|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના કીડીયાનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બાઈક સ્ટંટની રીલ બનાવી રહેલા બે યુવકોને રેલવે સ્ટાફે અટકાવતાં બેઉ યુવકોએ ૧૫થી ૨૦ સાગરીતો સાથે મળીને રેલ કર્મચારી પર હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. બનાવ અંગે ત્રણ યુવકો સામે નામજોગ અને વાહનોના નંબરો સાથે અન્ય અજાણ્યા યુવાનો સામે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં રેલ કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. કીડીયાનગર રેલવે સ્ટેશન ખાતે પોઈન્ટમેન તરીકે નોકરી કરતો ૨૯ વર્ષિય અશોક પરિહાર ગઈકાલે ડ્યુટી પર હતો ત્યારે સાંજે સવા છના અરસામાં પ્લેટફોર્મ નંબર ૧ પર બે યુવકો બાઈક લઈને આવ્યા હતા.
એક જણો બાઈક પર સ્ટંટ કરતો હતો અને બીજો મોબાઈલમાં તેની રીલ રેકોર્ડ કરતો હતો. અશોકે ત્યાં દોડી જઈને બેઉને અટકાવીને મોબાઈલમાં રેકોર્ડ કરેલો વીડિયો ડિલીટ કરાવી પ્લેટફોર્મ બહાર હાંકી કાઢ્યા હતા.
આ બાબતને લઈને થોડીકવાર બાદ બેઉ યુવકો ૧૫થી ૨૦ સાગરીતોને લઈને ફરી રેલવે સ્ટેશન પર આવેલાં. સ્ટેશન માસ્ટરની ઑફિસમાં બબાલ કરી, બારીઓના કાચમાં તોડફોડ કરી હતી.
અશોક પરિહાર હાથમાં આવી જતાં તેને પકડીને મુક્કા લાતો સાથે લાકડીઓ, પથ્થરોથી માર માર્યો હતો. તેની બનિયાન ફાડી નાખી હતી.
હુમલો કર્યાં બાદ આરોપીઓ બે મોટર સાયકલ અને એક બોલેરો કારમાં નાસી ગયાં હતા. હુમલો કરનાર યુવકોમાં બાદલપર ગામનો દિનેશ કાનજી કોલી અને તેના કાકાનો દીકરો, મુકેશ ડી. કોલી અને અન્ય સાગરીતો હોવાનું લખાવાયું છે.
મુકેશ કોલીએ દોઢેક માસ અગાઉ પ્રીતમ નામના ગેટમેન જોડે બબાલ કરતાં તેની પાસે માફીપત્ર લખાવાયો હતો.
અશોક પરિહારે આરોપીઓ સામે ગેરકાયદે મંડળી બનાવીને સરકારી કર્મચારી પર હુમલો કરી સરકારી સંપત્તિમાં નુકસાન કરવા સહિતની વિવિધ કલમો તળે ગાંધીધામ રેલવે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Share it on
|