કચ્છખબરડૉટકોમ, રાપરઃ ધોરણ ૧૦માં ભણતી ૧૫ વર્ષની દલિત દીકરીને ‘તને નકામી પાસ કરી’ તેવા વારંવાર મહેણાં મારતી શાળાની મુખ્ય શિક્ષિકા કમ આચાર્યના ત્રાસથી દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. દીકરીના આપઘાતના ચોથા દિવસે સ્યુસાઈડ નોટ મળતાં પરિવારજનોએ પોલીસ મથકે દોડી જઈને સમગ્ર બનાવ અંગે જાણ કરતાં સમગ્ર ઘટના બહાર આવી છે. પોલીસે દફનાવાયેલાં મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઑટોપ્સી માટે જામનગર મોકલી, આચાર્ય સામે ગુનો નોંધ્યો છે.
ગત શુક્રવારે વિશ્વાએ ગળેફાંસો ખાઈ લીધેલો
આ ચોંકાવનારી ઘટના છે રાપર તાલુકાના ભીમાસર ગામની. ગામની સરકારી શાળામાં દસમા ધોરણમાં ભણતી વિશ્વા સવજીભાઈ પરમારે ૧૭-૦૧-૨૦૨૫ના રોજ પોતાના ડેલામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આઘાતગ્રસ્ત પરિવારે સામાજિક રાહે દીકરીના મૃતદેહની દફનવિધિ કરી નાખી હતી. ઘટનાના ચોથા દિવસે ૨૧ જાન્યુઆરીના રોજ વિશ્વા જ્યાં ચુડી-ચાંદલા વગેરે જેવો સામાન રાખતી હતી તેને મોટા ભાઈએ ફંફોસતાં તેમાંથી નોટબૂકના પાનાં પર વિશ્વાએ આપઘાત પૂર્વે લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.
ચિઠ્ઠીમાં પોતાના મોતનું કારણ જિજ્ઞાસાબેન હોવાનું, તે સતત ટોર્ચર કરીને તને નકામી પાસ કરી તેમ વારેવારે સંભળાવતાં હોઈ આ બધું પોતાનાથી સહન ના થઈ શકતું હોઈ આ પગલું ભરતી હોવાનું લખેલું છે.
પિતા અને પરિવારજનો સ્યુસાઈડ નોટ લઈને તત્કાળ ભીમાસર (આડેસર) પોલીસ સ્ટેશને દોડી ગયાં હતાં.
લાશને ઑટોપ્સી માટે બહાર કઢાઈ આચાર્ય સામે ગુનો નોંધાયો
વિશ્વાના પિતા સવજીભાઈ ખાનગી કંપનીમાં ઓઈલ પાઈપ લાઈનના સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.
સવજીભાઈએ કચ્છખબરને જણાવ્યું કે મારી દીકરી વિશ્વા નવમા ધોરણમાં ચાર વિષયમાં નાપાસ થયેલી. શાળાએ વિશ્વાની પુનઃ પરીક્ષા લઈ, પાસ કરી ધોરણ દસમાં પ્રવેશ આપ્યો હતો.
બુધવારે પોલીસે વિશ્વાનો દફનાવાયેલો મૃતદેહ SDM સહિતના પંચોની હાજરીમાં બહાર કઢાવીને જામનગરમાં ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી જિજ્ઞાસાબેન ચૌધરી વિરુધ્ધ એટ્રોસીટી એક્ટ તથા વિશ્વાને મરવા મજબૂર કરવાની કલમો તળે ગુનો નોંધ્યો હતો. ગુનાની તપાસ ભચાઉ વિભાગના DySP સાગર સાંબડાએ હાથ ધરી છે
Share it on
|