કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ લોકોને પોલીસ, ઈડી, ઈન્કમટેક્સ વગેરેના નામે ડરાવી ધમકાવી ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવી લેતી ગેંગોના કારનામા અવારનવાર બહાર આવે છે અને તમે તેનાથી સુપેરે વાકેફ પણ હશો. પરંતુ, એક ગઠિયાએ પ્લેનમાં ઉડવાના સપના જોતી ભચાઉના મજૂરની ગરીબ પત્નીને ફોન પર પ્રેમજાળમાં ફસાવીને, કાલ્પનિક વૈભવી વિશ્વમાં વિહારના સપનાં દેખાડીને રૂપિયા કટકટાવવા પ્રયાસ કર્યો હોવાનો બનાવ જાણીને તમે ચોંકી ઉઠશો. સોશિયલ મીડિયા પરની રીલ્સ જોઈને વૈભવના કાલ્પનિક વિશ્વમાં જીવતી આ ગરીબ યુવતીને વાસ્તવિક્તાની ધરતી પર લાવતાં લાવતાં 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન ટીમના નાકે દમ આવી ગયો છે!
રસ્તા પર બે બાળકો સાથે એ યુવતી કલાકો સુધી જોવા મળી
ગત મંગળવારે ગાંધીધામ નજીક વરસાણા ચોકડીએ રસ્તા પર એક યુવાન સ્ત્રી તેના બે નાનાં બાળકો સાથે બપોરથી આમ તેમ ફરતી જોવા મળેલી. તેના ચહેરા પર મૂંઝવણ જણાતી હતી. રાત પડી ગઈ પરંતુ આ સ્ત્રી ત્યાં ને ત્યાં જ હતી.
જાગૃત નાગરિકે 181 હેલ્પલાઈનનું ધ્યાન દોરતાં મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં દોડી ગઈ હતી.
181ના કાઉન્સેલર નિરુપા બારડ અને પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોરે પ્રાથમિક પૂછપરછ કરતાં તે સ્ત્રીએ જણાવ્યું કે તે મૂળ ઉત્તર પ્રદેશની વતની છે અને થોડાંક માસથી તે તેના પતિ સાથે ભચાઉની એક કંપનીની લેબર કોલોનીમાં રહેતી હતી. પતિ આ કંપનીમાં મજૂરીકામ કરે છે.
પ્રેમી લંડનથી પ્લેનમાં તેને લેવા આવ્યો છે પણ...
આ સ્ત્રી પતિની જાણ બહાર બાળકો સાથે ઘર ત્યજીને નીકળી ગઈ હતી. 181ની ટીમે તેને વિશ્વાસમાં લઈ મદદ કરવાની ખાતરી આપતાં તેણે જણાવ્યું કે હકીકતે તે તેના પ્રેમી જોડે પ્લેનમાં બેસવા તત્પર છે.
તેનો પ્રેમી લંડનમાં રહે છે અને હાલ તે તેને લેવા પ્લેનમાં આવ્યો છે.
પરંતુ, પોલીસે એરપોર્ટ પર જ તેને પકડી લીધો છે અને છોડવા માટે ૯ હજાર રૂપિયા માગી રહી છે. પતિનો મોબાઈલ ફોન ૩ હજાર રૂપિયામાં વેચીને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં છે પરંતુ હજુ શું થશે તેની ખબર નથી.
પ્રેમી અને પોલીસ બેઉ ફ્રોડ નીકળ્યાં
યુવાન સ્ત્રીની વાત સાંભળીને 181ની ટીમ માથું ખંજવાળવા માંડી. તેને પૂછ્યું કે ‘તારો પ્રેમી કોણ છે?’ તો બોલી ‘તેને તો મેં કદી જોયો જ નથી! છ-સાત મહિના અગાઉ ઈન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને અત્યાર સુધીમાં તેની જોડે કેવળ વોઈસ કૉલ પર જ વાતચીત થયેલી છે. તે લંડનમાં રહે છે અને ઉત્તર પ્રદેશમાં મોટી ફેક્ટરી ચલાવે છે!’ દરમિયાન, આ યુવતીના ફોન પર તથાકથિત પ્રેમી અને પોલીસના ફોન આવતાં 181ની ટીમે પૂછ્યું કે ભાઈ, તને કયા એરપોર્ટ પર પોલીસે પકડ્યો છે? તો પ્રેમી પોલીસને ઊંઠા ભણાવવા માંડ્યો કે ‘મને ગુજરાત એરપોર્ટ પર પોલીસે પકડ્યો છે!’
પોલીસના નામે ઊઘરાણાં કરતાં અન્ય શખ્સને પૂછ્યું તો તેણે કહ્યું કે ‘ગુજરાત બોર્ડર એરપોર્ટ પોલીસમાંથી બોલું છું!’
તેમના નંબર ચેક કરાવતાં સ્પષ્ટ થયું કે તે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક પરથી કરાતો ભ્રામક વિદેશી ફોન નંબર છે.
કાલ્પનિક વિશ્વમાં વિહરતી યુવતીને માંડ સમજાવી
પ્રેમીએ યુવતીને લાલચ આપેલી કે તે લંડનથી તેને અને તેના બાળકોને લેવા માટે પ્લેનમાં ગુજરાત આવ્યો છે. માતા પિતા તેને વહુ બનાવવા ખૂબ ઉત્સુક છે અને તેના માટે દોઢ લાખ રૂપિયાની ભેટ સોગાદ પણ સાથે મોકલી છે.
ગરીબાઈમાં જીવતી યુવતી સોશિયલ મીડિયા પરની વૈભવી લાઈફ સ્ટાઈલની રીલ્સ જોઈને પોતે પણ કાલ્પનિક વિશ્વમાં વિહરવા માંડેલી. પ્રેમી જોડે પ્લેનમાં ઉડવાના, લંડનમાં ફરવાના સપનાં જોતી થઈ ગયેલી.
તેનો પ્રેમી અને પોલીસ બેઉ ફ્રોડ છે તેવું ઠસાવીને યુવતીને હકીકતની ધરતી પર લાવવા માટે કાઉન્સેલર નિરુપાબેનને નવ નેજાં પાણીમાં ઉતરવું પડ્યું!
ને.. પતિ પાસે STનું ટિકિટ ભાડું પણ ન્હોતું!
યુવતીના પતિને ફોન કરીને જાણ કરાઈ. હકીકત જાણીને પતિ પત્નીની ભૂલને માફ કરી પરત પોતાની સાથે લઈ જવા સંમત થયો. વરવી હકીકત એ હતી કે પતિ પાસે પત્ની બાળકોને ગાંધીધામથી ભચાઉ એસટી બસમાં લઈ જવાના ટિકિટ ભાડા જેટલા પણ પૈસા ન્હોતા! છેવટે 181ની ટીમ આ યુગલને પોતાના વાહનમાં ભચાઉ ખાતે મૂકી આવેલી.
Share it on
|