કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઈસ્લામ ધર્મના પયંગબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મદિન એટલે ઈદે-મિલાદ. કચ્છભરમાં ઈદે-મિલાદ પર્વની મુસ્લિમ સમાજે હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિવિધ શહેરો-વિસ્તારોમાં જૂલુસ નીકળ્યાં હતા. ભુજમાં ભીડ નાકા પાસેથી આયોજીત જૂલુસમાં સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને સર્વે મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી પાઠવી હતી. પયંગબર સાહેબના જયઘોષ સાથે નીકળેલું જૂલુસ ભુજના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયું હતું. કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે જૂલુસના આયોજકો દ્વારા અબોલ જીવોના ઘાસચારા માટે લાખ્ખો રૂપિયાનું દાન એકત્ર કરાયું હતું. બીજી તરફ, મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમાના પરિવારે ઈદે મિલાદના પર્વ નિમિત્તે આદિપુરની રામબાગ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને દર્દીદીઠ પાંચસો-પાંચસો રૂપિયાની રોકડની ભેટ આપી ઉજવણી કરી હતી. રાયમાએ જણાવ્યું કે, પયંગબર સાહેબે પોતાની જિંદગીમાં હમેશા ગરીબ, લાચાર અને યતીમોની સેવા કરી હતી અને એ જ આ પર્વનો સાચો સંદેશ છે.
Share it on
|