click here to go to advertiser's link
Visitors :  
16-Jul-2025, Wednesday
Home -> Other -> Banaskantha Police detects double murder with loot case within 36 hours
Wednesday, 18-Jun-2025 - Bureau Report 39053 views
અંધશ્રધ્ધામાં ડૂબેલાં પડોશીએ તાંત્રિક વિધિ કરવા PIના માવતરની હત્યા સાથે લૂંટ કરી
કચ્છખબરડૉટકોમ, પાલનપુરઃ સ્ટેટ મોનિટરીંગ સેલમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અજમલ વર્ધાજી પટેલ (ચૌધરી)ના માતા પિતાની બનાસકાંઠામાં થયેલી ઘાતકી હત્યા અને લૂંટના ગુનાનો ભેદ પોલીસે ૩૬ કલાકમાં ઉકેલી દીધો છે. હત્યારા બીજું કોઈ નહીં પણ પડોશમાં રહેતા પિતા પુત્રો નીકળ્યાં છે, જેમણે અંધશ્રધ્ધાથી દોરવાઈ આ ગંભીર ગુનો આચર્યો હતો. બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે રવિવાર-સોમવારની મધરાત્રે બનાવ બન્યો હતો, જે સોમવારે સવારે છ વાગ્યે પ્રકાશમાં આવ્યો હતો.

મરણ જનાર વર્ધાજી મોતીજી ચૌધરી અને તેમના પત્ની હોશીબેન ગામની સીમમાં આવેલા ખેતરમાં બનાવેલા રહેણાક મકાનના આંગણામાં ખાટલાં પર સૂતાં હતાં. તે સમયે અજાણ્યા શખ્સોએ બેઉની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી, હોશીબેને કાન અને પગમાં પહેરેલાં ઘરેણાં અંગો કાપીને કાઢી લેવાયેલાં. ઘરમાં રહેલી તિજોરીને તોડીને પણ કિંમતી માલમતા લૂંટી જવાયેલી.

પોલીસની નવ ટીમોએ ભૂખ તરસ ભૂલીને તપાસ કરી 

ઘટનાને ગંભીરતાથી લઈ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી અક્ષય રાજ મકવાણાએ બનાવને તત્કાળ ઉકેલવા માટે એક ASP, એક DySP, સાત PI અને સાત PSI મળી નવ ટીમોની રચના કરી હતી. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વૉડ, સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થતો હતો.

આ ટીમોએ નજીકમાં આવેલા સોલાર પ્લાન્ટમાં કામ કરતાં ત્રણસો જેટલાં મજૂરોની પૂછપરછ કરેલી. એંસીથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યાં હતાં.

હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે તેમણે નજીકમાં વાડી ધરાવતા પિતા, પુત્ર સહિત ચાર જણની ધરપકડ કરી છે.

અંધશ્રધ્ધા અને દેવામાં ડૂબેલાં પડોશી પિતા પુત્રએ ગુનો આચરેલો 

હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર છે સુરેશ શામળા ચૌધરી (પટેલ) અને તેના પિતા શામળાભાઈ રૂપાભાઈ ચૌધરી. સુરેશ પર ઘણું દેવું થઈ ગયેલું. અનેક લોકોને આપેલા લાખ્ખોના ચેક બાઉન્સ થયેલાં. દેવાગ્રસ્ત સુરેશ અંધશ્રધ્ધામાં ડૂબી ગયેલો. તે ખુદ ભૂવા દિલીપજી મફાજી ઠાકોર (રહે. રામપુરા, દામા, બનાસકાંઠા) પાસેથી નાની મોટી તાંત્રિક વિધિ શીખી ગયેલો. સુરેશ એવી માન્યતા ધરાવતો થયેલો કે જો કોઈની હત્યા કરી મેળવેલા દર દાગીના પર તાંત્રિક વિધિ કર્યા બાદ જ્યાં ખાડો ખોદીએ ત્યાંથી મોટાં પ્રમાણમાં ધન મળે.

ગુનામાં આરોપીઓએ મામાની મદદ મેળવેલી

અંધશ્રધ્ધામાં ડૂબી ગયેલા સુરેશે દેવામાંથી બહાર નીકળવા માટે આ તાંત્રિક વિધિ કરવા માટે પચાસ મીટર દૂર રહેતા વૃધ્ધ એકાકી દંપતીને ટાર્ગેટ બનાવેલું. મૃતક યુગલની એક દીકરીના થોડાંક દિવસો અગાઉ જ લગ્ન લેવાયેલાં હોઈ તેમના ઘરમાંથી મોટું ધન મળવાની સુરેશને આશા હતી. આ કાવતરામાં સુરેશે તેના પિતા શામળાભાઈ અને નજીકના રામપુરા ગામે રહેતા મામા ઉમાભાઈ ચેલાજી ચૌધરીને સામેલ કરેલાં.

કોઈને ચીસો ના સંભળાય તે માટે થ્રેસર ચાલું રખાયું 

બનાવની રાત્રે પિતા પુત્રએ ધારિયું લઈ મૃતકોના ઘરના આંગણામાં પ્રવેશી હત્યા અને લૂંટને અંજામ આપેલો. બનાવ સમયે મૃતક યુગલ ચીસાચીસ કરે તો કોઈને ના સંભળાય તે હેતુથી તેમના મામા ઉમાભાઈએ ટ્રેક્ટરનું થ્રેસર સતત ચાલું રાખેલું.

લૂંટેલા ઘરેણાં પર ભૂવાના ઘેર તાંત્રિક વિધિ કરાયેલી

કચ્છખબર સાથે વાત કરતાં એસપી અક્ષય રાજે જણાવ્યું કે લૂંટ વીથ ડબલ મર્ડરને અંજામ આપ્યા બાદ આરોપીઓએ ભૂવા દિલીપ ઠાકોરને જાણ કરેલી. દિલીપ ઠાકોર તેની સ્વિફ્ટ કાર લઈને આરોપીઓને તેડવા માટે વાડીએ આવેલો. તેની કારમાં બેસીને આરોપીઓ ભૂવાના ઘેર ગયેલાં. અહીં સૂત્રધાર સુરેશે તેના કપડાં વૉશિંગ મશિનમાં નાખી ધોઈ નાખ્યાં હતા અને બાથરૂમમાં સ્નાન કરીને બીજા કપડાં પહેર્યાં હતાં. બાદમાં કાળી કોથળીમાં રાખેલા લૂંટના ઘરેણાં બહાર કાઢી, કાળા રંગની ઢિંગલીના પૂતળાં સાથે રાખીને ‘મામાદેવ’ને પ્રસન્ન કરવા માટે તાંત્રિક વિધિ કરેલી.

આ રીતે પોલીસને પિતા પુત્રો પર શક પડ્યો હતો

ઘટના બહાર આવ્યાં બાદ પોલીસે સૌપ્રથમ નજીકના સોલાર પ્લાન્ટમાં કામ કરતાં મજૂરો પર ફૉકસ કરેલું. આ પ્રકારના ગુનાઓ આચરતી બે ગેંગનું પગેરું દબાવવા માટે એક ટીમને દાહોદ અને રાજસ્થાનની મોંગિયા ગેંગનું પગેરું દબાવવા બીજી ટીમને રાજસ્થાન રવાના કરેલી.

પોલીસે જ્યારે વાડીની આસપાસ રહેતાં લોકોની પૂછપરછ શરૂ કરી ત્યારે સુરેશ અને તેના પિતા શામળાભાઈ પર શંકા પડેલી. એસપી અક્ષય રાજે ઉમેર્યું કે બંને જણ જાણે ગોખી રાખ્યું હોય તેમ  એકસરખું નિવેદન આપતા હતા.

પૂછતાછમાં રાત્રે બે વાગ્યા સુધી તેઓ ખેતરે ટ્રેક્ટરથી કામ કરતાં હોવાનું કબૂલેલું. જેથી પોલીસનો શક વધુ ઘેરો બન્યો હતો અને ગહન પૂછપરછમાં સમગ્ર ગુનો બહાર આવ્યો છે. પોલીસે લૂંટેલા દાગીના, સ્વિફ્ટ કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ કરી, સજ્જડ પૂરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
મહિને ૨૦ હજાર માંગતા VTV ને INDIA TVના બે તોડબાજ પત્રકારની ‘ચાકી’ LCBએ ઢીલી કરી
 
બુલેટ ટ્રેન શરૂ થાય ત્યારે ખરી પણ કંડલામાં દેશની પહેલી મેગ્નેટિક રેલ દોડશે
 
માંડવીઃ પિતા પુત્ર પર ઍસિડ એટેક બદલ આધેડને સેશન્સે પાંચ વર્ષનો કારાવાસ ફટકાર્યો