કચ્છખબરડૉટકોમ, આડેસરઃ કડકડતી ઠંડી વચ્ચે વાગડમાં વધુ એક મંદિર તસ્કરોના નિશાને ચઢતાં માઈભક્તોમાં આક્રોશ વ્યાપી ગયો છે. રાપર તાલુકાના આડેસર ગામે પોલીસ મથકથી પૂર્વે માંડ એક કિલોમીટર દૂર મુરલીધર વાસમાં આવેલા મેલડી માતાના મંદિરમાં ચોરી થઈ છે. તસ્કરો માતાજીના શણગાર માટે વપરાતાં ૬ લાખના મૂલ્યના સોના ચાંદીના આભૂષણો અને સોના ચાંદીના ૨૦ છત્તર ચોરી જતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. ચતુર ચોરો મંદિરમાં રહેલા સીસીટીવી ફૂટેજને રેકોર્ડ કરતું બે હજારનું ડીવીઆર પણ ચોરી ગયાં છે! મંદિરની સેવા પૂજા કરતાં ૭૮ વર્ષિય ભજુભાઈ રબારી પોલીસને જણાવ્યું કે ગત સાંજે સાડા છ વાગ્યે આરતી કરી ત્યારે માતાજીને પહેરાવાયેલાં તમામ આભૂષણો જોવા મળ્યાં હતાં. સૂર્યાસ્ત બાદ તેઓ વાળું કરવા ઘરે ગયેલાં અને પરત રાત્રે નવ વાગ્યે મંદિરે આવીને સૂઈ ગયેલાં.
આજે પરોઢે પાંચ વાગ્યે ઉઠીને મંદિર ખોલવા ગયા ત્યારે મંદિરને મારેલાં તાળાનાં હુક કપાઈ ગયેલાં જોવા મળ્યાં હતાં.
તસ્કરો મંદિરમાંથી માતાજીને પહેરાવેલો અઢી લાખની કિંમતનો સોનાનો હાર અને ઝુમખો, પચાસ હજારની કિંમતની સોનાની ચેઈન અને પેન્ડેન્ટ, પચાસ હજારના મૂલ્યનું સોનાનું પગલું, સોના અને ચાંદીના છત્તર વગેરે મળી છ લાખ રૂપિયાના મૂલ્યના આભૂષણો શણગાર વગેરે ચોરી ગયાં હતાં. સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયાસ કરતાં તસ્કરો ડીવીઆર પણ ચોરી ગયાં હોવાનું સ્પષ્ટ થયું હતું. બનાવ અંગે આડેસર પોલીસે તપાસ હાથ ધરી છે.
Share it on
|