કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા છતરડી તળાવ ખાતે આયોજિત વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના બીજા દિવસે મહા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. રક્તની જરૂરિયાતવાળા અનેક લોકોને નવજીવન મળી રહે તે હેતુથી આ શિબિર યોજાઈ હતી. વચનામૃત એટલે જેનો એક એક શબ્દ અમૃત સમાન છે અને અમૃતની જેમ તેના શરણમાં આવેલા દરેક જીવમાત્રની સદવૃત્તિને પોષી તેનામાં રહેલા વિકારોને દૂર કરે છે. રક્તદાન યજ્ઞનું દિપપ્રાગટ્ય પુરાણી સ્વામીશ્રી હરિદાસજી, સ્વામીશ્રી બાલકૃષ્ણદાસજી આદિ સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. HDFC બેન્ક અને GK જનરલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મંદિરના સ્વયંસેવકો સાથે હોસ્પિટલના લેબ ટેકનિશિયન, જૂનિયર અને સિનિયર ડૉક્ટર સહિત 25 કર્મચારીઓએ સેવા આપી હોવાનું બ્લડ બેન્કના કાઉન્સિલર દર્શન રાવલે જણાવ્યું હતું. મોડી સાંજ સુધી શિબિર ચાલુ રહી હતી જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત 800 લોકોએ રક્તદાન કર્યું હતું અને 2.80 લાખ સીસી રકત એકત્ર થયું હતું. મહંત ધર્મનંદનદાસજી, પાર્ષદ સ્વામી જાદવજી ભગતના માર્ગદર્શન તળે સંતોની ટીમ અને કાર્યકર્તાઓ કાર્યને સફળ બનાવી રહ્યા હોવાનું દેવચરણસ્વામીએ જણાવ્યું હતું વચનામૃત મહોત્સવ પ્રસંગે આવતીકાલે 2 ડિસેમ્બરની રાત્રે 8.30 કલાકે ભુજ મંદિર સંચાલિત ગુરુકૂળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 3 ડિસેમ્બરના રાત્રે 8.30 કલાકે સંતો દ્વારા ભજનનું આયોજન કરાયું છે. 4 ડિસેમ્બરના સવારે 9 કલાકે લાલજી મહારાજનું આગમન થશે. તેમના હસ્તે સ્વામિનારાયણ ઔષધાલયનું ઉધઘાટન કરાશે. મહોત્સવની આવકમાંથી આયુર્વેદિક ઔષધાલય વિકસાવવા પાછળ ઉપયોગ થશે. ઉત્સવમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યાં છે.
રવિવારે 25 હજાર ભક્તો ઉમટ્યાં
આજે રવિવારના દિવસે 25 હજાર ભાવિકોએ મગદાળના શીરા, બુંદીના લાડુ, ખમણ, દાળ-ભાત, ખીચડી, ગાંઠિયા સહિતની વાનગીના મહાપ્રસાદનો લાભ લીધો હતો. વચનામૃત જ્ઞાન યજ્ઞના આજે બીજા દિવસે પ્રથમ સત્રમાં શાસ્ત્રી સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીએ બહુ જ સરળ અને વ્યવહારુ શૈલીમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્યની સમજ આપી હતી. વૈરાગ્યની વાત વચનામૃતમાં વારંવાર કહેવામાં આવી છે. ત્યાગ એટલે છોડવું અને વૈરાગ્ય એટલે કંઈપણ છોડ્યા વિના તેમાં બંધાવું નહી. જગતના પદાર્થો જેમને જોઈતા હોય તેમને વૈરાગ્યની જરૂર નથી પરંતુ જેણે જગતનું સર્જન કર્યું તે સર્જનહાર સુધી પહોંચવું હોય તેમને વૈરાગ્યની જરૂર છે. વચનામૃત મહોત્સવમાં સેવા આપનાર હરિભક્તોને મહોત્સવની સ્મૃતિરૂપે ચાંદીના સિક્કા ભેટ અપાશે. આ સિક્કાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથોસાથ શ્રીમદ્દ ભાગવત મહાપુરાણના બે ભાગનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
10 ડિસેમ્બરે ભેડિયાબેટ હનુમાન મંદિરનું લોકાર્પણ
આ પ્રસંગે ભુજ મંદિરના ટ્રસ્ટી ધર્મચરણદાસજીસ્વામીએ વૃક્ષારોપણ કરવાની અને પ્લાસ્ટિકના ઝબલાનો ત્યાગ કરવાની અપીલ કરી હતી. આ તકે કોઠારી દેવપ્રકાશસ્વામીએ જણાવ્યું હતું કે 1962 જયારે યુદ્ધ થયું ત્યારે ભેડિયાબેટ ખાતે સૈનિકોને ભોજન ભુજ મંદિર દ્વારા પહોંચાડવામાં આવતું હતું. ભેડિયાબેટ હનુમાન મંદિરનું લોકાર્પણ 10 ડિસેમ્બરના મહંત સ્વામી અને મહારાજશ્રીના હસ્તે કરવામાં આવશે. આ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ અને કબીર મંદિરના મહંત કિશોરદાસજી ઉપસ્થિત રહ્યા હતા. સદગુરુ સંતો દ્વારા આ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદે પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે, સમાજલક્ષી કોઈપણ કાર્ય હોય તેમાં ભુજ મંદિર અને સંતોનો સાથ સહકાર મળતો જ રહે છે. બીજા સત્રમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી સ્વામી શ્રીરંગદાસજીએ વચનામૃત જ્ઞાન સાગરમાં વાસના શું છે અને વાસના ટાળવાનો ઉપાય શું છે તેની વિવિધ દ્રષ્ટાંતો સાથે છણાવટ કરી હતી. ગોપાલાનંદ સ્વામીએ સંસ્કૃતમાં લખેલી શ્રીમદ્દ ભાગવત ગીતાની ભુજ સ્વામિનારાયણ મંદિરે પ્રકાશિત કરેલી ગુજરાતી આવૃત્તિનું સંતોના હાથે વિમોચન કરવામાં આવ્યું હતું. બીજા સત્રના અંતે શાસ્ત્રી દેવકૃષ્ણદાસજીએ ભગવાનના માહાત્મ્ય વિશે અને સત્સંગ વિશે હરિભક્તોને સમજ આપી હતી.
Share it on
|