|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દોઢ વર્ષ અગાઉ ૧૯-૦૬-૨૦૨૪ના રોજ કચ્છની નરા રણ સરહદે બલવીર સીમા ચોકી પાસે બોર્ડર પીલર નંબર ૧૧૨૫ નજીક કાંટાળી વાડ ઠેકીને એક પાકિસ્તાની યુવકે ભારતમાં ઘૂસણખોરી કરી હતી. ઘૂસણખોરી કરતા ૩૮ વર્ષિય અફઝલ મોહમ્મદ S/o મોહમ્મદ સરવલ સિરાયકીને બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનોએ પકડી પાડ્યો હતો. અફઝલને પકડીને પૂછપરછ કરાતાં તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ જિલ્લાના ગામનો વતની હોવાનું બહાર આવેલું. સામાન્ય રીતે, કચ્છમાં જળસીમાનો ભંગ કરીને ઘૂસણખોરી કરતાં પકડાતાં માછીમારો કે રણ સરહદેથી ઝડપાતાં પાકિસ્તાનીઓ કચ્છ સીમાને અડીને પાકિસ્તાનમાં આવેલા કરાચી યા સિંધના વતની હોય છે. પરંતુ અફઝલ સિયાલકોટનો વતની છે, આ વિસ્તાર જમ્મુ કાશ્મિર સરહદ પાસે આવેલો હોઈ સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી.
પ્રાથમિક પૂછપરછમાં અફઝલ માનસિક અસ્થિર હોય તેવું વર્તન કરતો હોવાનું જણાયેલું. ત્રણ માસ સુધી ભુજ જેઆઈસીમાં વિવિધ સુરક્ષા એજન્સીઓએ તેની ગહન પૂછપરછ કરેલી.
પૂછપરછમાં કોઈ સંદિગ્ધ બાબત ના જણાતાં આખરે ૨૯-૦૯-૨૦૨૪ના રોજ તેને નરા પોલીસના હવાલે કરાઈ પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ અંતર્ગત બીએસએફ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી.
નિષ્ણાતોનો અહેવાલઃ અફઝલ સંપૂર્ણ માનસિક અસ્થિર
જેલમાં રહેલા અફઝલનો મામલો કૉર્ટના દ્વારે આવતા કૉર્ટે તેને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં મોકલી અહેવાલ આપવા હુકમ કરેલો. સાયકીઆટ્રીસ્ટે રીપોર્ટ કરેલો કે અફઝલ ફક્ત પોતાનું નામ અને વતનનું નામ જણાવી શકવા સમર્થ છે, અન્ય વિગતો વિશે વાત કરવા માનસિક રીતે સંપૂર્ણ અસમર્થ છે. કૉર્ટે મેડિકલ બૉર્ડ રચીને જામનગર ખાતે પણ તેને મોકલી આપેલો. નિષ્ણાતો અને મેડિકલ બોર્ડે રીપોર્ટ આપ્યો કે અફઝલ પોતાની સામે લાગેલાં આરોપો અંગે વર્તમાનમાં કે ભવિષ્યમાં પણ અદાલતી ટ્રાયલનો સામનો કરવા અસમર્થ જણાય છે. સારવાર બાદ પણ તેની માનસિક અસ્થિરતામાં કોઈ સુધારો આવ્યો નથી અને સુધારો થાય તેવા કોઈ આસાર જણાતાં નથી.
કૉર્ટે ટ્રાયલ વગર તેને ડિપોર્ટ કરવા હુકમ કર્યો
ભુજના સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ અફઝલની માનસિક અસ્થિરતા, કાયદાકીય જોગવાઈઓના આધારે તેને ઈન્સાફી કાર્યવાહીમાંથી મુક્ત કરી સંબંધિત સરકારી વિભાગો પાસેથી નીતિ વિષયક માર્ગદર્શન મેળવી તેને પાકિસ્તાન પરત મોકલી આપવા હુકમ કર્યો છે. જ્યાં સુધી તેને પરત પાકિસ્તાન ના મોકલાય ત્યાં સુધી તેની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરવા આદેશ કર્યો છે.
Share it on
|