|
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) પાકિસ્તાની મહિલા એજન્ટ માટે જાસૂસી કરવા બદલ ગુજરાત ATSએ પકડેલાં ભુજના નિલેશ વાલજીભાઈ બળિયા નામના યુવકને ૩ વર્ષ ૩ માસના જેલવાસ બાદ ભુજ સેશન્સ કૉર્ટે નિર્દોષ ઠેરવી છોડી મૂક્યો છે. ATSએ ભુજમાં BSF બટાલિયનના હેડ ક્વાર્ટરમાં કાર્યરત સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ CPWની કચેરીમાં મેસેન્જર/ પ્યૂન તરીકે કરાર આધારીત નોકરી કરતાં નિલેશની ૦૭-૦૭-૨૦૨૩ના રોજ બે મોબાઈલ ફોન સાથે અટક કરેલી. નિલેશ વિરુધ્ધ ATS પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર દેવદાન ભૂપતભાઈ બસિયાએ IPC કલમ ૧૨૧ (ક), ૧૨૩, ૪૬૫, ૪૬૬, ૪૭૧ અને ૧૨૦ (બી) હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
►ફરિયાદમાં આરોપ કરાયો હતો કે નિલેશે જાન્યુઆરી ૨૦૨૩થી ૨૮-૬-૨૦૨૩ના સમયગાળા દરમિયાન પાકિસ્તાની મહિલા એજન્ટ અદિતિ તિવારી પાસેથી પોતાના અંગત આર્થિક ફાયદા હેતુ પેટીએમ મારફતે ટુકડે ટુકડે ૨૮ હજાર ૮૦૦ રૂપિયા મેળવીને BSFની આંતરિક સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહિતી વોટસએપ પર મોકલી હતી.
નિલેશે સરહદે વિવિધ નિર્માણાધીન પ્રોજેક્ટ્સ, રોડ, બોર્ડર આઉટપોસ્ટ, ઓપી ટાવર, ઈલેક્ટ્રિક પોલ ફિટીંગ, કેબલ, ફલડ લાઈટ, ડીઝલ જનરેટર સેટ જેવી ગુપ્ત માહિતી મોકલેલી.
►તપાસમાં સ્પષ્ટ થયેલું કે અદિતિ નામની પાક. એજન્ટે આસામના કામરૂપના બિલાલુદ્દીન નામના બોગસ શખ્સના ચૂંટણી ઓળખપત્રના નામે ભારતીય મોબાઈલ કંપનીનું સીમ કાર્ડ મેળવેલું.
►ફરિયાદી બસિયાએ FIRમાં જણાવેલું કે સૌપ્રથમ ૧૬-૦૬-૨૦૨૩ના રોજ તેમને આ અંગે બાતમી મળેલી. જેની ATSના ગુપ્ત રજિસ્ટરમાં એન્ટ્રી કરી ATSના SPને જાણ કરતાં તેમણે બાતમી અંગે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કરેલો.
►બચાવ પક્ષના એડવોકેટ આર.એસ.ગઢવીએ કરેલી ઉલટ તપાસમાં બસિયા ભેરવાઈ ગયેલાં. વકીલે પૂછેલું કે જે બાતમી મળેલી તેના આધારે કોગ્નિઝેબલ ઓફેન્સ બનતો હોવા છતાં CrPC ૧૫૪ હેઠળ તત્કાળ ફરિયાદ શા માટે દાખલ કરી નહોતી?
►કાયદાની કઈ કલમો અને જોગવાઈ કે સર્ક્યુલર હેઠળ ATSમાં ‘ગુપ્ત રજિસ્ટર’ રાખવાની જોગવાઈ છે? તે અંગે બસિયા કશો સંતોષકારક ખુલાસો કરી શક્યા નહોતા.
►બાતમી મળી ત્યારે તે અંગે તુરંત સ્ટેશન ડાયરીમાં શા માટે એન્ટ્રી કરાવી નહોતી તે અંગે પણ ફરિયાદી કશો ખુલાસો કરી શક્યા નહોતાં.
►અદિતિ તિવારી નામની જે કથિત પાકિસ્તાની એજન્ટને માહિતી મોકલ્યાનો આરોપ હતો તે અદિતિ નામની કોઈ વ્યક્તિ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે કેમ અને તે પાકિસ્તાની છે કે કેમ અથવા કોઈ પાકિસ્તાની કનેક્શન છે કે કેમ તે બાબત કૉર્ટમાં પુરવાર ના થઈ શકી. કારણ કે, અદિતિનો જે મોબાઈલ નંબર દર્શાવાયો હતો તે નંબર ભારતીય કંપનીનો હતો અને ભારતમાં ઓપરેટ થતો હતો.
આરોપ હતો કે બોગસ ચૂંટણીકાર્ડના આધારે આ નંબર મેળવાયો હતો પરંતુ આસામ ગયેલી પોલીસે સીમકાર્ડ વેચનાર એજન્સીધારકનું કોઈ નિવેદન લીધું નહોતું. બોગસ ચૂંટણી કાર્ડ મુદ્દે કોઈ સરકારી ઑફિસમાં તપાસ કરી નહોતી.
►નિલેશ અને અદિતિના મોબાઈલ કૉલ રેકર્ડનો ડેટા જોતાં પણ પાકિસ્તાન સાથે સાંકળતી કોઈ બાબત પુરવાર થઈ નહોતી
►નિલેશે ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આપી હોવાનો આરોપ હતો પરંતુ સિનિયર એડવોકેટ ગઢવીએ CPWની ઑફિસ જાહેર કચેરી હોવાનું, તેમાં રહેલાં દસ્તાવેજો અન્ય ઘણાં કર્મચારીઓ પાસે પણ હોઈ શકે છે તેમ જણાવી અદિતિને મોકલાયેલી કહેવાતી તમામ સંવેદનશીલ માહિતી ગુગલ પર ઉપલબ્ધ હોવાની દલીલ કરી હતી
►ઉલટ તપાસ દરમિયાન ખુદ ફરિયાદીએ પણ કબૂલ્યું હતું કે આ માહિતી ગુગલ પર ઉપલબ્ધ છે. CPW કચેરીના અધીક્ષક ઈજનેર અશોકકુમાર નર્મદાશંકર પાલે ઉલટ તપાસમાં સ્વિકાર્યું કે પોલીસે જે દસ્તાવેજો બતાડેલાં તે આરોપી સિવાય અન્ય કર્મચારીઓ પાસે પણ હતા. ટૂંકમાં, આરોપ મુજબ નિલેશે અદિતિને મોકલેલી માહિતી ગુપ્ત અને સંવેદનશીલ હોવાનું પુરવાર ના થઈ શક્યું
►ATSએ જેમને સાક્ષી બનાવેલાં તે નિલેશની ઑફિસના અધિકારી અને સહકર્મચારીઓની ઉલટ તપાસમાં એ બાબત સ્પષ્ટ થઈ હતી કે પોલીસ નિલેશે અદિતિને મોકલેલાં દસ્તાવેજોની હાર્ડ કોપી લઈને તેમની પાસે આવેલી. તે દસ્તાવેજો બતાડીને તેમના નિવેદન નોંધેલાં. હકીકતમાં નિલેશે તેના મોબાઈલમાંથી આ દસ્તાવેજો મોકલ્યાં હતા કે કેમ તેની તેમને ખબર જ નહોતી. બનાવની જાણ તેમને ATSના કહેવાથી થયેલી
►ATSએ નિલેશનો જે મોબાઈલ કબજે કરેલો તે પંચે કૉર્ટમાં ઉલટ તપાસમાં સ્વિકાર્યું હતું કે પોલીસે તેની હાજરીમાં સંબંધિત કલર અને કવરવાળો મોબાઈલ કબજે કર્યો નહોતો
►કૉર્ટે કહ્યું કે પંચની જુબાની જોતાં પોલીસે જે મોબાઈલ કબજે કરેલો, તેને FSLમાં મોકલી એનાલિસીસ કરાવી જે ડિલિટ ડેટા રીટ્રાઈવ કરેલો છે તે આરોપીના જ મોબાઈલનો છે કે કે કેમ? તે હકીકત શંકાસ્પદ બની જાય છે.
►અદિતિ નામની કથિત પાકિસ્તાની એજન્ટના વોટ્સએપ નંબરના લાસ્ટ સીન IP Address પાકિસ્તાનનું હોવાનું જણાઈ આવેલું. જો કે, VPN (Virtual Private Network)ની મદદથી કોઈપણ મોબાઈલ જે સ્થળે કાર્યરત હોય તે સ્થળથી અલગ જગ્યાનું IP Address બતાવી શકાય છે તેવી બચાવ પક્ષની દલીલ માન્ય રહી. એડવોકેટ ગઢવીએ જણાવ્યું કે એક વખત એક મિનિટને બાદ કરતાં તમામ લોકેશન ભારતના હતા. જો મોબાઈલ ફોન સતત પાકિસ્તાનમાં એક્ટિવ હોય તો લગાતાર ત્યાંનું IP Address આવવું જોઈએ. જેથી, આ લોકેશન VPNથી ચેન્જ થયું હોવાની શક્યતા નકારી ના શકાય
►નિલેશના ખાતામાં ટુકડે ટુકડે જે નાણાં જમા થયેલાં તે ક્રિપ્ટો USDT ટ્રેડિંગની સત્તાવાર વેબસાઈટ મારફતે જમા થયેલાં. નાણાં ભારતમાંથી જ જમા થયેલાં. નાણાં જમા કરાવનાર અમુક લોકોને ATSએ સાક્ષી તરીકે જોડેલાં. પરંતુ, તેમની જુબાની પરથી આ નાણાં ફ્રોડથી મેળવીને જમા કરાવાયાં હોવાનું કે શંકાસ્પદ હોવાનું પુરવાર ના થઈ શક્યું. કહેવાતી પાકિસ્તાની એજન્ટ અદિતિએ આ નાણાં મોકલ્યાં હોવાનું ક્યાંય પુરવાર ના થઈ શક્યું
►ધરપકડ થયાં બાદ આરોપીને કૉર્ટે જામીન પર મુક્ત કર્યો નહોતો અને સમગ્ર કેસ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો હતો. ત્રીજા અધિક સેશન્સ જજ એન.પી. રાડીઆએ નિલેશને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી દેવા હુકમ કર્યો છે.
બે ગંભીર કેસમાં આરોપી નિર્દોષ, ATSની શાખ પર બટ્ટો
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગાંધીધામમાંથી ATSએ જાસૂસીના આરોપસર જમ્મુના વતની એવા BSF કોન્સ્ટેબલની ધરપકડ કરેલી. તપાસમાં ભારે ખામીઓ અને બેદરકારીના કારણે તેને પણ થોડાંક સમય અગાઉ ભુજ કૉર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો. ATS જેવી પ્રીમિયર એજન્સી દ્વારા કરવામાં આવતા ગંભીર કેસોમાં સજ્જડ પુરાવાના અભાવ સાથે તપાસની ખામીઓના લીધે આરોપીઓ નિર્દોષ છૂટી જાય ત્યારે તેની શાખને બટ્ટો લાગે છે. ગુજરાતના પોલીસ વડા, ડબલ એન્જિન સરકારોના બંને ગૃહ મંત્રીઓ, ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન વગેરે માટે આ બાબતો આત્મચિંતનની છે
Share it on
|