|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રામચરિત માનસના આધારે કથા કરતા તલગાજરડાના કથાવાચક મોરારિદાસ હરિયાણીની રામકથાનું માધાપરમાં આયોજન થયું છે. સારાં આશયથી માધાપરના એનઆરઆઈ પરિવાર દ્વારા આયોજીત રામ કથામાં આવતાં શ્રોતાઓ અને રામભક્તો વચ્ચે ભોજન વ્યવસ્થામાં ભેદભાવ રખાતાં અનેક લોકોમાં કચવાટ ફેલાયો છે. કથાસ્થળે મોરારિદાસના તસવીરો, સ્લોગનો લખેલાં લુગડાં સહિતની ચીજવસ્તુનું વેચાણ કરતાં સ્ટોલધારકને આ વેચાણની આવક ક્યાં જાય છે તેવું પૂછવા જતાં ઉશ્કેરાઈને તેણે પત્રકારનો મોબાઈલ ફોન આંચકી લેવાની હરકત કરી હતી. વખતોવખત કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલાં રહેતા મોરારિદાસ હરિયાણીની રામકથાનું શ્રવણ કરવા આવતા શ્રોતાઓ માટે આયોજકોએ બેઉ ટંક નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાનું આયોજન કર્યું છે.
આમ અને ખાસ લોકો માટે જુદાં જુદાં ભોજનકક્ષ
ભોજન માટે નજીક નજીકમાં બે જુદાં જુદાં મોટાં શામિયાણામાં વિશાળ ભોજન કક્ષનું આયોજન કરાયું છે. એક ભોજન કક્ષ આમલોકો માટે છે, જ્યાં ભારે ભીડ ધક્કામુક્કી વચ્ચે લોકો માંડ માંડ થાળીમાં ભોજન લઈ આરોગે છે. તેની નજીકમાં ખાસ લોકો માટે વીઆઈપી ભોજન કક્ષ છે.
વીઆઈપી ભોજન કક્ષમાં જવા માટે ખાસ વીઆઈપી પાસ ઈસ્યૂ કરાયાં છે. કેવાં પ્રકારના શ્રોતાઓને વીઆઈપી પાસ અપાય છે તે ખબર નથી પરંતુ પાસ ના હોય તો ગેટ પર ઊભેલાં સિક્યોરીટી ગાર્ડ્ઝ અને બાઉન્સરો અંદર પ્રવેશવા દેતાં નથી.
વીઆઈપી પાસવાળા ભોજન કક્ષમાં સ્વાભાવિક રીતે જ નિયંત્રિત ભીડ હોય છે. લોકોને ખાસ ધક્કામુક્કી વગર શાંતિથી ભોજન આરોગવા મળે છે. ભોજન પીરસનારાં ખાનગી માણસો કે સ્વયંસેવકો એકદમ પ્રોફેશનલી રીતે માથે પ્લાસ્ટિક કેપ અને હાથમાં ખાસ પ્લાસ્ટિક ગ્લૉવ્ઝ પહેરીને લોકોને ભોજન પીરસે છે. ભોજન આરોગ્યાં બાદ છાશ પીવા માટે માટીના કુલડાં જેવો ખાસ ગ્લાસ અપાય છે.
આમલોકોએ એંઠી વાડકીમાં જ છાશ પીવાની
આમલોકોના ભોજન કક્ષમાં સ્વયંસેવકો ભોજન પીરસે છે. વીઆઈપી કક્ષથી ઉલટું તેમના હાથ અને માથું ઢંકાયેલું હોતું નથી. ઘણાં તો ભાત અને ફરસાણ જેવી આઈટમ હાથ વડે જ પીરસે છે! ભોજન બાદ આમલોકોને છાશ પીવા માટે અલગથી પાત્ર અપાતું નથી. જે વાડકીમાં દાળ કે શાક લીધું હોય તે જ એંઠી વાડકીમાં છાશ અપાય છે.
ભગવાન રામે કદી માણસ માણસ વચ્ચે કશો ભેદ રાખ્યો નહોતો. તેણે શબરીના એંઠા બોર પણ ખાધાં હતા. ત્યારે, રામના જીવન ચરિત અને માનસનો ઉપદેશ આપતા કથાકારની કથામાં આવો ભેદભાવ શા માટે રખાતો હશે તે એક મોટો સવાલ છે.
આમ હોય કે ખાસ ભોજનકક્ષ, બંને સ્થળે એકસરખું ભોજન પીરસાય છે અને બગાડ કરવાની સખ્ત મનાઈ છે.
ધર્મની સાથે ધંધો પણ ખીલ્યો પૂરબહારમાં
કથાસ્થળે વિવિધ ધાર્મિક પુસ્તકો, મોરારિદાસની ફોટોફ્રેમ, ‘સત્ય પ્રેમ કરુણા’ના સ્લોગન લખેલાં ટીશર્ટ સહિતના લુગડાં, કી-ચેઈન સહિતની વિવિધ અવનવી ચીજવસ્તુઓ, આયુર્વેદિક ઔષધિઓ સહિતની વિવિધ પ્રકારની ધાર્મિક ચીજવસ્તુઓનું વેચાણ કરતાં સ્ટોલ્સ અને પાથરણાંવાળા નાનાં વેપારીઓ જોવા મળે છે. ગ્રાહકોની ભારે ભીડ નાની મોટી ચીજવસ્તુ ખરીદતી જોવા મળે છે. આ વેપારીઓ જોડે વાત કરતાં તેમણે જણાવ્યું કે મોરારિદાસની જ્યાં જ્યાં કથા યોજાય છે ત્યાં ત્યાં તેઓ તેમનો સ્ટોલ નાખે છે.
હરિયાણીની તસવીરોવાળી ચીજવસ્તુઓ વેચતાં આવા એક સ્ટોલધારકને જ્યારે કચ્છખબરે સ્ટોલમાં વેચાતી ચીજવસ્તુઓની આવક કોને જાય છે તેવું પૂછ્યું તો તેણે ઉશ્કેરાઈને મોબાઈલ ફોન આંચકી લેવાની ચેષ્ઠા કરી હતી.
આવાં નાનાં મોટાં વેપારીઓ જ નહીં, મોટી ઊંમરના અનેક એવા શ્રોતાઓ પણ મળ્યાં કે જે કહે છે કે જ્યાં જ્યાં મોરારિદાસની કથા યોજાય ત્યાં પહોંચી જાય છે. તેમની તમામ વ્યવસ્થાની કથા આયોજકો કાળજી લે છે. ગુજરાતમાંથી આવેલાં આવા અનેક સમર્પિત અનુયાયીઓના ઉતારા માટે માધાપરમાં પણ કથાસ્થળથી થોડેક દૂર ખાસ વિશાળ શામિયાણો બનાવાયો છે.
Share it on
|