કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની સરકારી ખરાબાની જમીન ‘લાગુની જમીન’ તરીકે મેળવ્યા બાદ તે બિનખેતી કરાવી પ્લોટ પાડી વેચી મારવાના કૌભાંડના મુખ્ય બે આરોપી પૈકી બિલ્ડર સંજય છોટાલાલ શાહને કૉર્ટે રાજનો સાક્ષી બનાવીને સજામાફી આપી છે. સંજય શાહે આ ગુના અંગેના તમામ પુરાવા આપવાની તૈયારી દર્શાવીને પોતાને રાજનો સાક્ષી બનાવવા કૉર્ટ સમક્ષ અરજ કરી હતી. કૉર્ટની મંજૂરી બાદ કૌભાંડના મુખ્ય આરોપી એવા કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિતના તત્કાલિન સરકારી અધિકારીઓ સામેનો સકંજો વધુ મજબૂત થાય તેવા સંકેત સાંપડી રહ્યાં છે.
જાણો શું હતું ભુજનું જમીન કૌભાંડ
ભુજના આ કૌભાંડ અંગે ૨૧-૦૯-૨૦૨૩ના રોજ ભુજ બોર્ડર ઝોન સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભુજના મામલતદારે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
બિલ્ડર સંજય શાહને કલેક્ટર સહિતના અન્ય સરકારી અધિકારીઓ કર્મચારીઓએ અંગત નાણાંકીય લાભ ખાતર સર્વે નંબર ૭૦૯ પૈકીનો સરકારી પડતર જમીનનો ટૂકડો ખેતીની જમીન હેતુ ફાળવી બાદમાં ત્રણ જ માસમાં રહેણાંક હેતુ બિન ખેતી કરી આપવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં સરકારી નિયમોને નેવે મૂકવામાં આવેલાં અને તેના પરિણામે સરકારી તિજોરીને નુકસાન થયેલું. આ જમીનના પ્લોટ પાડી સંજય શાહે રોકડી કરી લીધી હોવાનો ફરિયાદમાં આરોપ મુકાયો હતો. આ ગુનામાં સીઆઈડી ક્રાઈમે બિલ્ડર સંજય શાહ, શાહના પાર્ટનર કમ મંગલમ હોટેલના સંચાલક પ્રકાશ વજીરાણી કે જે કૌભાંડ સમયે નગરપાલિકામાં કર્મચારી હતા, તત્કાલિન કલેક્ટર પ્રદીપ શર્મા, તત્કાલિન પ્રાંત અધિકારી (SDM) સેજા લક્ષ્મણભાઈ ગલચર, તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર ફ્રાન્સીસ આશ્રેદાસ સુવેરા, તત્કાલિન મામલતદાર રજનીકાંત જર્મનસીંગ વલવી અને તત્કાલિન સર્કલ ઑફિસર સુરેન્દ્ર વિશ્વનાથ દવેની તબક્કાવાર વારાફરતી ધરપકડ કરી હતી.
જાણો, બિલ્ડર સંજય શાહે અરજીમાં શું કહેલું
આ કેસમાં પોતાની સજા માફ કરીને પોતાને રાજનો સાક્ષી બનાવવા સંજય શાહે વિશેષ એસીબી કૉર્ટ સમક્ષ અરજી કરી હતી.
અરજીમાં શાહે દાવો કર્યો હતો કે પોતે સમગ્ર કૌભાંડને સાંકળતી પ્રત્યેક કડીથી વાકેફ છે અને જો તેને રાજનો સાક્ષી બનાવાય તો તે કૌભાંડને લગતી તમામ બાબતોની કબૂલાત કરવા તત્પર છે.
સંજય શાહને રાજનો સાક્ષી બનાવવામાં ફરિયાદ પક્ષને કોઈ વાંધો ના હોવાનું તથા જો તે સાક્ષી બને તો કૌભાંડમાં સામેલ અન્ય લોકો સામેનો કેસ મજબૂત પુરાવા સાથે અસરકારક્તાથી રજૂ થશે તેમ જણાવી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે શાહને એપ્રૂવર બનાવવામાં સહમતી દર્શાવી હતી. સંજય શાહે કોઈ ધમકી, દબાણ કે પ્રલોભનને વશ થયાં વગર સ્વેચ્છાએ સત્ય હકીકત ઉજાગર કરવા આ અરજી કરી હોવાનું ઠેરવીને એસીબી કૉર્ટના સ્પેશિયલ જજ વી.એ. બુધ્ધાએ સજામાફી સાથે શાહની અરજી મંજૂર કરી તેને હવે રાજનો સાક્ષી ગણી મુખ્ય સાક્ષી તરીકે ટ્રીટ કરવા મંજૂરી આપી છે.
વજીરાણી બાદ સંજય શાહ બીજો રાજનો સાક્ષી
આ કેસમાં અગાઉ સંજય શાહના પાર્ટનર કમ હોટેલિયર પ્રકાશ વજીરાણીએ પણ સજા માફ કરવાની રજૂઆત સાથે પોતાને રાજનો સાક્ષી ગણવા અરજી કરેલી. જેને ૨૩-૦૮-૨૦૨૪ના રોજ ભુજ કૉર્ટે મંજૂર કરી હતી. આમ, કૌભાંડમાં સામેલ બેઉ આરોપી હવે રાજના સાક્ષી બની જતાં અન્ય સહઆરોપીઓની મુશ્કેલીમાં વધારો થશે તે નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અંજારની વેલસ્પન કંપનીના કૌભાંડમાં શર્મા સાથે કંપનીના બે કર્મચારીઓ સંડોવાયા હતા. આ બેઉ કર્મચારીઓ પાછળથી રાજના સાક્ષી બની ગયાં હતા.
Share it on
|