|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં ઘટેલી એક ઘટનાએ ગુજરાત પોલીસની ‘અસંવેદનશીલતા’ મુદ્દે ભારે ચર્ચા સર્જી છે. રાપરના એક બૂટલેગરે પોતાનાથી અડધી ઊંમરની ગરીબ મજૂર પરિવારની માનસિક અસ્થિર બાળા પર પાશવી બળાત્કાર કર્યો. હોસ્પિટલમાંથી પોલીસને આ અંગે જાણ કરાઈ. ગંભીર કોગ્નિઝેબલ ગુનો હોવા છતાં પરિવારજનો ફરિયાદ નોંધાવવા ઈચ્છતાં નથી તેમ કહી પોલીસે ધરાર ફરિયાદ જ દાખલ ના કરી. બનાવના ચોથા દિવસે સોશિયલ મીડિયા પર પીડિતા અને પરિવારજનોના વીડિયો વાયરલ થયાં. મહિલા કોંગ્રેસે પણ હોબાળો મચાવ્યો. આખરે પાંચમા દિવસે ફરિયાદ દાખલ થઈ ને પછી પોતાની કહેવાતી સ્ફૂર્તિ દેખાડવા માટે ૨૪ કલાકની અંદર આરોપીની ધરપકડ કરી આઈજી, એસપી, ડીવાયએસપી, પીઆઈના નામ સાથેની જશ ખાટતી પ્રેસ નોટ જારી કરાઈ!
જાણો, શો હતો ગંભીર દુષ્કર્મનો એ બનાવ
રાપરની ૧૫.૫ વર્ષની માનસિક અસ્થિર બાળા ૧ જાન્યુઆરીના રોજ ઘરે હતી. તેના માતા પિતા મજૂરીકામ અર્થે બહાર હતા. તે સમયે નવાપરા વિસ્તારનો શિવા મોહનભાઈ કોલી નામનો ૨૯ વર્ષિય બૂટલેગર તેને લલચાવી ફોસલાવીને નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પાછળની બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો.
અહીં બાળા સાથે તેણે પાશવી ઢબે દુષ્કર્મ આચર્યું હતું. માતા સાંજે ઘરે આવી અને દીકરી જોવા ના મળતાં શોધખોળ આદરી. શારીરિક ઈજાઓ સાથે ઝાડીમાં કણસતી દીકરી મળી આવી.
દીકરીને રાપરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ. મેડિકલ ચેકઅપ કરાયું ત્યારે ખબર પડી તે દીકરી સાથે જઘન્ય કૃત્ય થયું છે.
પાંચ પાંચ દિવસ સુધી ગુનો જ દાખલ ના કરાયો
ગુનાહિત કૃત્ય થયું હોય ત્યારે સરકારી હોસ્પિટલમાંથી સ્થાનિક પોલીસને મેડિકો લીગલ કેસ (એમએલસી) અંગે જાણ કરાતી હોય છે. પરંતુ, એક દિવસ વીત્યો, બીજો, ત્રીજો, ચોથો દિવસ વીત્યો. પોલીસે કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ દાખલ ના કર્યો. દરમિયાન, દીકરીની માતાનો વીડિયો વાયરલ થયો. જેમાં તે પોલીસ સમક્ષ ‘અમારે કોઈ ફરિયાદ નથી નોંધાવવી’ તેવું કહેતી જણાય છે.
જનતામાં ગણગણાટ ફેલાય છે કે રાપર પોલીસ આરોપી અને ફરિયાદ પક્ષ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરી રહી છે.
મામલો સોશિયલ મીડિયા અને છાપાઓના પાને ચગે છે. જેને જોઈને મહિલા કોંગ્રેસના કાર્યકરો રાપર દોડી જાય છે. પીડિત બાળા પોતાની સાથે શું થયું તેનું વર્ણન કરે છે તે વીડિયો પણ વાયરલ થાય છે.
મામલો ‘પીપલી લાઈવ’ ફિલ્મના પ્લોટની જેમ ગામ આખામાં ચર્ચાના ચગડોળે ચઢે છે.
પછી ભીંસમાં આવેલી પોલીસ મંગળવારે સાંજે બાળાની માતાની ફરિયાદ દાખલ કરે છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ (૨) (I) (K) (માનસિક અસ્થિર સ્ત્રી સાથે દુષ્કર્મ તથા પોક્સો એક્ટની કલમ ૪,૬,૧૮ હેઠળ ગુનો દાખલ કરી પોલીસ આરોપી શિવા મોહનભાઈ પારકરા (કોલી) (રહે. નવાપરા, રાપર, મૂળ રહે. કાનપર)ની ચોવીસ કલાકમાં ધરપકડ કરે છે. શિવા સામે ભૂતકાળમાં આડેસર પોલીસ મથકે દેશી દારૂના વેચાણના બે ગુના નોંધાયેલાં છે.
પોલીસ કાયદાની ખરેખર રક્ષક છે? ગંભીર સવાલ
આ બનાવે અનેક સવાલ સર્જ્યાં છે. પોલીસ સમક્ષ ‘કોગ્નિઝેબલ ઓફેન્સ’ જાહેર થાય, તેમાંય ૧૬ વર્ષથી ઓછી વયની બાળા ગુનાનો ભોગ બની હોય ત્યારે જો કોઈ ફરિયાદ નોંધાવવા તૈયાર ના હોય તો પોલીસે સરકાર તરફે ફરિયાદી બનીને ગુનો દાખલ કરવો પડે તેવો કાયદાકીય પ્રબંધ છે.
આ કિસ્સામાં કદાચ ગરીબ માવતર દીકરીની આબરૂ કે આરોપીની બીકના લીધે ફરિયાદ નોંધાવવા જલદી તૈયાર ના થયાં તો પોલીસે ભોગ બનનારના સ્વજનોને ‘વીટનેસ પ્રોટેક્શન સ્કિમ’ની સમજણ અને ખાતરી આપવી જોઈતી નહોતી?
ગામ આખામાં હોબાળો સર્જાય, વિવિધ વીડિયો વાયરલ થાય પછી કાર્યવાહી કરાય તેમાં પોલીસની પ્રજાના રક્ષક તરીકેની આબરુ કેટલી રહે? રાપરના પીઆઈ બુબડીયાની કાર્યવાહી પર અગાઉ પણ અન્ય વિવિધ બનાવોમાં આરોપો થયેલાં છે અને એક કિસ્સામાં હાઈકૉર્ટે તેમને તત્કાળ અસરથી સસ્પેન્ડ કરવા મૌખિક હુકમ કરેલો. છતાં, બુબડીયા પીઆઈ તરીકે ફરજરત છે.
Share it on
|