કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ રાપર તાલુકાના આડેસરમાં લાંબા સમયથી ગંભીર ગુનાખોરી આચરી રહેલા ત્રણ રીઢા શખ્સોએ પોતાની ધાકથી સરકારી જમીન પર કરેલું દબાણ પોલીસે જમીનદોસ્ત કરી દીધું છે. આડેસર પોલીસે અનવર અયુબ હિંગોરજા, નજરમામદ અયુબ હિંગોરજા અને બૂટલેગર બાલા રૂપા કોલીના ગેરકાયદે દબાણો પર આજે બુલડોઝર ફેરવી દીધું છે.
અનવરે હાઈવે પટ્ટી પર મોકાની સાડા ૩ હજાર ચોરસ ફૂટ સરકારી જમીન પર ગેરકાયદે સાત ઓરડીઓ, ટોઈલેટ બાથરુમ અને મોટો હોલ ચણી દીધા હતા. તો, નજરમામદે બે મકાન અને એક દુકાન ચણી દીધા હતા.
એ જ રીતે, રીઢા બૂટલેગર બાલા રુપા કોળીનું એક ગેરકાયદે મકાન પણ ડિમોલીશ કરવામાં આવ્યું છે.
ત્રણે સામે ગંભીર ગુનાઓનો લાંબો ઈતિહાસ
અનવર પર ૨૦૧૩થી ૨૦૨૨ દરમિયાન હત્યાના પ્રયાસના બે ગુના, આર્મ્સ એક્ટ, અપહરણ દુષ્કર્મ, ધાક-ધમકી આપવી, પ્રોહિબિશન સહિતના ૧૬ ગુના નોંધાયેલાં છે. નજરમામદ પર પણ હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, અપહરણ દુષ્કર્મ તથા ગેરકાયદે ખનિજ ચોરીના બે ગુના સહિત ૬ ગુના નોંધાયેલાં છે. બાલા કોળી પર છેલ્લાં ચાર વર્ષમાં પ્રોહિબિશનને લગતાં ૨૧ ગુના નોંધાયેલાં છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળા અને તેમની ટીમે ચુસ્ત બંદોબસ્ત સાથે ત્રણે રીઢા શખ્સોના દબાણો પર બુલડોઝર ફેરવી નાખ્યું છે.
Share it on
|