કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ થર્ટી ફર્સ્ટ બાદ હવે ઉત્તરાયણના પર્વે દારૂની રેલમછેલ રોકવા પૂર્વ કચ્છ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીધામ બી ડિવિઝન અને લાકડીયા પોલીસે ત્રણ દરોડામાં ૪૧.૨૪ લાખનો શરાબ ઝડપ્યો છે. પૂર્વ કચ્છ એલસીબીએ બાતમીના આધારે આજે પરોઢે ગળપાદર જેલ તરફ જતા રોડ પર વાલદાસ સંકુલના ગેટ પાસે પીક અપ ડાલાને આંતરીને તેમાંથી ઓલ્ડ મન્ક બ્રાન્ડના રમની ૨૦૦ પેટી જપ્ત કરી હતી. બાતમીના આધારે પોલીસે નેક્સા શોરૂમ પાસે વૉચ ગોઠવેલી.
LCBએ આગળ વાહન ઊભું કરાવી ગાડીને આંતરી
પોલીસને જોઈ વાહન ચાલકે ગાડી થોભાવવાના બદલે ગળપાદર જેલના રોડ પર પૂરઝડપે હંકારવાનું શરૂ કરેલું. જેથી પોલીસે પીછો કરીને, રોડ પર અન્ય એક ખાનગી વાહનની આડશ ઊભી કરી પીક અપ ડાલાના ચાલક બકાભાઈ ઊર્ફ બકુલ શક્તાભાઈ ભરવાડ (ઉ.વ. ૩૦, રહે. ગોપાલનગર, અંતરજાળ, આદિપુર મૂળ રહે. થરા, બનાસકાંઠા)ને આંતર્યો હતો.
પોલીસે બકુલની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે રણમલ ભાલા ભરવાડ (રહે. પલાંસવા, રાપર)એ ભુજના કુકમા પાસેથી તેને દારૂ ભરેલું વાહન આપ્યું હતું. પોતે સફેદ ક્રેટા કારથી વાહનનું પાયલોટીંગ કરતો હતો.
પોલીસે ૩૧.૨૦ લાખના મૂલ્યના રમની ૨૪૦૦ બાટલીઓ સાથે GJ-13 AX-2063 નંબરનું પીક અપ વાહન, મોબાઈલ ફોન, રોકડ રકમ વગેરે મળી ૩૬.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બકુલ અને રણમલ બેઉ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશનની ધારાઓ તળે ફરિયાદ નોંધાવી છે. દરોડામાં પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી. પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
પડાણા નજીક વાડામાંથી ૮.૬૨ લાખના દારૂ સાથે પાંચ ઝબ્બે
ગાંધીધામના પડાણા નજીક પંચરત્ન માર્કેટ પાછળ આવેલા વાડામાં દરોડો પાડીને પોલીસે ૮.૬૨ લાખનો શરાબનો જથ્થો જપ્ત કર્યો છે.
આરોપીઓએ ટ્રક મારફતે શરાબનો જથ્થો વાડામાં ઉતારેલો અને સ્કોડા કારમાં કટિંગ ટાણે પોલીસે રેઈડ પાડેલી.
સ્થળ પરથી પોલીસે સ્વરૂપસિંગ ચૌહાણ, પ્રવિણસિંહ ચૌહાણ (બંને રહે. મૂળ રાજસ્થાન) અને રોહિત તાંડીલકર, અજય મરાવી, સુરજીતસિંગ વરકડે (ત્રણે રહે. મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી.
પરબતસિંગ નામના રાજસ્થાની શખ્સે દારૂના કટિંગ માટે આ વાડો ભાડે રાખેલો. પોલીસ પહોંચી તે પહેલાં એક ક્રેટા કારમાં માલ ભરી બે શખ્સો રવાના થઈ ગયાં હતા.
પોલીસે તમામ લોકો સામે ગુનો દાખલ કરીને કાર, પાંચ ફોન મળી ૧૦.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલો સ્વરુપસિંગ અગાઉ ૧૫-૦૨-૨૦૨૫ના રોજ અંજાર પોલીસે આ જ રીતે એક વાડામાં દરોડો પાડીને પકડેલાં ૯.૨૪ લાખના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. દરોડાની કામગીરીમાં ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા અને સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.
લાકડીયા પોલીસે ૧.૪૨ લાખનો શરાબ ભરેલી કાર ઝડપી
લાકડીયામાં પોલીસ સ્ટેશનથી માંડ એક કિલોમીટર દૂર મોમાય માતાજીના મંદિર નજીક અવાવરુ જગ્યાએથી રીટ્ઝ કારમાં રહેલી ૧.૪૨ લાખની કિંમતની દારૂની ૭૨ બાટલી સાથે જયંતી ભીખાભાઈ કોલી (રહે. પગીવાસ, લાકડીયા)ને ઝડપી પાડ્યો છે. કારની પાછલી સીટ પર રહેલી બે ટ્રૉલી બેગમાં દારૂની બાટલીઓ સંઘરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં જયંતીએ પોલીસને જણાવ્યું કે પોતે વેચાણ અર્થે સામખિયાળીના ભરત જયંતીલાલ રાવલ (મારાજ) પાસેથી શરાબનો જથ્થો કારમાં લઈ આવ્યો હતો.
પોલીસે શરાબ ઉપરાંત કાર, મોબાઈલ ફોન વગેરે મળી ૨.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કરી જયંતી કોલી અને ભરત રાવલ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. જયંતી વિરુધ્ધ અગાઉ લાકડીયા અને ભચાઉમાં મારામારી, વાહન ચોરી, હથિયારબંધીના જાહેરનામાના ભંગ, ઘરફોડ ચોરી સહિતના પાંચ ગુના નોંધાયેલાં છે. કામગીરીમાં પીઆઈ જે.એમ. જાડેજા અને સ્ટાફ જોડાયો હતો.
Share it on
|