કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના એન્કરવાલા અહિંસાધામના નંદી સરોવરમાં કથા કરી રહેલાં જાણીતા રામાયણી કથાકાર મોરારિબાપુએ કથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ પરથી નારાજગી વ્યક્ત કરી મોઘમમાં દલાલો પર પ્રહારો કર્યાં હતા.
Video :
આયોજકો પાસેથી એક પૈસો લીધા વગર કથા કરતાં મોરારિબાપુ વિશે ‘નાણાં લઈ કથા કરતાં હોવાની’ કચ્છમાં અમુક લોકો વાતો ફેલાવતાં હોવાનું ધ્યાને આવતાં બાપુએ કડક શબ્દોમાં નારાજગી દર્શાવી ચાબખાં માર્યાં હતા.
વ્યાસપીઠ પરથી તેમણે કહ્યું હતું કે, ‘દલાલો તમે મુંબઈ જઈ દલાલી કરજો..તલગાજરડામાં તમે ઉઘાડા પડી જશો અને એ મને નહીં ગમે’ આમ કહીને બાપુએ મોઘમમાં જ એ દલાલોને કડક સંદેશ આપી દીધો હતો! તેમણે જણાવ્યું કે, ‘કચ્છમાં ચાર-પાંચ વરસે કથા યોજાતી હોઈ અમુક લોકો આવી ભ્રમણાઓ ફેલાવે છે. બાકી પોતે આયોજક સાથે જ કથાના આયોજન અંગે સીધી વાત કરે છે, કોઈ વચેટિયા કે પીએ રાખ્યા જ નથી અને એક પૈસો લીધા વગર કથા કરે છે. પોતે કથાસ્થળે આવવા-જવાનું ભાડું પણ નથી લેતાં’ કથામાં ચોખવટ કરતા બાપુએ ઉમેર્યું હતું કે ‘હું તમારું પાણી’ય પીતો નથી ને જે પૃથ્વી પર રહું છું એ પણ મારી જ છે. અહિંસાધામ એ તમારી જગ્યા છે? દસ્તાવેજ તમારે નામ છે, છે તો મારી જ.’