|
કચ્છખબરડૉટકોમ, નલિયાઃ જખૌમાં બાવળની ઝાડીમાંથી અજાણ્યા યુવકના મળેલાં મૃતદેહના બનાવમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસે ચાર દિવસની અંદર મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરીને, ખાસ મિત્રએ જ માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી હોવાનું જાહેર કર્યું છે. ૫મી સપ્ટેમ્બર, શનિવારના રોજ જખૌના નલિયા રોડ પર ઓધવરામ ગેટ પાસે બાવળની ઝાડીમાં અજાણ્યા યુવકની લાશ પડી હોવાની સવારે ૯.૩૦ કલાકે પોલીસને જાણ થયેલી. પોલીસે મરનાર યુવકની ડૅડબોડીને જામનગરમાં ફોરેન્સિક ઑટોપ્સી માટે મોકલી આપીને તપાસ હાથ ધરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં બોથડ પદાર્થથી થયેલી ગંભીર ઈજાથી મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી નલિયાના SDPO મનીષા દેસાઈના માર્ગદર્શનમાં ગુનાનો ભેદ ઉકેલવા ત્રણ જુદી જુદી ટીમની રચના કરાઈ હતી.
મરનાર યુવકની કમરે માછીમારો પહેરે છે તેવી ખાસ દોરી બાંધેલી હતી. જેથી મરનાર માછીમાર હોવાની ધારણા પર પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ મરનારની ઓળખ પ્રસ્થાપિત થઈ નહોતી.
SOGના ASIને મળેલી બાતમી મહત્વની સાબિત થઈ
SOGના ASI જોરાવરસિંહ જાદવને બાતમી મળેલી કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ જખૌમાં એક ચાની હોટેલ પર બે યુવકો ઝઘડતાં હતા અને બેઉ જામનગર બાજુના માછીમારો હતા. આ બાતમીના આધારે પોલીસે મત્સ્યોદ્યોગ વિભાગની ટોકન મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી જખૌ કાંઠે માછીમારી કરવા આવેલા દ્વારકાના ઓખાના માછીમારોની વિગતો મેળવી હતી.
નજીવી વાતે બચપણના મિત્રને મિત્રએ પતાવી દીધો
ટોકનના આધારે મરનાર ઓખાનો માછીમાર ઓસમાણ ઉમર કેર (ઉ.વ. ૩૫) હોવાનું સ્પષ્ટ થયેલું. ઓસમાણ અને તેનો મિત્ર હાજી જુમા સીદી બેઉ એક જ ગામમાં રહેતા, બંને નાનપણથી એકમેકના મિત્રો હતા અને સાથે માછીમારી કરતા. પોલીસે જુમા સીદીની અટક કરી પૂછપરછ કરતાં તેણે જ મિત્ર ઓસમાણની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.
ઓસમાણે અને જુમા વચ્ચે ઝઘડો થયેલો જેમાં ઓસમાણે જુમાની મા-બેન વિશે ભૂંડી ગાળો ભાંડતા જુમાએ ઉશ્કેરાઈને તેના માથામાં પથરો ઝીંકી દીધો હતો.
ઘટના અંગે મર્ડરનો ગુનો દાખલ કરાયો છે અને આરોપીની અટક કરી રિમાન્ડ મેળવવા જખૌ PSI આર.જે. ગોહિલે તજવીજ હાથ ધરી છે.
Share it on
|