click here to go to advertiser's link
Visitors :  
19-Jun-2025, Thursday
Home -> Bhuj -> Three complaints regarding cyber crime reported in Kutch today
Tuesday, 17-Jun-2025 - Bhuj 7614 views
ટાસ્ક પૂરાં કરી કમાવાના ચક્કરમાં લાકડીયા ને ગાંધીધામના બે યુવકે લાખ્ખો ગુમાવ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મોબાઈલ ઈન્ટરનેટના જમાનામાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં ભારે ઉછાળો આવ્યો છે. ગાંધીધામ અને લાકડીયામાં બે અલગ અલગ બનાવમાં ટાસ્ક પૂરાં કરીને પ્રોફિટ મેળવવાની લાલચમાં બે યુવકોએ લાખ્ખો રૂપિયા ગુમાવ્યાં છે. બીજી તરફ, ભુજમાં સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન શેર ટ્રેડિંગની વિવિધ એપ્લિકેશન તથા વેબસાઈટ્સ ડેવલોપ કરી દુબઈમાં મોકલીને રૂપિયા કમાતાં બે યુવકોની ધરપકડ કરી છે.
ગાંધીધામના યુવકે  ૭.૫૯ લાખ ગુમાવ્યા

ગાંધીધામની નવી સુંદરપુરીમાં રહેતા ૨૩ વર્ષિય સુનિલ પ્રહ્લાદભાઈ પ્રજાપતિ નામના યુવકે ટેલિગ્રામ પર આવેલી લિન્ક મારફતે સાયબર ચીટરોની જાળમાં ફસાઈને ૭.૫૯ લાખ રૂપિયા ગુમાવ્યાં છે. સાયબર ક્રિમિનલોએ ટેલિગ્રામ પર તેને લિન્ક મોકલીને રીલ્સને લાઈક કરવાનું ટાસ્ક આપેલું. એક રીલ્સને લાઈક કરવા બદલ તેને ૬૦ રૂપિયા મળવાનું જણાવેલું. બાદમાં વધુ ને વધુ ટાસ્ક મેળવવા નાણાંનું રોકાણ કરવા અને રોકાણ સામે ૨૦થી ૪૦ ટકા પ્રોફિટ મળવાની લાલચ આપીને તેની પાસે ૭.૫૯ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.

લાકડીયાના યુવકના એક જ દિવસમાં ૨.૪૭ લાખ ગયા

સુનિલની જેમ લાકડીયા નજીક આવેલી એક કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રવિ મનુભાઈ દરજી નામના યુવકે ટેલિગ્રામ પર આવેલી લિન્ક મારફતે સાયબર ચીટરોની જાળમાં ફસાઈને ૨.૪૭ લાખ રૂપિયા ગુમાવ્યાં છે. ચીટરોએ તેને અલગ અલગ ટાસ્ક આપેલાં. વધુ ટાસ્ક મેળવવા માટે રોકાણ કરવા જણાવતાં હતાં. તેમની વાતોમાં આવી જઈને રવિએ ૨૧-૦૫-૨૦૨૫ના રોજ એક જ દિવસે ટૂકડે ટૂકડે  ૨.૪૭ લાખ રુપિયા જમા કરાવ્યાં હતાં. બાદમાં નાણાં વિડ્રૉઅલ કરવા જતા વધુ રુપિયા મગાયેલાં.

શેર ટ્રેડિંગની એપ/વેબ બનાવી દુબઈ મોકલતાં ભુજના યુવકો ઝબ્બે

શેર માર્કેટમાં ઓનલાઈન ટ્રેડિંગ કરવાના બહાને લોકોને ઠગતાં સાયબર ક્રિમિનલ્સને આવી ઓનલાઈન ટ્રેડિંગ માટેની વિવિધ વેબસાઈટ અને મોબાઈલ એપ ડેવલોપ કરી આપતા ભુજના બે યુવકોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે શહેરના ત્રિમંદિર નજીક સરદાર પટેલનગરમાં રહેતા વિષ્ણુ રાજેશભાઈ ચૌહાણના રહેણાકમાં દરોડો પાડીને તેને તેના સાગરીત નિપુણ કિશોરભાઈ ઠક્કર (રહે. કૈલાસનગર, ભુજ) જોડે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં વિષ્ણુએ પોતે વિદ્યાર્થીઓને સ્ટોક માર્કેટમાં ઓનલાઈન ટ્રેડિંગ માટેની તાલીમ આપતી એપ્સ અને વેબસાઈટ ડેવલોપ કરતો હોવાનું જણાવેલું. જેમાં નાણાંની કોઈ લેવડ-દેવડ ના થતી હોવાનો દાવો કરેલો.

જો કે, તેના લેપટોપની તપાસ કરતાં તેમાંથી જુદા જુદાં નામની ૧૬ વેબસાઈટ્સ અને એપની માહિતી મળી હતી. આ એપ્સ અને વેબસાઈટ તે દુબઈસ્થિત લોકોને મોકલતો હતો. એટલું જ નહીં, તેના ફોનમાંથી વિવિધ ક્લાયન્ટ્સના હિસાબોની એક્સેલ શીટ મળી આવી હતી. વિષ્ણુની લેપટોપ બેગમાંથી એપ્સના વેચાણમાંથી ઉપજેલા ૪૯ હજાર ૫૦૦ રોકડાં રૂપિયા મળી આવ્યા છે.

આવી એપ્સ કે વેબસાઈટ ડેવલોપ કરવા માટે તેની પાસે સેબી (સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઈન્ડિયા)નું કોઈ રજિસ્ટ્રેશન કે આધાર પુરાવા નથી. તેના સાગરીત નિપુણ ઠક્કરના મોબાઈલમાંથી પણ ટ્રેડર્સની વિગતો ધરાવતી એક્સેલ શીટ મળી આવી છે.

પોલીસે અંગત આર્થિક ફાયદો મેળવવા ગુનાહિત કાવતરું રચીને ગેરકાયદે રીતે શેર માર્કેટ ટ્રેડિંગની એપ વેબસાઈટ ડેવલપ કરી દુબઈ મોકલી આર્થિક લાભ મેળવવા સબબની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

Share it on
   

Recent News  
અંધશ્રધ્ધામાં ડૂબેલાં પડોશીએ તાંત્રિક વિધિ કરવા PIના માવતરની હત્યા સાથે લૂંટ કરી
 
ગાંધીધામના ઉદ્યોગપતિના ૨.૯૩ કરોડ રૂપિયા હજમ કરી સંબંધીએ જ કર્યો વિશ્વાસઘાત
 
આદિપુરઃ તળાવ પાસે બેસેલા યુગલને પોલીસના નામે દબાવી ત્રિપુટીએ ૨૧૦૦ રૂપિયા પડાવ્યા