કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોરોના મહામારીની બીજી લહેરમાં દેશભરમાં ઑક્સિજનની તીવ્ર અછત સર્જાઈ હતી અને અગણિત દર્દીઓએ ઓક્સિજન વિના દમ તોડી દીધો હતો. જેના પગલે દેશની અનેક સ્વૈચ્છિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ લોકસેવા માટે આગળ આવી છે. અબુધાબીના BAPS મંદિર દ્વારા કચ્છને આવી જ એક મહત્વની મદદ કરવામાં આવી છે. ભુજમાં આવેલી જી.કે. જનરલ અદાણી હોસ્પિટલને મંદિર વતી 22 ટનની ઓક્સિજનની ટેન્ક અર્પણ કરવામાં આવી છે.
અબુધાબીથી મુંદરા બંદરે આવી પહોંચેલી આ ટેન્કને ભુજમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોસ્પિટલને અર્પણ કરાઈ હતી. તો, વધુ પાંચ ઓક્સિજન કોન્સનટ્રેટર પણ હોસ્પિટલને અર્પણ કરાયાં હતા. વિવેકમંગલ સ્વામીએ વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા-વિધિ કર્યા હતા. અબુધાબીના મંદિર દ્વારા ભુજ ઉપરાંત જામનગર, મોરબી, પાટણ અને પાલનપુર હોસ્પિટલમાં પણ આવી ઓક્સિજન ટેન્ક અર્પણ કરાઈ છે. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દિ વર્ષમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વૈશ્વિક સ્તરે વિવિધ સેવાકાર્યો અવિરત ચાલી રહ્યાં છે. સંસ્થાના વિદ્વાન સંતો અને સમર્પિત હરિભક્તો સમાજના સંકટ સમયે મદદરૂપ થવા મેડિકલ, ભોજન, રાહતસામગ્રી પૂરી પાડવા સતત સક્રિય છે. કચ્છની જનતા માટે આવી સહાય વિશેષ હૂંફ પૂરી પાડશે અને મદદરૂપ થશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ભુજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય, ભુજ પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, મેડિકલ કૉલેજના ડીન ડૉ.એ.એન.ઘોષ, સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ભાદરકા, અધિક કલેક્ટર કુલદિપસિંહ ઝાલા વગેરે મહાનુભાવો હાજર રહ્યાં હતા. મંદિરના કોઠારી વિવેકમંગલ સ્વામીના માર્ગદર્શનમાં સરકારી ગાઈડલાઈન મુજબ કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.
Share it on
|