કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં રેંકડી પર ફળોનું છૂટક વેચાણ કરતા અનુસૂચિત જાતિના ૪૦ વર્ષિય યુવકે આભડછેડથી કંટાળીને ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઈ છે.
Video :
આ યુવકે ઝેરી દવા પીતાં પહેલાં જારી કરેલા વીડિયોમાં પોતાની સાથે રખાતી આભડછેટ મામલે પોલીસે કોઈ જ પગલાં ના ભર્યાં હોવાનો ગંભીર આરોપ કર્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને રાપર પોલીસને કરેલી અરજીમાં રાપરના ખડીવાસમાં રહેતા નવીન રામજી ઘેયડા નામનો યુવકે આરોપ કર્યો છે કે તે બસ સ્ટેશન પાસે ફળોની લારી ચલાવે છે.
તેની બાજુમાં ફળોનું છૂટક વેચાણ કરતો અનિલ ભવન રજપુત (ખવાસ) તેને ત્યાં આવતા ગ્રાહકોને એમ કહીને ભરમાવે છે કે તે નીચી જાતિનો છે અને તેની પાસેથી અભડાયેલા ફળ ખરીદશો તો હોમ હવનમાં કામ નહીં આવે.
બીજી તરફ, વાયરલ વીડિયોમાં આ યુવક એમ કહેતો જણાય છે કે ચાર મહિના અગાઉ તેણે રાપર પોલીસ મથકમાં આ મામલે મંગિલસિંહ અને અનિલ સામે ફરિયાદ અરજી આપેલી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. મામલે શું થયું તે જાણવા પોલીસ મથકે ફોન કરેલો પણ કોઈ જવાબ મળ્યો નહોતો.
મંગલસિંહ પોતાને હોમગાર્ડ દળનો સિનિયર માણસ ગણાવીને તું એસપી, આઈજી જોડે જઈશ તો પણ તારી ફરિયાદ પર કોઈ પગલાં નહીં લેવાય તેવું કહેતો હોવાનું નવીન આરોપ કરે છે.
પોતે દસ દિવસથી ધંધો બંધ કરીને બેઠો હોવાની, છોકરાં ભૂખે મરી રહ્યાં હોવાનું નવીન વીડિયોમાં જણાવી રહ્યો છે.
પોલીસ તરફથી કોઈ પ્રત્યુત્તર નહીં
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં વીડિયો મામલે કચ્છખબરે રાપરના પીઆઈ જે.બી. બુબડીયાનો ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. ભચાઉના ડીવાયએસપી સાગર સાંબડા કે જેમના કાર્યક્ષેત્રમાં રાપર પોલીસ મથક આવે છે તેમને વીડિયો મોકલીને જાણ કરી તો તેમણે જણાવ્યું કે તેઓ હાલ અંબાજીના મેળાના બંદોબસ્તમાં છે, તેમને આ બાબત અંગે કશી ખબર નથી. રાપર પોલીસ મથકના પીએસઓએ જણાવ્યું કે નવીન ધેયડા નામના યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની કોઈ બાબતની જાણ સરકારી હોસ્પિટલેથી થઈ નથી. જો કે, વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આરોપ કરનાર યુવકને મોઢામાં ફીણ સાથે ગંભીર હાલતમાં એમ્બ્યુલન્સમાંથી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો છે.