કચ્છખબરડૉટકોમ, ભુજઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવની કચ્છમાં ભક્તિભાવ સાથે ઉજવણી થઈ હતી. રામનવમીએ સમગ્ર જિલ્લામાં પૂજન, મહાઆરતી, બાઈક રેલી, બેન્ડપાર્ટી સાથે શોભાયાત્રા, મહાપ્રસાદના આયોજન થયા હતા. જિલ્લામથક ભુજમાં હમીરસરના કાંઠે રઘુનાથજી મંદિરે શોભાયાત્રા, રામ જન્મોત્સવ, આરતી, સત્સંત, સાયં મહાઆરતીનું આયોજન થયું હતું જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ભુજમાં હિંદુ યુવા સંગઠન સહિતની ભગિની સંસ્થાઓના નેજા તળે વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. જે આખા શહેરમાં ઘુમી વળતાં ઠેર ઠેર કેસરીયો રંગ અને જય જયશ્રી રામનો નાદ છવાઈ ગયો હતો. અંદાજે એક હજાર જેટલાં બાઈકસવારો રેલીમાં જોડાયાં હતા. રેલી સંપન્ન થયા બાદ રામધૂન ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. રેલીમાં વિશ્વ હિંદુ પરિષદ કચ્છના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, હિંદુ યુવા સંગઠન ભુજના અધ્યક્ષ પ્રકાશ ગોર, ઉપાધ્યક્ષ હાર્દિક જોશી, વીએચપી ભુજના પ્રમુખ જયપાલસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ નીલ રબારી, બજરંગ દળ ભુજના અધ્યક્ષ મીત ગોર અને માંડવીના અધ્યક્ષ વિરમ રબારી, હિંદુ યુવા સંગઠન અંજારના અધ્યક્ષ હરિ આહીર અને સામખિયાળીના અધ્યક્ષ જયદિપ દવે, વીએચપી અંજારના રાણાભાઈ આહીર તેમજ ભીલ સમાજના અધ્યક્ષ રાજુભાઈ ભીલ સહિતના હોદ્દેદારો-કાર્યકરો જોડાયાં હતા અને સમગ્ર ઉજવણીને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Share it on
|