click here to go to advertiser's link
Visitors :  
26-Jul-2025, Saturday
Home -> Vishesh -> Amid Claims of War on Drugs Accused of Drugs Smuggling in Kutch Remain At Large
Thursday, 24-Jul-2025 - Bhuj 4447 views
ડ્રગ્સ સામે જંગના દાવા વચ્ચે કચ્છમાં કરોડોનું ડ્રગ્ઝ ઠાલવનારા આરોપીઓ પકડાયાં નથી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દારુ અને નશીલા કે માદક દ્રવ્યો (ડ્રગ્ઝ) પકડાય તો તેનો સમયાંતરે નિકાલ કરવાની સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિઝર (એસઓપી) છે. પોલીસની ભાષામાં ગુનાકામે જપ્ત થતા આવા મુદ્દામાલનો SOP મુજબ નિયમિત રીતે નાશ કરાતો રહ્યો છે. વર્તમાન ભાજપની કેન્દ્ર અને રાજ્યની ‘ડબલ એન્જિન’ સરકારોએ હવે આ મુદ્દામાલ નાશની પ્રક્રિયાને સરકારી પ્રચારની ઈવેન્ટ બનાવી દીધી છે.
૨૦૨૨માં કેન્દ્રીય નાણાં મંત્રીએ ડ્રગ્ઝ ડિસ્ટ્રક્શન ડૅની ઈવેન્ટ કરેલી

૨૦૨૨માં ૮મી જૂનના દિવસને ‘ડ્રગ્ઝ ડિસ્ટ્રક્શન ડૅ’ જાહેર કરીને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની વિડિયો કોન્ફરન્સ મારફતે વરચ્યુઅલ હાજરીમાં કચ્છ સહિત દેશભરના ૧૪ શહેરો જિલ્લાઓમાં કસ્ટમ અને ડીઆરઆઈએ જપ્ત કરેલા ૪૨ હજાર કિલો ડ્રગ્ઝના જથ્થાનો વિવિધ ૬ સાઈટ્સ પર નાશ કરવામાં આવેલો. તે વખતે કચ્છમાં સૌથી વધુ ૨૧ હજાર કરોડના ૩ હજાર કિલોગ્રામ હેરોઈનનો લાકડીયાની કંપનીમાં નાશ કરવામાં આવેલો. આ હેરોઈન સપ્ટેમ્બર ૨૦૨૧માં ઝડપાયેલું. જો કે, ત્યારપછી ‘ડ્રગ્ઝ ડિસ્ટ્રક્શન ડે’ની ઉજવણી બંધ થઈ ગઈ છે.

આજે ગુજરાતના ગૃહ મંત્રીની હાજરીમાં ઈવેન્ટ યોજાઈ

હવે આજે  ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લાકડીયાની એ જ કંપની ખાતે પોલીસે જપ્ત કરેલા ૮૭૫ કરોડની કિંમતના ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬ લિટર માદક પદાર્થનો નાશ કરવાની ઈવેન્ટ યોજાઈ હતી. ઈવેન્ટના ટાણે મંત્રીએ હરખ વ્યક્ત કરી જણાવ્યું કે તેમનું પોલીસ ખાતું સતર્ક છે અને પોલીસ ડ્રગ્ઝના દૂષણને ડામવા માટે કટિબધ્ધ છે વગેરે વગેરે. સરકારની કામગીરી, યોજનાઓ અને મંત્રીઓની પ્રચાર પ્રસિધ્ધિ કરતાં સરકારી માહિતી ખાતાએ ડ્રગ્સ સામે જંગ, ગૃહ મંત્રીના વરદ હસ્તે (વરદ હસ્ત એટલે વરદાન આપતા યા આશીર્વાદ આપતાં હાથ) આમ થયું ને તેનું લોકાર્પણ કરાયું વગેરે વગેરે મથાળા સાથેના લખાણોવાળી પ્રેસનોટો, ફોટો માધ્યમકર્મીઓને મોકલી આપ્યાં.

સરકારી પ્રેસનોટો છાપી ખાવાને જ પત્રકારત્વ ગણતાં કલમઘસુઓ પ્રજાના માથે આ પ્રેસનોટો બેઠેબેઠ્ઠી ઠપકારી સમાચાર છાપ્યાંનો અને પોતે પત્રકાર હોવાનો સંતોષ માને છે!

કચ્છ ડ્રગ્ઝ માફિયા માટે સિલ્ક રૂટ બન્યું છે

કચ્છ છેલ્લાં એક દાયકામાં સરહદપારથી થતાં ડ્રગ ટ્રાફિકીંગનો સિલ્ક રૂટ બની ગયું છે તે એક વરવી હકીકત છે. દર વર્ષે મોટા પ્રમાણમાં કચ્છના સમુદ્રકાંઠેથી બિનવારસી ચરસ અને કોકેઈન જેવા ડ્રગ્ઝ કે જેની કિંમત કરોડોમાં અંકાય છે તે મળે છે પરંતુ આજ દિન સુધી આ ડ્રગ્ઝ કોણ ઠાલવે છે, કેમ ઠાલવે છે તેની માહિતી કદી બહાર નથી આવી. ના પકડાતું ડ્રગ્ઝ કેટલું પગ કરી જતું હશે તે અટકળ પણ નકારી શકાય નહીં. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાનું ધ્યાન રાખતી એજન્સીઓ આ માહિતી મેળવવામાં જાણે કે નિષ્ફળ નીવડી હોય તેવો ઘાટ છે. એ તો ઠીક, કંડલા અને મુંદરા જેવા બંદરો પર લેન્ડ થઈ ખાનગી કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનોમાં પહોંચેલા અનેક બિનવારસી કન્ટેઈનરોમાંથી સંખ્યાબંધ વખત કોકેઈન ઝડપાયેલું છે. પરંતુ, મોટાભાગના કેસોમાં આરોપીઓનો કોઈ અતોપત્તો મળ્યો નથી.

લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ વખતે ‘ડબલ એન્જિન સરકાર’ ચૂંટવાના ફાયદા ગણાવી લોકોને અનુરોધ કરતી સરકારોની રાજ્ય અને કેન્દ્ર હસ્તકની સુરક્ષા એજન્સીઓ વચ્ચે પ્રવર્તતા સંકલનના અભાવ સહિતના અનેક મુદ્દા આ વખતે સપાટી પર તરી આવે છે.

ગાંધીધામના કરોડોના કોકેઈન કેસોની તપાસ ઠેરની ઠેર

બીજું બધું છોડો, ૨૮-૦૯-૨૦૨૩ના રોજ ગાંધીધામ પોલીસે મીઠીરોહરના સીમાડે સમુદ્રી ખાડી નજીકથી ૮૦૦ કરોડનું ૮૦ કિલોગ્રામ બિનવારસી કોકેઈન ઝડપેલું. એ જ રીતે, ૦૪-૦૬-૨૦૨૪ના રોજ એટીએસએ ખારીરોહરથી કંડલા જતા વિસ્તારમાં નિર્જન ઝાડીઓમાંથી બિનવારસી હાલતમાં ૧૩૦ કરોડની કિંમતનું ૧૩ કિલો કોકેઈન ઝડપેલું. તેના ચાર મહિના બાદ પોલીસે ૦૭-૧૦-૨૦૨૪ના રોજ ખારીરોહર નજીક ખાડી વિસ્તારમાંથી ૧૨૦ કરોડનું ૧૨ કિલો કોકેઈન બિનવારસી હાલતમાં ઝડપેલું. આ કોકેઈન બિનવારસી હાલતમાં અહીં ક્યાંથી આવ્યું તે પ્રશ્નનો જ આજ દિન સુધી કોઈ જવાબ મળ્યો નથી. પોલીસે કરોડોનું ડ્રગ્ઝ ઝડપ્યું તે સારી વાત છે પણ આ ડ્રગ્ઝનો જથ્થો બિનવારસી હાલતમાં પડેલો તેની પણ નોંધ લેવી ઘટે. આ ડ્રગ્ઝ અહીં કોણ ફેંકી ગયું તે બાબતે આજ દિન સુધી કશી કડી ના મળે તે બાબત હરખ કરવા જેવી તો નથી જ હર્ષભાઈ.

ડ્રગ્ઝ વેચવાવાળા પકડાય છે ને ફરાર પણ થઈ જાય છે

ડ્રગ્ઝના દૂષણને કડક હાથે ડામવાનું ભાષણ આપતા મંત્રી હર્ષ સંઘવી એ બાબત ભૂલી જાય છે કે મુંદરામાં ઝડપાયેલાં ૨૧ હજાર કિલો ડ્રગ્ઝનો એક મહત્વનો આરોપી જોબનજીતસિંઘ સંધુ પંજાબમાં કચ્છ પોલીસને શૌચાલય જવાના બહાને થાપ આપીને હાઈવે પર ફરાર થઈ ગયો હતો. તો, નવેમ્બર ૨૦૨૪માં લાકડીયા પાસેથી પોલીસે કોકેઈન સાથે પકડેલાં બે આરોપી પણ પંજાબમાં પોલીસ પાર્ટીને થાપ આપીને નાસી છૂટેલાં. તેમાંથી પાછળથી એક ઝડપાયેલો પરંતુ બીજાનો કોઈ પત્તો નથી. આ કોકેઈનકાંડનો સૂત્રધાર હોટેલ સંચાલક સન્નીસિંઘ તો આજ દિન સુધી પકડાયો જ નથી!

મંત્રીજી, છૂટક પડીકીઓ વેચતાં ડ્રગ્ઝ પૅડલરો ઝડપાય તે સાથે સરહદ પારથી અબજો કરોડોના ડ્રગ્ઝના કન્સાઈન્મેન્ટ મોકલતાં મોટાં ડ્રગ્ઝ માફિયા સામે સકંજો કસાય તે પણ એટલું જ જરૂરી છે. બાકી એ પણ નગ્ન સત્ય છે કે ગુજરાતમાં ડ્રગ્ઝનું દૂષણ ત્રણ દાયકાથી રાજ કરી રહેલી ભાજપ સરકારના રાજમાં ફૂલ્યું ફાલ્યું છે.
Share it on
   

Recent News  
રાપર ‘અયોધ્યાપુરી’માં રામરાજ નથી! બંધ ઘરમાં ૧.૯૦ લાખ રોકડાં મળી ૭.૧૫ લાખની ચોરી
 
ખંડણીના ગુનામાં પકડાયેલા પત્રકારની જામીન અરજી કૉર્ટે ફગાવીઃ કૉર્ટે કરી આ ટીપ્પણી
 
અજાપરના ગૌચરમાં વીજ લાઈન નાખવા સામે જનાક્રોશઃ ખાખીના જોરે વેલસ્પનની જોહુકમી