કચ્છખબરડૉટકોમ, ભુજઃ ડૉક્ટર હોવાની ખોટી ઓળખ ધારણ કરીને, ભુજમાં ભાડાની હોસ્પિટલ ખોલી અનેક લોકોને બૂચ મારી દેનારા ગઠિયા ઝૈનુલ અમીરઅલી કાજાણીએ પોતાની પત્નીને પણ પોતાની અસલિયતથી અંધારામાં રાખી હોવાનું બહાર આવ્યું છે. શિવાલિકા ગૃપના પ્રોપરાઈટર અંકિત ગોસ્વામીએ ઝૈનુલ સામે નોંધાવેલી ૧.૧૦ કરોડની ઠગાઈની ફરિયાદ સંદર્ભે સીઆઈડી ક્રાઈમ ઝૈનુલને ભરુચથી પકડી લાવી છે અને પાંચ દિવસના રીમાન્ડ પર લીધો છે.
યુક્રેનમાં અભ્યાસ અધૂરો રહેલો
ઝૈનુલ કાજાણી મૂળ ગિર સોમનાથ જિલ્લાના ઉનાનો રહેવાસી છે. તેને તબીબ બનવું હતું પરંતુ ભારતમાં મેળ પડે તેમ ના હોઈ તે યુક્રેનમાં ભણવા ગયો હતો. જો કે, અભ્યાસના અંતિમ વર્ષમા હતો તે સમયે વતનમાં પિતાનું મૃત્યુ નીપજ્યાં બાદ તે વતન આવેલો અને પછી વિવિધ કારણોસર તે યુક્રેન પરત જઈ મેડિકલનો અભ્યાસ પૂરો કરી શક્યો નહોતો.
ઉત્તરાખંડમાં કેટલીક કંપની ને હોસ્પિટલોમાં નોકરી કરેલી
ડૉક્ટર તરીકેનું સપનું ગમે તે ભોગે પૂરું કરવાના આશયથી તે નકલી ડૉક્ટર બન્યો હતો. શરૂઆતમાં તે ઉત્તરાખંડ ગયો હતો અને અહીંની કેટલીક કંપનીઓમાં નોકરી કરી હતી. ડૉક્ટર તરીકે ભારતમાં કેવી રીતે રજિસ્ટ્રેશન થાય છે તે જાણવા માટે ઉત્તરાખંડની કેટલીક ખાનગી હોસ્પિટલમાં તે નોકરી પર લાગ્યો હતો. એક હોસ્પિટલના તબીબને તેની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેને દસેક દિવસમાં જ નોકરીમાંથી હાંકી કાઢ્યો હતો.
ગુગલ પરથી મેડિકલ કાઉન્સિલનું સર્ટિ. ડાઉનલોડ કરેલું
ગુગલ પર સર્ચ દરમિયાન તેને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર થયેલા એક તબીબનું પ્રમાણપત્ર મળી જતાં તેને ડાઉનલોડ કરી લીધેલું. તે પ્રમાણપત્રના રજિસ્ટ્રેશન નંબર અને નામમાં ચેડાં કરીને પોતાનું નામ ઘૂસાડી દીધું હતું. નકલી ડૉક્ટર બન્યા બાદ સામાજિક રાહે રાજકોટ રહેતી નિરીશા નામની યુવતી સાથે સામાજિક રીતરસમો મુજબ અરેન્જ મેરેજ કર્યાં હતા.
પ્રાથમિક તપાસમાં ઝૈનુલના કૌભાંડમાં તેની પત્નીની કશી સંડોવણી હજુ બહાર આવી નથી. સૂત્રોએ દાવો કર્યો છે કે ઝૈનુલે પોતે ‘જુગાડુ ડૉક્ટર’ છે તે વાસ્તવિક્તાથી તેની પત્નીને પણ અંધારામાં રાખી હતી.
જો કે, હજુ સઘન તપાસ ચાલું છે. ગામના પૈસા ઉઘરાવીને તેણે શું કર્યું તે મામલે સીઆઈડી ક્રાઈમ સઘન પૂછપરછ કરી રહી છે.
ભુજથી ભાગી વિવિધ રાજ્યોમાં ફરતો રહેલો
પોતાને કોઈ ઓળખે નહીં અને લોકોને તબીબ તરીકે ‘બાટલીમાં ઉતારવા’ તે ભુજ આવેલો. ભુજમાં હોસ્પિટલ ખોલીને લોકોને સારો નફો થવાના આંબા આંબલી બતાડીને તેણે હોસ્પિટલમાં પચાસ ટકાના ભાગના બિઝનેસ પાર્ટનર બનાવીને રૂપિયા પડાવવાનું શરૂ કરેલું. જો કે, ગામમાં ઝૈનુલના કાંડની ગંધ ધીમે ધીમે ફેલાવા માંડતા ઈન્વેસ્ટરોએ રૂપિયા પરત માગવાનું શરૂ કરતાં તેના માટે હોસ્પિટલને તાળાં મારી નાસી જવા સિવાય બીજો કોઈ આરો રહ્યો નહોતો.
ભુજની હોસ્પિટલને તાળાં મારીને તે અન્ય રાજ્યોમાં નાસતો રહ્યો હતો.
દરમિયાન, ગત ફેબ્રુઆરી માસમાં ભચાઉ પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. લાંબો સમય નાસતો રહ્યાં બાદ તે ભરુચ આવ્યો હતો અને પહેલાંથી તેના પર વૉચ રાખીને બેઠેલી સીઆઈડી ક્રાઈમે તેને ઉઠાવી લીધો હતો. સીઆઈડીના ડીવાયએસપી એમ.એસ. ગોહેલના માર્ગદર્શનમાં પીઆઈ એમ.પી. હુંબલ અને પીઆઈ કે.સી. રાઠોડની ટીમ તપાસ કરી રહી છે.
ફેસબુક પર દાવા અને ફોટોગ્રાફની ભરમાર
ગામના પૈસે મોજ માણી રહેલા ઝૈનુલની વાકપટુતામાં ભુજના અનેક અગ્રણીઓ લપટાઈ ગયા હતા. ફેસબુક પર તેની હોસ્પિટલના પેજ પર તેણે વિવિધ ડિગ્રીઓ લખેલી છે.
ઘણાં રિસર્ચ પેપર પબ્લિશ કર્યાં હોવાના અને ગોલ્ડ મેડલ મળ્યાં હોવાના દાવા કરેલાં છે. કચ્છના વિવિધ ગામોમાં મેડિકલ કેમ્પ કરતો તે ફોટોગ્રાફની ભરમાર જોવા મળે છે.
રૂપિયા લઈને ગમે તેવા લોકોને ‘સજ્જન અને શ્રેષ્ઠી’ હોવાના પ્રમાણપત્રો આપવાની છાશવારે ‘માર્કેટીંગ ઈવેન્ટ’ યોજતા એક છાપાએ તેને ‘હેલ્થ આઈકોન’ તરીકે આપેલા પ્રમાણપત્રને પણ આ ગઠિયાએ ગામને ભરમાવવા ફેસબુક પર પોસ્ટ કરેલું છે.
Share it on
|