કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના ઈતિહાસમાં આજે સૌપ્રથમવાર પારિવારિક સામુહિક બૌધ્ધ ધર્મ દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં અનુસૂચિત જાતિ અને બક્ષીપંચના વિવિધ યુગલો, તેમના સંતાનો સહિત કુલ 112 લોકોએ બૌધ્ધ ધર્મનો અંગિકાર કર્યો હતો. બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા ભુજના કોમર્સ કોલેજ રોડ પર રાજપુત સમાજવાડી નજીક દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં કચ્છ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરના દીક્ષાર્થીઓ પણ જોડાયાં હતા. સમારોહમાં કચ્છનાં બૌદ્ધ ધર્મગુરુઓ ઉપરાંત મુસ્લિમ, શીખ, કબીરપંથ, બારમતી પંથ, નિંજાર પંથ વગેરે અન્ય ધર્મોના ધર્મગુરુઓએ પણ હાજરી આપી હતી. સૌ ધર્મગુરુઓએ આ પ્રસંગે નવદીક્ષિતોને ધર્મમાં રહેલી માનવતા પર ભાર મુકવા કહ્યું હતું. બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહની શરુઆત પરંપરાગત રીતે ત્રિવિધ અર્પણ, ત્રિશરણ, પંચશીલ, વિધાયક પંચશીલ ધમ્મચારિણી અનોમસુરી વગેરે શપથ સાથે લેવડાવાઈ હતી. સમારોહના અધ્યક્ષ અને ગુજરાતના વરિષ્ઠ ધમ્મચારી રત્નાકરજીએ દીક્ષાર્થીઓને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. પ્રાસંગિક વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આજનાં જ દિવસે ૧૪/૧૦/૧૯૫૬ના રોજ નાગપુર ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પોતાના 5 લાખ જેટલાં અનુયાયીઓને ૨૨ પ્રતિજ્ઞા સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે બાબાસાહેબ માનવતાવાદી હતા. જે રીતે ધર્મને આધાર બનાવીને અસ્પૃશ્યતા અને હિંસા ફેલાવાય એ જ પ્રકારે ધર્મના આધારે માનવતાવાદ ફેલાવી શકાય અને બૌદ્ધ ધમ્મના કેન્દ્રમાં જ માનવતા હોઈ બૌદ્ધ ધમ્મના ફેલાવાથી માનવતાને લાભ થશે તેવી આદર્શ ભાવના સાથે બાબાસાહેબે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. આ ઉપરાંત તેમણે ભન્તે સંઘરક્ષિત અને બાબા સાહેબની ધાર્મિક ક્રાન્તિ વિશેનુ મહત્વ સમજાવ્યું હતું. દીક્ષાવિધિ સમારોહમાં ધમ્મચારી આનંદ શાક્ય, ધમ્મચારી મિત્રસેન, ધમ્મચારી અમૃતભદ્ર સહયોગી બન્યા હતા. ભંતે મંગલમબોધિએ નવ દીક્ષિત બૌદ્ધોને આશિર્વાદ ગાથા સાથે શુભેચ્છા પાઠવી હતી. સમારોહના આયોજન માટે બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિના કન્વિનર ખેતશી મારુ, વનિતાબેન મહેશ્વરી, મોહનભાઈ જાદવ, બ્રિજેશભાઈ કોલી, દિનેશ મારવાડાએ યોગદાન આપનાર સહુ નો આભાર માન્યો હતો. આ પ્રસંગે, કાળુભાઇ મૌર્યએ દરેક દીક્ષાર્થીઓને "બુદ્ઘ વંદના સુત્ત સંગ્રહ" પુસ્તિકા દાન આપી હતી. કાર્યક્રમનું સંચાલન જેમલ હર્ષ અને અરવિંદ મહાબોધિએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્દ્રભાઈ બૌદ્ધ, હિરજીભાઈ સીજુ, ગૌતમ પ્રિયદર્શી, વિના બૌદ્ધ, મણિલાલ અબચુંગ, કુમારજય શાક્ય, ધવલ મહાબોધી, માવજી મહેશ્વરી, મનજી મહેશ્વરી વગેરેએ જહેમત ઉઠાવી હતી. ધમ્મ પાલન ગાથના સંગાયન સાથે સમારોહનું સમાપન કરાયું હતું.
Share it on
|