|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલા નજીક ગત ૧૭ ઑગસ્ટના રોજ બાઈક પરથી પડી જવાથી જેનું મોત થયું હોવાનું જાહેર કરાયેલું તે મોહનભાઈનું મોત ખરેખર ફેબ્રિકેશનની કામગીરી સમયે ૩૦ ફૂટ ઊંચેથી નીચે પટકાવાથી થયું હતું. પોલીસની સઘન તપાસમાં સત્ય બહાર આવ્યા બાદ કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્ય વધ અને ખોટી માહિતી જાહેર કરવા બદલ કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. કિડાણામાં રહેતા ૩૯ વર્ષિય ફરિયાદી અશોકભાઈ દેવજીભાઈ ભોઈયાના મોટા ભાઈ મોહન ભોઈયા અંજારના નિલેશભાઈ ધનજીભાઈ બાંભણિયા (સોરઠીયા) પાસે ફેબ્રિકેશનનું કામ કરતા હતા.
૧૭ ઑગસ્ટની સવારે નિલેશે મોહનના પુત્રને જાણ કરેલી કે એક્સિડેન્ટમાં તેના પિતાને ગંભીર ઈજા થઈ છે.
મોહનભાઈનો પુત્ર અને નાના ભાઈ સહિતના સ્વજનો હોસ્પિટલે દોડી ગયેલાં. કમર સહિતના ડાબા પડખે ગંભીર ઈજાના લીધે મોહનભાઈને રામબાગથી જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયાં હતા અને થોડાંક કલાકો બાદ સાંજે ચાર વાગ્યે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
નિલેશે મરનાર મોહનભાઈના પરિવારજનો અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સમક્ષ એવું જાહેર કરેલું કે પોતે વાહન લઈને જતો હતો ત્યારે મોહનભાઈ તેની પાછળ બેઠાં હતા. અકસ્માત થતાં મોહનભાઈ નીચે પડી જતા ઘવાયાં હતા.
ઈજાની ગંભીરતા જોતાં વાહન પરથી પડી જવાથી આવી ઈજા થાય તે કોઈને ગળે ઉતર્યું નહોતું.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સઘન તપાસ કરતાં નિલેશે કબૂલ્યું હતું કે હકીકતમાં મોહનભાઈનું મોત ૩૦ ફૂટ ઊંચેથી પટકાવાથી થયું હતું.
ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગના ગોડાઉન નંબર-5માં પિલર પર ચઢીને મોહનભાઈ લોખંડની કેચી કાપી રહ્યાં હતા. તે સમયે ૩૦ ફૂટ ઉપરથી કેચી સહિત મોહનભાઈ નીચે પટકાતાં ગંભીર ઈજાઓ થઈ હતી.
સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો
ફેબ્રિકેશનનું કામ જોખમી હોવાનું અને તેમાં માણસનું મૃત્યુ નીપજી શકે તેવું હોવાનું જાણવા છતાં નિલેશે બેદરકારી દાખવીને, સેફ્ટી બેલ્ટ, પ્લેટફોર્મ, ગાર્ડ રેલ જેવા કોઈ જ સુરક્ષા સાધનોની વ્યવસ્થા કર્યા વગર મોહન પાસે કામ કરાવતાં આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. પોતાની બેદરકારી છૂપાવવા નિલેશે એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હોવાની ખોટી હકીકતો જાહેર કરેલી. ઘટના કંડલા મરિન પોલીસની હદમાં બની હોવાનું સ્પષ્ટ થયાં બાદ મોહનના નાના ભાઈ અશોક ભોઈયાએ કંડલા મરિન પોલીસ મથકે નિલેશ વિરુધ્ધ BNSની કલમ ૧૦૫ અને ૨૧૬ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
Share it on
|