|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં દેશી દારૂના અડ્ડા પર ‘જનતા રેઈડ’ કરવા ગયેલી મહિલાઓ પર લૂંટ, ખંડણી, હુમલો કરી ઈજા પહોંચાડવી, રાયોટીંગ સહિતની ગંભીર કલમો હેઠળ દાખલ થયેલી ફરિયાદમાં કૉર્ટે મહિલા આરોપીઓની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. ભુજના સાતમા અધિક સેશન્સ જજે વેધક ટીપ્પણી સાથે ત્રણે મહિલાઓની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. આ ટીપ્પણી પોલીસની મંશા અને ફરિયાદના આરોપની સત્યતા પર ઘેરી શંકા સર્જે છે. જાણો શો હતો આખો મામલો
ગત ૨૭ મેની સાંજે સાડા સાતના અરસામાં ભુજના કેમ્પ વિસ્તારમાં પવનચક્કી નજીક વર્ષોથી દેશી દારૂનો અડ્ડો ચલાવતાં ઈકબાલ થેબાના રહેણાક મકાન પર પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના ઉપ પ્રમુખ કલ્પનાબેન બી. જોશી (ઉ.વ. ૬૩, રહે. માંડવી), કચ્છ જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના ઉપ પ્રમુખ લાલીબેન આદિવાલ (ઉ.વ. ૪૮, રહે. વાલ્મીકિનગર, ભુજ) અને અંકિતા ગોર (ઉ.વ. ૩૮. રહે. આરટીઓ રિલોકેશન સાઈટ, ભુજ) અને સાથે રહેલા અન્ય બે જણે ‘જનતા રેઈડ’ કરેલી. ભુજ બી ડિવિઝન પોલીસના આશિર્વાદથી ઈકબાલ થેબા બિન્ધાસ્ત રીતે અડ્ડો ચલાવતો હોવાના આરોપ સાથે પાંચ જણે હલ્લાબોલ કરતાં હંગામો થયેલો. મહિલાઓ જે ફોનથી રેકોર્ડીંગ કરી હતી તે ફોન બૂટલેગરોએ આંચકી લઈને ફૂટેજ ડિલિટ કરી તોડી નાખેલો.
જનતા રેઈડ સમયે બૂટલેગરોએ હુમલો કરેલો
બૂટલેગર અને તેના પુત્ર સહિત ચાર જણે ધોકા અને છરીથી હુમલો કરેલો. જેમાં ત્રણે મહિલાઓને ઈજા થતાં તેમણે જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવેલી. સામા પક્ષે બૂટલેગર ઈકબાલનો ૨૬ વર્ષિય ભત્રીજો સૂફિયાન રઝાક થેબા પણ મહિલાઓએ મુઢ માર મારતાં ઘાયલ થયો હોવાના આરોપ સાથે જી.કે.માં સારવાર માટે દાખલ થયેલો.
હુમલા બાદ આ કલમો તળે સામસામી ફરિયાદ નોંધાયેલી
સામાસામી મારામારીના આ બનાવમાં ભુજ બી ડિવિઝન પોલીસે બૂટલેગર માટે રાતનો ઉજાગરો કરીને પરોઢે ૪.૩૦ કલાકે ત્રણે મહિલા કાર્યકરો સહિત પાંચ લોકો વિરુધ્ધ વિવિધ ૯ ગંભીર કલમો તળે ફરિયાદ દાખલ કરેલી. સૂફિયાને આરોપ કરેલો કે આ મહિલાઓએ જનતા રેઈડના નામે હલ્લો કરીને હપ્તાની માંગણી કરેલી, લાલીબેને એટ્રોસિટીના ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ખિસ્સામાં હાથ નાખી ૪૭૦૦ રોકડાં રૂપિયા લૂંટી લીધેલાં. પોલીસે બીએનએસ કલમ ૩૦૯ (૪) (લૂંટ), ૩૦૮ (૨) (ખંડણી માંગવી) ૩૨૯ (૪) (ગેરકાયદે કોઈના ઘરમાં પ્રવેશવું), ૧૧૫ (૨) (હુમલો કરી ઈજા પહોંચાડવી), ૨૯૬ (બી) ( અભદ્ર ગાળો ભાંડવી), ૩૫૧ (૩) (ધમકી આપવી), ૧૮૯ (૨) અને ૧૯૦ (પાંચ કે તેથી વધુ લોકોનું ગેરકાયદે જૂથ બનાવવું) તથા ૧૯૧ (૨) (હુલ્લડ કરવું)ની કલમો તળે ફરિયાદ દાખલ કરેલી. ત્યારબાદ બપોરે બી ડિવિઝન પોલીસે બૂટલેગર અને તેના મળતિયાઓએ ધોકા અને છરીથી હુમલો કર્યો હોવાની એટ્રોસિટી સહિતની કલમો તળે લાલીબેન આદિવાલની ફરિયાદ નોંધેલી.
પોલીસની નીતિ રીતિ સામે ગંભીર આરોપ થયાં
આ કેસમાં ત્રણે મહિલા આરોપીઓએ કૉર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી. અરજદારોના વકીલ બી.એસ. ગોરડિયાએ પોલીસની નીતિ રીતિ અને કાર્યવાહી સામે જ ગંભીર સંદેહ સર્જતા જણાવેલું કે મહિલાઓએ રેઈડ સમયે પોલીસને જાણ કરેલી પરંતુ પોલીસ સમયસર પહોંચી નહોતી.
જેણે ફરિયાદ નોંધાવી છે તે સૂફિયાન બનાવ સમયે હાજર જ નહોતો, પાછળથી આવેલો. છતાં તેના ફોનના સીડીઆર કે કૉલ ડિટેઈલ રેકોર્ડ યા ટાવર લોકેશનની તપાસ કર્યા વગર ખોટો ગંભીર ગુનો નોંધ્યો છે.
જે મહિલાઓ સમાજ સુધારણા માટે દારૂના અડ્ડા પર રેઈડ કરવા જાય તે ૪૭૦૦ રૂપિયા જેવી મામૂલી રકમની લૂંટ કરે તે આરોપ કોઈપણ રીતે માની શકાય તેમ નથી. અરજદારો પોતે જ ગુનાનો ભોગ બનનાર છે અને તેમને દબાણમાં લાવવા ખોટી ફરિયાદ નોંધાવાઈ છે. ઈકબાલ થેબા પર અત્યારસુધીમાં દેશી દારૂના વેચાણના ૧૫ ગુના નોંધાઈ ચૂકેલાં છે. કૉર્ટે બંને પક્ષની દલીલો, ઉપલબ્ધ દસ્તાવેજો જોઈને ત્રણે મહિલાઓની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે.
જજે આ વેધક ટીપ્પણી સાથે અરજી મંજૂર કરી
સાતમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ જણાવ્યું કે આ કેસમાં બીએનએસની કલમ ૩૧૦ (૨) (પાંચથી વધુ લોકો દ્વારા લૂંટ કે ખંડણીનો ગુનો)ને બાદ કરતાં તમામ કલમોમાં સજાનું પ્રાવધાન સાત વર્ષ કે તેથી ઓછું છે. બનાવ સમયે ઘણાં લોકો હાજર હતા. એક મહિલા યુવકના ખિસ્સામાં હાથ નાખી પૈસા કાઢી લે તેવું માનવું અઘરું જણાય છે.
જનતા રેઈડ બાદ બૂટલેગરો દ્વારા FIRનો સિલસિલો
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જનતા રેઈડ કરવા ગયેલા સામાજિક રાજકીય આગેવાનો પર પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બૂટલેગરો દ્વારા આવી ફરિયાદો દાખલ કરાયેલી છે. ગાંધીધામમાં તો આમ આદમી પાર્ટીના મહિલા નેતા ડૉ. કાયનાત અન્સારીને આવા જ કેસમાં પોલીસે તાબડતોબ ધરપકડ કરીને અંદર કરી દીધા હતા. ભુજ માધાપરના બૂટલેગરોના નામની યાદી સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની હપ્તાખોરી પર ગંભીર આરોપ કરનાર અમુક યુવકોને માધાપરના ‘રાતોરાત સુધરી ગયેલા’ બૂટલેગરે આપેલી ફરિયાદના આધારે ખંડણીના કેસમાં તત્કાલિન પો.સ.ઈ. હિતેશ જેઠીએ ફીટ કરી દીધેલાં. વક્રતા એ છે કે આ બૂટલેગરનો ધંધો ત્યારે પણ ચાલતો હતો અને અત્યારે પણ પૂરબહારમાં ચાલે છે!! જનતા સમજદાર છે.
Share it on
|