|
કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ બોલિવુડ ફિલ્મ ‘રાજુ ચાચા’ની તર્જ પર આદિપુર બાદ હવે સામખિયાળીનો વધુ એક ઓનલાઈન મની ટ્રાન્સફરનું કામ કરતો દુકાનદાર ઠગાયો છે. પોલીસે અજાણ્યા મોબાઈલ નંબર અને બે બેન્ક ખાતાધારકો સામે IT Act સહિતની કલમો તળે FIR નોંધી છે. ફરિયાદી ૨૬ વર્ષિય હસમુખ પ્રજાપતિ સામખિયાળીમાં મોબાઈલ શોપ અને મની ટ્રાન્સફરની દુકાન ચલાવે છે. રવિવારે બપોરે તેને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવેલો. ફોન કરનારે ‘સામખિયાળીની બાદશાહ હોટેલથી દિલીપભાઈ બોલું છું, ઓળખાણ પડી?’ તેમ પૂછીને હસમુખને કહેલું કે ‘હોટેલથી રોકડાં રૂપિયા લઈને માણસને મોકલું છું, હું મેસેજ કરું તે બેન્ક ખાતામાં બે અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દેજો’ ફરિયાદી હસમુખ ફોન કરનારને ઓળખતો નહોતો. ૧૫ મિનિટ બાદ બાદશાહ હોટેલથી ઈકબાલ નામનો માણસ દુકાને આવેલો.
ઈકબાલે ફોન જોડીને ફરિયાદીને વાત કરવા જણાવેલું. ફરિયાદીએ વાત કરતાં પંદર મિનિટ પૂર્વે દિલીપભાઈ બનીને ફોન કરનાર ગઠિયાએ જણાવેલું કે ‘દિલીપ બોલું છું, માણસ રૂપિયા લઈને આવી ગયો છે, હું તમારા વોટસએપ પર બેન્ક ખાતાનો નંબર મોકલું છું તેના પર રૂપિયા નાખી દો’
ગઠિયાએ ચાલુ વાતચીતે હસમુખના વોટસએપ પર સારસ્વત બેન્કનો ખાતા નંબર મોકલીને તેના પર ૭૫ હજાર અને IDFC બેન્કનો ખાતા નંબર મોકલીને તેના પર ૧ લાખ રૂપિયા મોકલી દેવા જણાવેલું.
ભરોસો કરીને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં
હસમુખ ‘પ્રાઈમ્સ પે’ નામની એપ મારફતે મની ટ્રાન્સફરનું કામ કરે છે. આ એપ પર મહત્તમ ૨૫ હજાર રૂપિયા જ ટ્રાન્સફર કરી શકાય છે. તેનાથી વધુ રકમ ટ્રાન્સફર કરવી હોય તો એપના એડમિન નરેન્દ્રભાઈ ડોડિયા (રહે. ભચાઉ)વાળાને જાણ કરે છે. એડમિન એકસાથે મોટી રકમ ટ્રાન્સફર કરી શકે છે. હસમુખે નરેન્દ્રભાઈને ફોન કરી, બેઉ બેન્ક ખાતાના નંબર મોકલીને તેમના મારફતે ૧ લાખ ૭૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતા. ટ્રાન્ઝેક્શન વખતે ગઠિયાએ ઈકબાલના ફોનથી હસમુખને સતત વાતોમાં પરોવી રાખ્યો હતો.
ફોન પર સલાહ મળી અને પોલ પાધરી પડી
નરેન્દ્રભાઈએ મની ટ્રાન્સફર કર્યાં બાદ ટ્રાન્ઝેક્શન આઈડીની સ્લીપ વોટસએપ પર મોકલીને હસમુખને ફોન કરી સહજ રીતે સલાહ આપતાં કહેલું કે ‘આજકાલ બહુ ફ્રોડ થાય છે. તમે આટલા રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા છે તો જે ભાઈ આવ્યો છે તેને પૂછો કે તે રૂપિયા લઈને આવ્યો તો છે ને?’
નરેન્દ્રભાઈની સલાહના પગલે હસમુખે સામે ઊભેલાં ઈકબાલને ‘દિલીપભાઈએ આપેલા ૧.૭૫ લાખ રોકડાં લઈને આવ્યા છો ને?’ તેમ પૂછતાં ભડકી ગયેલાં ઈકબાલે કહેલું કે ‘હું કોઈ દિલીપભાઈને ઓળખતો નથી અને મને કોઈ રૂપિયાની ખબર નથી. મને તો આ નંબર પરથી ફોન આવેલો અને ૨૫ કિલો બિરયાનીનો ઓર્ડર આપીને તેના ૨૦ હજાર રોકડાં રૂપિયા તને ઓમ મોબાઈલવાળા હસુભાઈ આપશે તેવી વાત કરી છે. હું તો બિરયાનીના રૂપિયા લેવા આવ્યો છું!’
હસમુખે તરત જ જે નંબર પરથી ફોન આવેલો તેને ફોન કર્યો હતો પરંતુ ફોન બંધ થઈ ગયો હતો.
સામખિયાળી પોલીસે અજાણ્યા ગઠિયાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
Share it on
|