કચ્છખબરડૉટકોમ, ભુજઃ અષાઢી બીજના પાવન પર્વે ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા સતત છઠ્ઠા વર્ષે ભુજમાં જગનન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાની વિશિષ્ટતા એ છે કે, જે રીતે ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે અહીં પણ આબેહૂબ તેવો જ રથ અને દેવની મૂર્તિઓ તેમાં બિરાજમાન કરાય છે. આ વખતની રથયાત્રાની વધુ એક વિશેષતા એ છે કે, આ વર્ષે મહિલાઓ માટે એક અન્ય રથ તૈયાર કરાયો છે. તે રથની પૂજાવિધિથી માંડીને સમગ્ર રથયાત્રા દરમિયાન આ રથને માત્ર મહિલાઓ ખેંચશે. તેમાં છાત્રાઓ અને જુદા જુદા સમાજની રાસમંડળીઓ જોડાશે. કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાતા અષાઢી બીજે અન્ય નગરોની જેમ ભુજમાં શરૂ થયેલી રથયાત્રાની પરંપરા શહેરીજનોમાં આકર્ષણ અને ઉત્સવનો માહોલ સર્જી રહી છે. મહાદેવ ગેટથી રથયાત્રાનો પ્રારંભ થશે અને હમીરસર, બસ સ્ટેશન, વીડી હાઈસ્કુલ, જ્યુબિલી સર્કલ થઈ સ્વામિનારાયણ મંદિરે પહોંચશે. રથયાત્રા મહોત્સવને લઈ મહોત્સવ સમિતિના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, કોઠારી સ્વામી શુકદેવસ્વરૂપદાસજી, સ્વામી દિવ્યસ્વરૂપદાસજી, ધર્મસ્વરૂપદાસજી, નરનારાયણસ્વરૂપદાસજી, હરિપ્રસાદદાસજી, દેવનંદનદાસજી વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. કોઠારી સ્વામી જાદવજી ભગતે જણાવ્યું કે, રથયાત્રાને લઈ ભુજ શહેર અને આસપાસના ગામડાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. કચ્છ શ્રીનરનારાયણદેવ યુવક મંડળના અઢીસોથી ત્રણસો યુવકો યાત્રાના સેવાકાર્યમાં જોડાશે. ચોથી જૂલાઈના રોજ મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સ.ગુ.સ્વામી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત આદિ સંતો અને સામાજિક આગેવાનોની હાજરીમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે.
Share it on
|