ઈતિહાસમાં પહેલીવાર મા આશાપુરાએ તમામ પતરીનો પ્રસાદ ઝોળીમાં ધરી દીધો, જૂઓ એ ઘડી
Video :
કચ્છખબરડૉટકોમ, ભુજઃ લખપતમાં બિરાજતાં અને કચ્છની આસ્થાના કેન્દ્ર માતાના મઢ ખાતે પવિત્ર ‘પતરી વિધિ’ સાથે નવરાત્રિ મહોત્સવની આસ્થા અને ઉલ્લાસમય માહોલ વચ્ચે પૂર્ણાહૂતિ થઈ છે. ગઈકાલે સાંજે જાગીરના અધ્યક્ષ રાજાબાવાના હસ્તે હવનમાં બીડું હોમાયાં બાદ આજે સવારે રાજપરિવારના સદસ્ય ઈન્દ્રજીતસિંહજી જુવાનસિંહજી જાડેજાએ નિજ મંદિરમાં પતરી ઝીલી હતી. ચાચરા કુંડથી ઉલટા પગે ચાલતાં જાગરીયાઓના ડાકવાદન સાથે સવારે નવ વાગ્યા બાદ જાડેજાએ નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને માતાજી સામે પોતાના અંગવસ્ત્ર (સેલો)ની ઝોળી ફેલાવી પતરી ઝીલી હતી.
ઈતિહાસમાં પહેલીવાર માતાજીએ એકસાથે તમામ પતરીનો પ્રસાદ ધર્યો
જાગરીયાના ડાકલાવાદન, મંદિરની જાલર અને ઘંટારવના અલૌકિક-અવર્ણનીય-પવિત્ર એકરૂપ નાદ વચ્ચે ઈન્દ્રજીતસિંહજીએ માતાજી સમક્ષ પતરીનો પ્રસાદ ઝીલવા માટે ઝોળી ફેલાવી હતી અને થોડી મિનિટોમાં માતાજીએ એકસાથે પતરીનો તમામ પ્રસાદ તેમની ઝોળીમાં ધરી દીધો હતો. માતાજીએ એકસાથે પતરીનો તમામ પ્રસાદ ધરી દીધો હોય તેવી આજની ઘટના ઐતિહાસિક છે. પતરી એક વિશિષ્ટ સુગંધિત વનસ્પતિ છે. જે આઠમના દિવસે માતાજીના જમણા ખભા પર મુકવામાં આવે છે. રાજપરિવાર દ્વારા મઢમાં થતી વર્ષની આ સૌથી મોટી અને વિશિષ્ટ પૂજાવિધિ છે. સદીઓથી આ પવિત્ર પૂજા પરંપરા કરાય છે. પતરીવિધિ સંપન્ન થયા બાદ કચ્છખબર સાથે વાત કરતાં ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે, દુકાળના કપરાં ટાણે માનવો અને અબોલ જીવો પર મહેર રાખવા તેમણે માને અરજ કરી સમસ્ત માનવજાતના કલ્યાણની પ્રાર્થના કરી છે.
જાગીર અધ્યક્ષ રાજાબાવાએ તેમના હસ્તે પતરી ગોઠવી તે પણ દુર્લભ ઘડી
માતાજીએ જેમ એકસાથે પતરીનો તમામ પ્રસાદ ધરી દીધો તેમ આજે મઢમાં જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે પતરી ગોઠવવામાં આવી હતી. સામાન્ય રીતે પતરીની ગોઠવણી ભુવાદાદા કરતાં હોય છે. પરંતુ, આ વખતે તેમને સૂતક નડ્યું હોઈ જાગીર અધ્યક્ષે તેમના હસ્તે નિજ મંદિરમાં પતરી ગોઠવી હતી. આ ઘડી પણ દુર્લભ છે.
અંદાજે સાડા છથી સાત લાખ ભક્તોએ કર્યાં માના દર્શન
દર વખતની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પ્રારંભ પૂર્વે જ માતાના મઢના દર્શન કરવા લાખ્ખો ભક્તો ઉમટી પડ્યાં હતા. માતાના મઢ જાગીરના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરે જણાવ્યું કે, નવરાત્રિ પર્વ દરમિયાન અંદાજે સાડા છથી સાત લાખ ભક્તોએ મંદિરના દર્શન કર્યાં છે. ખાસ કરીને, ગત રવિવારે સર્વાધિક ભક્તો માના દર્શને ઉમટી પડ્યાં હતા.