કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) તમે કદી સાંભળ્યું છે કે એન્ટી કરપ્શન બ્યૂરૉ જેવો જવાબદાર સરકારી વિભાગ વિવિધ ૧૩ ગંભીર કલમો હેઠળ ૧૫ જણાં પર એવો કેસ કરે કે જેમાં તપાસ દરમિયાન કોઈ પૂરાવો જ ના મળે? બઘવાઈ ગયેલાં એસીબી અધિકારીઓ ગુનો નોંધ્યાના ૧૦ વર્ષ સુધી આરોપીઓ સામે ચાર્જશીટ જ દાખલ ના કરે? ભુજની ખાસ ACB કૉર્ટ એક કેસમાં ૨૦ વર્ષે આપેલો આ ચુકાદો વાંચીને તમે ચોંકી ઊઠશો કે ACBના જવાબદારોએ એવી કેવી લાલિયાવાડી ચલાવી હશે જેમાં નિર્દોષોને આટલાં વર્ષો સુધી સમાજ અને તેમના સરકારી વિભાગમાં બદનામી સહન કરવાનો વારો આવ્યો. કૉર્ટે તો આરોપીને બાઈજ્જત બરી કરતી વખતે લાગણી પણ દર્શાવી કે આમાં તો ભોગ બનનારાંઓ ખરેખર તો વળતર મેળવવા પાત્ર છે.
અરજીના આધારે તપાસ શરૂ થાય છે
વર્ષ હતું ૨૦૦૪નું. ભુજ એસીબીમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા પી.કે. જાડેજાને આર.જી. ચેલાણી નામના કોઈ શખ્સની અરજી મળે છે. જેમાં આરોપ કરાયાં હોય છે કે GMDCના અધિકારીઓની મિલિભગતથી ભુજ અને રાજસ્થાનના કેટલાંક વેપારીઓ રાજસ્થાનના ક્વૉટાનું લિગ્નાઈટ ઓછાં ટેક્સદરે ખરીદીને બાદમાં તેને ગુજરાતમાં જ ખૂલ્લાં બજારમાં વેચી મારે છે.
૨૦૦૪માં ૧૫ સામે ફરિયાદ દાખલ થયેલી
પ્રાથમિક તપાસ બાદ પી.કે. જાડેજા ૧૨-૦૯-૨૦૦૪ના દિવસે ભુજ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરે છે. જેમાં ગુનાનો સમયગાળો ૧૯૯૯થી ૨૦૦૪ સુધીનો દર્શાવાય છે. આરોપી તરીકે GMDCના ડેપ્યુટી જનરલ મેનેજર એસ.બી. બેનરજી (સેલ્સ એન્ડ માર્કેટીંગ), સેલ્સ ડિવિઝનના આસિસ્ટન્ટ મેનેજર કેયૂર ગજ્જર ઉપરાંત ભુજના વેપારી ભરત હરિશ્ચંદ્ર કોઠારી, હિતેશ ચત્રભુજ ઠક્કર, દિલીપ ઊર્ફે ધાલુ ચત્રભુજ ઠક્કર (ગાંધીધામ), સંજય ડાયાલાલ ઠક્કર (અમદાવાદ), ધર્મેન્દ્ર માણેકલાલ મહેતા (ભુજ), રાજુભાઈ રતિલાલ પટેલ (ઉદેપુર), ભંવરલાલ બ્રિજમોહન પારેખ (ભીલવાડા), પ્રીતમ દામજીભાઈ ઠક્કર (માધાપર), પ્રકાશ નાથુલાલ ઠક્કર (માધાપર), પ્રવિણસિંહ ભગવતસિંહ જાડેજા (માધાપર), દિનેશ ચત્રભુજ ઠક્કર (ભુજ), મર્હૂમ જાફરઅલી ઈબ્રાહિમ પરબડીયા (ભુજ), ગોવિંદ હરિલાલ શર્મા (જયપુર) અને ગોવિંદ તેજુમલ છુગાણી (જોધપુર)ને આરોપી બનાવાય છે.
આ ભારેખમ કલમો તળે ગુનો નોંધાયો હતો
તમામ આરોપીઓ સામે ફરિયાદમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦ બી, ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૧૪, ૨૦૧ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭, ૧૨, ૧૩ (૧), (સી), (ડી), ૧૩ (૨) લગાડાય છે.
સરકારને ૭ કરોડના નુકસાનનો આરોપ
ફરિયાદમાં એસીબી આરોપ લગાડે છે કે આરોપીઓએ એકબીજા સાથે મિલિભગત આચરીને રાજસ્થાનના સરનામાવાળી બોગસ કંપનીઓ ઊભી કરીને અથવા બંધ કંપનીઓના નામે રાજસ્થાનના ક્વૉટામાંથી ફક્ત સેન્ટ્રલ સેલટેક્સ (CST) ચૂકવીને હજારો મેટ્રિક ટન લિગ્નાઈટ મેળવ્યો હતો. આ લિગ્નાઈટ તેમણે ગુજરાતમાં જ બારોબાર ખૂલ્લાં બજારમાં વેચી મારીને ગુજરાત સરકારની તિજોરીને ટેક્સ પેટે ૭ કરોડ ૧ લાખ ૯૨ હજાર રૂપિયાનું જંગી નુકસાન પહોંચાડ્યું છે.
GMDCના બે અધિકારી સામે લાંચનો ગુનો
GMDCના ડેપ્યુટી જનરલ મેનેજર એસ.બી. બેનરજી આખું કૌભાંડ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરીને લાભ અપાવવા પેટે દિલીપ ઠક્કર પાસેથી પચાસ હજાર રૂપિયા લાંચ પેટે મેળવ્યાં હતાં. તો, આસિસ્ટન્ટ મેનેજર કેયૂર ગજ્જરે પાંચ બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશનની અવેજમાં લાંચ પેટે ૧.૧૩ લાખ રૂપિયા મેળવેલાં. તપાસ શરૂ થતાં આરોપીઓએ રાજસ્થાનમાં જ માલ વેચ્યો હોવાના પૂરાવારૂપે પાલનપુર અને ડીસાની સેલટેક્સની ચેકપોસ્ટના કર્મચારીઓને ફોડીને માલ અહીંથી પસાર થયો હોવાના ખોટાં સહી સિક્કાવાળા દસ્તાવેજો જેવા કે ફોર્મ નંબર ૪૫-એ, ફોર્મ નંબર સી, સીટીઓ ફોર્મ, બોઈલર ફોર્મ વગેરે રજૂ કરેલાં. કેટલાંકે અમુક દસ્તાવેજોનો નાશ કરી દીધો હતો.
એક દાયકા બાદ ૧૪ સામે ચાર્જશીટ દાખલ કરાયેલી
આ ગંભીર ગુનામાં ફર્સ્ટ ઈન્ફોર્મેશન રીપોર્ટ દાખલ થયાનાં ૭ વર્ષ સુધી ફક્ત તપાસ જ ચાલે છે અને ડીજીએમ બેનરજી સામે છેક ૨૪-૦૨-૨૦૧૨માં ચાર્જશીટ રજૂ થાય છે. અન્ય ૧૪ આરોપીઓ સામે ૧૦ વર્ષ અને ૭ મહિના બાદ ૧૩-૦૪-૨૦૧૫ના રોજ પૂરક ચાર્જશીટ રજૂ કરાય છે. ફરિયાદ પક્ષ ૨૪ સાક્ષી અને ૮૦ દસ્તાવેજી પૂરાવા રજૂ કરે છે. ૨૦૧૯માં ચાર્જફ્રેમ થાય છે અને બાદમાં ટ્રાયલ શરૂ થાય છે.
આ યુનિક કેસ છે, પૂરાવા વગરનો કેસઃ કૉર્ટ
ટ્રાયલ દરમિયાન તપાસકર્તા અધિકારીઓની ઉલટ તપાસ લેવાય છે. કૉર્ટ એસીબીએ રજૂ કરેલાં બધા જ દસ્તાવેજ ઝીણવટપૂર્વક જૂએ છે અને પછી ચુકાદો આપતાં જાહેર કરે છે કે આ તો એક યુનિક (આશ્ચર્યજનક) કેસ છે, જેમાં રજૂ થયેલાં પૂરાવાથી સ્પષ્ટ થાય છે તેના આધારે એકપણ ગુનો પ્રસ્થાપિત થતો નથી!
This case is case of no evidence case. કૉર્ટ જણાવે છે કે આરોપીઓએ લાંચ આપી અને લીધી હોવાનો એકપણ પૂરાવો નથી, જે દસ્તાવેજ રજૂ કર્યાં છે તે તમામ દસ્તાવેજ સાચાં જ હોવાનું ખુદ તપાસકર્તા અધિકારી કબૂલે છે છતાં ગુનામાં ફોર્જરી (બોગસ દસ્તાવેજ)ની કલમો લાગુ કરી છે.
જે કંપનીઓ બોગસ હોવાનું કે બંધ હોવાનું જણાવાયેલું તે એકેય કંપનીમાં જઈને તપાસ જ નથી કરી. ગુજરાતમાં બારોબાર માલ વેચ્યો હોવાનો પણ કશો પૂરાવો નથી. તમામ પાર્ટીના સી ફોર્મ અને સીટીઓ ફોર્મ જેન્યુઈન છે.
ખરેખર તો તમામ લોકો વળતરને હક્કપાત્ર છે
કૉર્ટે જણાવ્યું કે વીસ વર્ષ થયાં, બેઝીક અને પૂરતાં પૂરાવા વગર આરોપીઓને સમાજમાં અને તેમના સરકારી વિભાગમાં વર્ષોસુધી ટ્રાયલનો સામનો કરવો પડ્યો. નાહક બદનામી વેઠવી પડી અને માનસિક આઘાત સાથે સામાજિક કલંક પણ લાગ્યું. તપાસ સમયે જ આરોપીઓ વિરુધ્ધ કોઈ પૂરાવા મળ્યાં નહોતા. બે આરોપી દિલીપ ઊર્ફે ધાલુ ઠક્કર અને સંજય ઠક્કર ટ્રાયલ દરમિયાન ગુજરી ગયાં.
આ લોકો ખરેખર તો વળતર મેળવવાના હક્કપાત્ર છે એવું કૉર્ટ માને છે.
જો કે, તેઓ કહે છે કે કૉર્ટ જો વળતર મેળવવાનો હુકમ કરશે તો હાયર ઑથોરીટી ફરી તેમને વર્ષો સુધી નાહક લિટિગેશનમાં ખેંચ્યા કરશે એટલે કૉર્ટ નિર્દોષ જાહેર કરે તે જ અમારા માટે પૂરતું છે. તેથી કૉર્ટ વળતર આપવાનો કોઈ હુકમ કરતી નથી. જો કે, મૃત્યુ પામેલાં બે જણ સહિતના અન્ય લોકોને નિર્દોષ છોડી વળતર મેળવવાનો તેમનો હક્ક છે તેમ જણાવે છે. આઠમા અધિક સેશન્સ અને એસીબી ખાસ કૉર્ટના જજ શિલ્પાબેન એમ. કાનાબારે ચુકાદાની નકલ રાજ્યના પોલીસ વડા તથા એસીબી ગુજરાતના વડા અધિકારીઓને મોકલી આપવા ખાસ નોંધ કરી છે. આ કેસમાં ભુજના સિનિયર ધારાશાસ્ત્રીઓ એ.જે. ઠક્કર, બી.એમ. ધોળકીયા, એન.એલ. વાઘેલા અને ડી.વી. ગઢવીએ બચાવ પક્ષે દલીલો કરી હતી.
Share it on
|