કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) આજથી ૨૫ વર્ષ અગાઉ વર્ષ ૨૦૦૦ની સાલમાં ભુજમાંથી પાંચ હજારની કિંમતના અડધો કિલો ચરસ સાથે ઝડપાયેલા એક આરોપીને ભુજની વિશેષ કૉર્ટે દોષી ઠેરવી ૩ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જો કે, જેને સજા ફટકારી છે તે અપરાધી ૨૦૦૧માં ભૂકંપ વખતે ભાંગી પડેલી જેલમાંથી ફરાર થઈ ગયો હતો અને આજ દિન સુધી પત્તો મળ્યો નથી. અડધો કિલો ગાંજા સાથે પકડાયો હતો હરેન્દ્રસિંહ
તારીખ ૪થી ડિસેમ્બર ૨૦૦૦નો એ દિવસ હતો. નિત્યક્રમ મુજબ પોતાની ચેમ્બરમાં આવેલા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર દિલીપ આર.અગ્રવાતને બાતમી મળેલી કે ભુજના ગણેશનગરમાં મહાકાળી માતાજીના મંદિર નજીક એક યુવક ૫૦૦ ગ્રામ ચરસની ડિલિવરી આપવા આવવાનો છે. અગ્રાવતે તુરંત જ પંચોને બોલાવી, જરુરી ઠરાવ કરીને સવારે ૧૧.૩૦ના અરસામાં સ્થળ પર વૉચ ગોઠવી દીધી હતી.
એક ૩૬ વર્ષનો યુવક ચરસની ડિલિવરી કરવા આવ્યો કે પોલીસે તરત તેને ઝડપી લીધો હતો. ઝડપાયેલો યુવક હતો હરેન્દ્રસિંહ જદુનાથસિંહ ચૌહાણ.
હરેન્દ્ર મૂળ ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના કરેલ તાલુકાના વિનાયકપુરનો વતની હતો અને ગણેશનગરથી થોડે દૂર મિરજાપરમાં કાનજીભાઈ વાલજીભાઈ હિરાણીના મકાનમાં ભાડે રહેતો હતો.
૨૦૦૧ના ભૂકંપમાં જેલ તૂટી જતાં ભાગી ગયેલો
પોલીસે આરોપી વિરુધ્ધ NDPS Actની ધારાઓ તળે ગુનો દાખલ કરેલો અને કૉર્ટે તેને ભુજની જેલ (સરપટ નાકે આવેલી જૂની જેલ)માં ધકેલી દીધો હતો. આ ગુનામાં ૧૧-૦૧-૨૦૦૧ના રોજ પોલીસે આરોપી વિરુધ્ધ કૉર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જો કે, પંદરમાં દિવસે એટલે કે ૨૬-૦૧-૨૦૦૧ના રોજ કચ્છમાં ભયંકર ભૂકંપ આવતાં જેલ તૂટી ગઈ હતી. જેલમાં કેદ અનેક કેદીઓ ‘કુદરતે આપેલા જામીન’ને વધાવી ફરાર થઈ ગયાં હતા. તેમાંનો એક હરેન્દ્ર પણ હતો.
વોન્ટેડ હરેન્દ્રનો આજ દિવસ સુધી કોઈ પત્તો નથી
સમય વીતતો ગયો. અનેક કેદી પરત ફર્યાં, અનેકને પોલીસે પકડ્યાં પરંતુ હરેન્દ્રનો કોઈ અતોપત્તો નહોતો મળતો. તેનો કેસ ઠેબે ચડેલો. કૉર્ટે તેને ડોરમેન્ટ કેસની ફાઈલમાં નાખી દીધેલો. પોલીસે યુપી જઈને તપાસ કરેલી. અનેકવાર પકડ વૉરન્ટ ઈસ્યૂ કરેલાં. તેને વૉન્ટેડ જાહેર કરેલો પરંતુ હરેન્દ્રનો આજ દિન સુધી કોઈ પત્તો મળ્યો નથી.
કૉર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી તેને પકડવા હુકમ કર્યો
ગત વર્ષે કૉર્ટે આરોપીની ગેરહાજરીમાં તેની વિરુધ્ધ પુરાવો નોંધી કેસ ચલાવવાનો નિર્ણય કરેલો. અંતે ૨૫ વર્ષ અને ત્રણ મહિના બાદ ભુજની વિશેષ NDPS કૉર્ટના જજ વિરાટ એ. બુધ્ધાએ હરેન્દ્રને દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. કૉર્ટે હરેન્દ્રને પકડીને સજાનો અમલ કરાવવા માટે જેલભેગો કરવા હુકમ કર્યો છે. જો કે, હરેન્દ્ર જીવે છે કે મૃત્યુ પામ્યો છે, તે ક્યાં છે તેની કોઈને ખબર નથી.
Share it on
|