કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ વચ્ચે કચ્છના પ્રાણ પ્રશ્નો અંગે ક્યાંય કોઈ અવાજ ઉઠાવતું જણાય છે? કચ્છનો કાળક્રમે વિકાસ થયો છે પરંતુ જેમ બાળક જન્મે અને મોટું થતું રહે તે સહજ પ્રક્રિયા છે તે સાહજિક વિકાસ છે. સારાં માવતર તરીકે જેમ સૌની ફરજ છે કે પોતાના સંતાનનો સર્વાંગી વિકાસ થાય. બસ આવી જ ફરજ અને જવાબદારી સરકારની જનતા પ્રત્યેની છે. રણોત્સવ અને ઔદ્યોગિકરણના કહેવાતા વિકાસના ગ્લોસી મુદ્દાઓ વચ્ચે અહીં કેટલાંક પાયાના મુદ્દા રજૂ કર્યાં છે. પ્રશ્નો દસ વર્ષ સુધી કેન્દ્રમાં અને ૨૬ વર્ષથી સત્તામાં રહેલાં ભારતીય જનતા પક્ષના શાસકોને પૂછવાના હોય પરંતુ દેશમાં મીડિયાની હાલત શું છે થઈ ગઈ છે તે જોતાં અરીસો ધરવાનું કામ કરતી ચોથી જાગીરના મૌન પર દયા ખાધા સિવાય છૂટકો નથી. વિકાસના ફૂલગુલાબી ભાવિના કાલ્પનિક સપનાઓમાં વિહરવાના બદલે એક નાગરિક તરીકે આંખો ખોલીને કચ્છમાં પાયાની સુવિધા, સમસ્યાઓ વિચારો તો એક નહીં ઢગલાબંધ સમસ્યા તુરંત નજર સમક્ષ તરવરવા માંડશે.
પેયજલ અને નર્મદાના સિંચાઈ નીરની પરિસ્થિતિ
૫ એપ્રિલ ૧૯૬૧માં દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે સરદાર સરોવર ડેમના નિર્માણ માટેનું ખાતમુહૂર્ત કરેલું તે ડેમનું પાણી કચ્છમાં ‘ગાબડાં’ કેનાલ વાટે માંડવીના મોડકૂબા સુધી છેક જૂલાઈ ૨૦૨૨માં પહોંચ્યું. છેવાડાના કચ્છ સુધી પાણી પહોંચાડવાના આધાર પર ડેમના દરવાજાની ઊંચાઈ વધારાયેલી.
ગુજરાતમાં ૧૯૯૮થી અત્યારસુધીના સળંગ ૨૬ વર્ષથી ભાજપની રાજ્ય સરકાર અને સળંગ દસ વર્ષથી કેન્દ્રમાં મોદી સરકાર છે. પરંતુ, ગામડાંઓ સુધી નહેરનું પાણી પહોંચાડતી માઈનોર નેટવર્ક કેનાલોનું કામ મહદઅંશે અધૂરું છે. છેવાડાના અબડાસા અને લખપતને કેનાલથી પાણી પહોંચાડવાની માગ છે પણ કોઈ નેતા તે અંગે ખોંખારીને બોલવા તૈયાર નથી.
નર્મદાના વધારાના એક મિલિયન એકર ફૂટ પાણી આપવાની યોજના અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના કોઈ ઠેકાણાં નથી. ભુજના રૂદ્રમાતા ડેમ કે હમીરસર સરોવરને નર્મદાના નીરથી ભરવાની પોકારાયેલી ગુલબાંગો (હમીરસરમાં તો ખાસ અંડરગ્રાઉન્ડ પાઈપ લગાડી થોડાંક દિવસો પૂરતું પાણી પણ છોડવામાં આવેલું. એ પાઈપરૂપી ‘પાળિયો’ આજે પણ મહાદેવ ગેટ પાસે જોવા મળે છે!) જનતા ભૂલી નથી. રૂદ્રમાતા સુધી દુધઈ બ્રાન્ચ કેનાલનું નિર્માણ કરવાનો નિર્ણય પહેલાં પડતો મૂકાયેલો પછી કિસાનોના આંદોલન બાદ સરકાર કેનાલ બનાવવા તૈયાર થઈ પણ હજુ ટેન્ડરના ઠેકાણાં નથી.
પેયજલ વિતરણ આખું નર્મદા પાઈપલાઈન આધારીત થઈ ગયું છે.
થોડાંક સમય અગાઉ પાઈપલાઈનમાં ગાબડું પડ્યું ત્યારે દસ દહાડા સુધી આખા ભુજને તરસ્યાં રહેવાનો વારો આવેલો. લોકોને ગાંઠના ખર્ચે બારસો પંદરસો રૂપિયા ભરીને ટેન્કરો મગાવવા પડેલાં. આ પરિસ્થિતિ માટે શું કોંગ્રેસ જવાબદાર છે?
કચ્છમાં ખેતીની આ હાલત છે
કચ્છનો મહેનતકશ કિસાન નર્મદાના નીરથી વેરાન રણને નંદનવન બનાવવા સક્ષમ છે. પરંપરાગત ખેતી સાથે કેસર કેરી, ખારેક, દાડમ, ડ્રેગનફ્રૂટ (ભાજપનું કમલમ્!) વગેરે જેવી બાગાયતી ખેતી પણ ખૂબ લોકપ્રિય બની છે. પરંતુ, ગણ્યાંગાંઠ્યા પ્રગતિશીલ કિસાનોને બાદ કરતાં મોટાભાગના ખેડૂતોને તેમનો બાગાયતી પાક ઓછાં નફે વેચવાનો વારો આવે છે. ખેતીમાં જંતુનાશક દવાઓથી લઈ રાસાયણિક ખાતરના ઊંચા દામ, તંગી, માવઠું, વિષમ તાપમાન જેવા પરિબળોના કારણે ઈન્પુટ કોસ્ટ વધતી ગઈ છે. તેમાં’ય ખેતપેદાશોના સ્ટોરેજ અને પ્રોસેસીંગ પ્લાન્ટ, એર કાર્ગોની સુવિધાનો અભાવ કિસાનોની કમ્મર તોડી નાખે છે.
સ્ટોરેજ, પ્રોસેસિંગ પ્લાન્ટ, એર કાર્ગોની સુવિધાના વચનો કોણે આપેલાં? શું થયું તેનું? ફક્ત સક્ષમ કિસાનો જ સરકારી યોજનાઓના લાભ મેળવી અંગત જોરે કૃષિપેદાશોને એક્સપોર્ટ કરી શકે છે.
પરિણામે, બજારમાં તેજી જોઈને બિચારો સામાન્ય કિસાન હોંશભેર સેંકડો એકરમાં દાડમ ઉગાડે છે ને વેચવા ટાણે નાખી દેવાનો નજીવો ભાવ મળતો જોઈ નિરાશ થઈને તે દાડમ ઢોરોને ખવડાવી દે છે! આ હકીકતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ છે? એમએસપી, એપીએમસી વગેરેના મુદ્દા તો કોરાણે જ રાખ્યાં છે!
STમાં અપડાઉન કરતાં નેતા કરોડોમાં આળોટતાં થયાં
કચ્છની વિશાળ ભૂમિ, કુદરતી રીતે મળેલી કંડલા અને મુંદરા જેવા બંદરોની ભેટ વેપાર ઉદ્યોગ સ્થાપવા માટે આદર્શ છે. ભૂકંપ બાદ તત્કાલિન કેન્દ્ર સરકારે કચ્છમાં ઉદ્યોગો સ્થાપવા જાહેર કરેલા ટેક્સ હોલિડેના પગલે કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યાં. પરંતુ, ઉદ્યોગો માટે વ્યાજબી દરે પાણીની આપૂર્તિની સમસ્યા યથાવત્ છે. રેલ અને રોડ નેટવર્ક હજુ સુવિધાસભર બન્યું નથી.
પોતાના અંગત હિત સાધવા પ્રદૂષણ, જમીન સંપાદન મુદ્દે થતી કાગારોળ, લેબર સપ્લાયથી લઈ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ પોતાને જ આપવાની અથવા ટકાવારી રાખવાની માથાભારે રાજકારણીઓની દાદાગીરી બેફામ બની છે. જેના લીધે કરોડો રૂપિયાના મૂડીરોકાણ સાથે આવતા ઘણાં ઉદ્યોગો મોઢું ફેરવીને બીજે જતાં રહ્યાં છે.
યાદ હોય તો ગત ડિસેમ્બરમાં કચ્છના વેપાર ઉદ્યોગ સંગઠન ફોકિયાએ પૂર્વ કચ્છ એસપીને આ મુદ્દે રજૂઆત કરીને અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા વિનંતી કરેલી. આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર?
એસટી બસમાં અપડાઉન કરતાં કરતાં સત્તા મળ્યા બાદ આડી કમાણીથી કરોડોમાં આળોટતાં નેતાઓ કઈ પાર્ટીના છે તે જનતાને કહેવાની જરૂર નથી.
ઘણાં ઉદ્યોગપતિઓ નામ ના આપવાની શરતે જણાવે છે કે સૌથી મોટો ત્રાસ દર ચૂંટણીઓ વખતે ઈલેક્શન ફંડના નામે થતાં લાખો કરોડોના ઉઘરાણાંનો છે! ફંડ માગવા તો બધા પક્ષના આવે છે પણ સામ, દામ, દંડ અને ભેદથી કયા પક્ષના નેતાઓ મોટો ખેલ પાડી જાય છે તે વગર કહ્યે સમજી જજો.
શિક્ષણની બેહાલીનો અંત ક્યારે આવશે?
પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણની સુવિધા સરકારની જવાબદારી છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન કાયમી બની ગયો છે. ઉચ્ચ શિક્ષણના નામે ભુજ અને આદિપુર ગાંધીધામ જેવા શહેરોને બાદ કરતાં મોટાભાગના શહેરો તાલુકામાં સારી કોલેજો ઉપલબ્ધ નથી.
૨૦૦૧ બાદ સ્વતંત્ર કચ્છ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી પરંતુ તેનાથી ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અને સુવિધામાં કશું આમૂલ પરિવર્તન નથી આવ્યું. તેના માટે રાજકીય ખટપટો અને પોલિટીકલ નિમણૂકો સહિતના મુદ્દા પણ જવાબદાર છે.
યાદ હશે કે હજુ હમણાં સુધી એમ.કોમમાં ઈકોનોમિક્સનો વિષય જ ભણાવાતો નહોતો! વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો એટલે ઉમેરવામાં આવેલો. અંતરિયાળ વિસ્તારોના છાત્રોને ભણવા માટે કાં ભુજ-ગાંધીધામની હોસ્ટેલમાં રહેવું પડે છે ને મધ્યમ વર્ગના લોકો તેમના સંતાનોને ભણાવવા માટે કચ્છ બહારની યુનિવર્સિટીઓમાં મોકલે છે!
ઉચ્ચ શિક્ષણમાં સરકારી સંસ્થાઓ તો છોડો કચ્છમાં સારી સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ પણ નથી કે જેમાં ગાંઠના ફદિયાં ખર્ચીને વાલીઓને તેમના સંતાનોને ઘરઆંગણે ભણાવવાની સુવિધા ઉપલબ્ધ થાય.
આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર? ખરેખર તો સરહદી કચ્છને સેન્ટ્રલ યુનિવર્સિટીની તાતી જરૂર છે. એ જ રીતે, ટૂરિઝમ, પોર્ટ અને ઉદ્યોગોને અનુલક્ષીને તે ક્ષેત્રે સ્કીલ્ડ વર્કફોર્સ તૈયાર થાય તેવા અભ્યાસક્રમ અને તાલીમની અત્યંત આવશ્યક્તા છે. મરીન યુનિવર્સિટી ચાલું કરવા અગાઉ જાહેરાતો થયેલી પણ તે પોકળ વાયદો બનીને રહી છે. કયા નેતાને આ બધું વિચારીને કચ્છના હિતમાં કામ કરવામાં રસ છે?
આરોગ્ય ક્ષેત્રની કથળેલી હાલત
શિક્ષણ જેવી જ બેહાલી સરકારી આરોગ્ય ક્ષેત્રે છે. ગરીબો માટે આશાનું કિરણ એવી એકમાત્ર ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ટર્સરી કેર શરૂ કરવાની વાતો હવાઈ ગઈ! વડાપ્રધાનના રાહતકોષમાંથી નિર્માણ પામેલી આ હોસ્પિટલ ખાનગી સંસ્થાને સંચાલન માટે સોંપાઈ, મેડિકલ કોલેજ પણ શરૂ થઈ પરંતુ ગરીબોને સંપૂર્ણ નિઃશુલ્ક સારવારની પાયાની સુવિધા ના જ મળી. હોસ્પિટલમાં ન્યૂરોલોજીસ્ટ, કેન્સર સર્જન કે કાર્ડિયાક સર્જન નથી. પરિણામે, ગંભીર હાલતમાં મૂકાયેલાં દર્દીઓને અન્ય કોર્પોરેટ હોસ્પિટલો કે હાયર સેન્ટરમાં રીફર કરાય છે.
હોસ્પિટલના સંચાલન સુવિધામાં ખામીઓના નામે કેટલાંક નેતાએ પોતાની રાજનીતિ ચમકાવીને તોડ કરી લીધાં, આંદોલનના નામે ગામમાંથી ઉઘરાણાં કરી ખાધાં પણ જનતાને કશું નસીબ ના થયું.
સરકારની ફ્લેગશીપ યોજના ‘આયુષ્માન ભારત’થી વર્ષે અઢી લાખથી ઓછી આવક ધરાવતાં ગરીબ દર્દીઓને ચોક્કસ લાભ થયો છે પણ સરકારી માપદંડ મુજબ મહિને દસ હજારની આવક ધરાવતો, ઘરમાં ફ્રીજ કે દ્વિચક્રી ધરાવતો મધ્યમવર્ગનો માણસ આ યોજનાનો લાભ મેળવી શકતો નથી.
હજારો મધ્યમવર્ગીય દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવા મજબૂર છે, ગંભીર ઈજા કે બીમારીની સારવાર પાછળ થતાં લાખોના ખર્ચથી આવા પરિવારો રાતોરાત રોડ પર આવી જાય છે.
કોરોના ટાણે કચ્છમાં દર્દીઓ કેવી ભયાનક હાલતમાં મૂકાયેલાં તે કદાચ ભૂલ્યાં તો નહીં જ હો.કેટલાંકને કદાચ પ્રશ્ન થશે કે ચૂંટણી લોકસભાની છે, ત્યારે કેન્દ્ર સરકારને લગતાં પ્રશ્નો સિવાય રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લગતાં પ્રશ્નો શા માટે પૂછવા જોઈએ? વાત સાચી છે પણ જ્યારે વડાપ્રધાન વિધાનસભાની ચૂંટણી વખતે ‘ડબલ એન્જિન’ સરકારનો નારો આપતાં હોય, નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મોદીના મોંઢાને જ આગળ ધરીને મત માંગતા હોય તો પછી આ તમામ પ્રશ્નો પૂછી જવાબ માગવાનો જનતાને સંપૂર્ણ અધિકાર છે.
વધુ કેટલીક સમસ્યા અને પ્રશ્નો અંગે આવતીકાલે ફરી ચર્ચા કરશું. તમારી નજરે હજુ પણ કંઈ પૂછવાની જરૂર હોય તો ચોક્કસ જણાવજો.
Share it on
|