઢો ચીટર રમજુ કાસમશા શેખ છે જેની વિરુધ્ધ ભુજ બી ડિવિઝન અને માધાપરમાં ચીટીંગના બે ગુના મળી કુલ ચાર ગુના નોંધાયેલાં છે. હાજી અહેમદ નામ ધારણ કરનારો ભુજનો અનવરખાન આમદખાન પઠાણ અને અહેમદ બનનારો ધમડકાનો આમદશા શેખ હોવાનું સ્પષ્ટ થયું હતું. આમદશા પણ અગાઉ અંજારમાં ચીટીંગના એક ગુના અને સુરેન્દ્રનગરમાં અન્ય બે ગુના સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચીતરાઈ ચૂકેલો છે.
પીઆઈ એ.એમ. મકવાણાના માર્ગદર્શનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે બલેનો કાર સાથે રમજુ અને આમદશાને દબોચી લીધાં છે.
હવે અનવર ક્યાં સુધી ભાગતો રહે છે તે જોવું રહ્યું.
Share it on
|