કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલા પોર્ટના કસ્ટમ ગેટ પર આવતી જતી ટ્રકો પાસેથી ગેરકાયદે ઉઘરાણાં કરતો કસ્ટમનો હેડ હવાલદાર ૯૮૫૦ રૂપિયા સ્વિકારીને એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. ગેટ પર બેસતો કસ્ટમનો હેડ હવાલદાર જિજ્ઞેશ કેશવજી બળીયા કંડલા પોર્ટમાં માલ-સામાન લઈને આવ-જા કરતી ટ્રકો દીઠ ગેરકાયદે પચાસ રૂપિયા માંગતો હોવાની એક વ્યક્તિએ ગાંધીધામ એસીબીને ફરિયાદ કરી હતી.
ફરિયાદીના માલ સામાનને લાવતી લઈ જતી વેળા ગેટ પરથી ટ્રકોના ૧૯૭ ફેરાં થયેલાં. જિજ્ઞેશે પ્રત્યેક ટ્રીપદીઠ પચાલ રૂપિયા લેખે ૯૮૫૦ રૂપિયાની લાંચની માંગણી કરેલી.
ફરિયાદ મળતાં ગાંધીધામ એસીબીના ઈન્ચાર્જ પીઆઈ એલ.એસ.ચૌધરી અને તેમની ટીમે કંડલા પોર્ટ નજીક સાગરસેના હનુમાન મંદિર પાસે છટકું ગોઠવીને જિજ્ઞેશ બળીયા (ઉ.વ. ૩૩, વર્ગ- ૩)ને લાંચ સ્વિકારતા રંગેહાથ દબોચી લીધો છે. એસીબી બોર્ડર એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક એમ.જે.ચૌધરીના સુપરવિઝનમાં આ સફળ છટકું ગોઠવાયું હતું.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આ ગેટ પર તૈનાત કસ્ટમના હવાલદારો ગેરકાયદે રૂપિયાના ઉઘરાણાં કરતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.
Share it on
|