click here to go to advertiser's link
Visitors :  
10-Sep-2026, Thursday
Home -> Kutch -> Did IAS Singham-style illegal mining raid dodge stones Delayed complaint sparks questions
Thursday, 10-Sep-2026 - Bhuj 1082 views
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) લખપત તાલુકાના મુરચબાણ ગામની સીમમાં ગેરકાયદે થઈ રહેલાં ખનિજ ખનન પર ‘સિંઘમ સ્ટાઈલ’માં મધરાતે રેઈડ કરવા જતાં નખત્રાણાના યુવાન પ્રાંત અધિકારી પથરાં ખાતાં માંડ બચ્યાં છે. આ દરોડા અને તેને સંલગ્ન પોલીસ ફરિયાદ અન્વયે અમુક સવાલો ઉઠ્યાં છે.
જાણો, ચોથી સપ્ટેમ્બરની મધરાતે શું બનેલું

બાતમીના આધારે ચોથી સપ્ટેમ્બરની મધરાતે દોઢ-બે વાગ્યે નખત્રાણાના પ્રાંત અધિકારી IAS ઉત્કર્ષ ઉજ્જવલ તેમના ડ્રાઈવર ભીમા રબારી સાથે ગાડી લઈને મુરચબાણ સીમમાં દોડી ગયેલાં. સ્થળ પર હિટાચી મશિન અને ટ્રકો પડ્યા હતા. બેન્ટોનાઈટનું ખનન થતું હતું. ઉત્કર્ષ ઉજ્જવલે સ્થળ પર હાજર રાજુ રબારી, લાખુભા જાડેજા અને એક અન્ય અજાણ્યા શખ્સને પોતાની પ્રાંત અધિકારી તરીકે ઓળખાણ આપીને તેમની પાસે ખનિજ ખનન અને ટ્રાન્સપોર્ટેશન માટેના આધાર પુરાવા માગ્યા હતા.

ત્રણે જણ પાસે આવા કોઈ આધાર પુરાવા નહોતા. ત્રણે જણ ઉશ્કેરાઈને અપશબ્દો બોલીને છૂટ્ટાં પથ્થરો મારવા માંડેલાં. જો કે, તેમાં કોઈ ઈજા કે ગાડીને નુકસાન થયું નહોતું.

બનાવ બાદ પ્રાંત અધિકારીએ મધરાતે બે વાગ્યે દયાપર મામલતદાર નવીનભાઈ મારુને ફોન કરી ટીમ સાથે સ્થળ પર બોલાવ્યાં હતા.

FIR નોંધાવવામાં પાંચ દિવસ કેમ વીતી ગયાં?

ઘટના ચોથી સપ્ટેમ્બરની મધરાતે બની હતી. ખનિજ ચોરોએ પથ્થરમારો કર્યો તે અંગે મામલતદારે છેક પાંચમા દિવસે એટલે નવમી સપ્ટેમ્બરની સાંજે વિધિવત્ ફરિયાદ નોંધાવી! પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ ૨૦૨૩ની ગુજરાત કેડરના IAS છે.

મૂળ બિહારના પટણાના વતની અને ગુવાહાટી IITમાંથી અભ્યાસ કરનાર ઉત્કર્ષ ઉજ્જવલને એટલી તો ખબર જ હશે કે કોઈપણ ‘કોગ્નિઝેબલ ઓફેન્સ’ બને તો સંબંધિત પોલીસ મથકે તત્કાળ જાણ કરી ફોજદારી ફરિયાદ નોંધાવવી પડે.

આ કેસમાં તેમણે દયાપર મામલતદારને ફરિયાદ નોંધાવવા અધિકૃત કર્યાં હોઈ મામલતદારે ફરિયાદ નોંધાવી છે. શું આ પ્રક્રિયામાં પાંચ દિવસ વીતી જાય? રામ જાણે..!

પોલીસને સાથે રાખીને શા માટે રેઈડ ના કરી?

બાતમી મળ્યાં બાદ IAS ઉજ્જવલે પોતાની ગાડીના ડ્રાઈવર સાથે સ્થળ પર દોડી જઈને રેઈડ કરેલી. સામાન્ય રીતે સરકારી વિભાગો ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય અને સમય સંજોગ સાનુકૂળ ના હોય તો પોલીસને સાથે રાખીને દરોડો પાડતાં હોય છે.

ખાણ ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વૉડ પણ દરોડા વખતે વિભાગના સિક્યોરીટી ગાર્ડ રાખતી હોય છે.

સંભવ છે કે પોલીસ આ ખનિજ ચોરી સામે આંખ આડા કાન કરતી હોવાની તથા તેને જાણ કરવાથી ગુપ્ત બાતમી ખનિજ ચોરો સુધી લીક થઈ જવાની આશંકાના કારણે પ્રાંત અધિકારીએ પોલીસને જાણ ના કરી હોય. પરંતુ, સ્થળ પર પહોંચીને ખનિજ ચોરીનો પર્દાફાશ કર્યાં બાદ તથા પથ્થરમારો થયાં બાદ તેમણે પોલીસને શા માટે જાણ ના કરી તે એક મોટો સવાલ છે.

ફરિયાદી મામલતદાર બનાવ બાદ ત્યાં આવેલાં

ફરિયાદમાં જણાવ્યા મુજબ પથ્થરમારાની ઘટનામાં પ્રાંત અધિકારી કે તેમના ડ્રાઈવરને તસુભાર ઉઝરડો થયો નથી. તેમની ગાડીને જરાસરખો સ્ક્રેચ પડ્યો નથી. અમુક જાણકારો તો પથ્થરમારાની વાત જ ઉપજાવી કઢાયેલી હોવાની ગોસિપ કરે છે. આવી ગોસિપને જૂઠ્ઠી માનીને ખનિજ ચોરી અટકાવવા અંગે પ્રાંત અધિકારીની તત્પરતા અને પ્રતિબધ્ધતાને પ્રાધાન્ય આપીએ તો પણ સવાલ તો એ ઊભો રહે છે કે જે મામલતદારે ફરિયાદ નોંધાવી છે તે મામલતદાર તો બનાવ બન્યાં બાદ ત્યાં આવેલાં.

માત્ર સાંભળેલી વાતના આધારે ફરિયાદ ટકશે?

ફરિયાદી મામલતદાર બનાવ સમયે હાજર નહોતા. તેમણે બનાવ નજરે જોયેલો નથી કે ના કોઈ આરોપીને નજરે જોયેલો. ત્યારે કૉર્ટમાં આ ફરિયાદ સ્વતંત્ર અને પ્રત્યક્ષ પુરાવા વગર કેવળ ફરિયાદી મામલતદારે માત્ર પ્રાંત અધિકારીએ કહેલી અને તેમણે સાંભળેલી વાત (hearsay)ના આધારે કેટલી ટકશે? પ્રાંત અધિકારીએ ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા પોતાના ડ્રાઈવરને શા માટે ફરિયાદ નોંધાવવા સૂચના ના આપી? કચ્છખબરે આ સવાલો અંગે ઉત્કર્ષ ઉજ્જવલનો પ્રત્યુત્તર મેળવવા વારંવાર ફોન કૉલ કર્યાં, મેસેજ કર્યાં પણ કશો પ્રતિભાવ સાંપડ્યો નથી. 

Share it on
   

Recent News  
અંજારની મિસ્ત્રી બોર્ડિંગના યુવાન પ્રમુખનો હોસ્ટેલના ક્લાસ રૂમમાં ઝેર પીને આપઘાત
 
નજીવી વાતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ નાનપણના મિત્રએ જ મિત્રને પથરો મારી પતાવી દીધો
 
રેલવે પ્લેટફોર્મ પર બાઈક સ્ટંટની રીલ બનાવતાં યુવકોને અટકાવાતાં તોડફોડ, હુમલો