|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં એક ચોપાનિયાના સંચાલકના પગ તળે DRIનો રેલો આવ્યો છે. બ્લેકમેઈલીંગ, છરીથી હુમલો કરવા સહિતના અનેક ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચીતરાયેલાં ચોપાનિયા સંચાલકના કબજાના વેરહાઉસમાંથી કરોડો રૂપિયાની સોપારી અને તમાકુનો જથ્થો જપ્ત કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાઉન સંચાલકે તમાકુ અને સોપારીનો જથ્થો કોણ રાખી ગયું તે અમે જાણતાં નથી તેવો જવાબ આપીને હાથ અધ્ધર કરી દીધાં છે. DRIએ સીસીટીવીના આધારે સેઝના બે પ્રિવેન્ટીવ ઑફિસરની પૂછપરછ કરતાં આ બેઉ જણ મોટી પ્રસાદી મેળવીને માલ ગોડાઉનમાં રખાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
DRI દ્વારા વિવિધ ટેકનિકલ સ્તરે ગહન તપાસ ચાલી રહી છે. સોપારી અને તમાકુની દાણચોરી કરનારથી લઈ તેનો માલ ગોડાઉનમાં સંઘરનાર આખી ગેંગ સામે સજ્જડ અને પૂરતાં પુરાવા સાથે ગાળિયો કસવા કવાયત્ ચાલી રહી છે.
તપાસમાં તમાકુ અને સોપારીની દાણચોરીનું લાંબા સમયથી ચાલતું કરોડો રૂપિયાનું મોટું સ્કેમ બહાર આવે તેવી શક્યતા છે. કચ્છમાં સોપારી સહિતની દાણચોરીના બનાવો બહાર આવે ત્યારે પેટ ભરી ભરીને સૉરી પાનાં ભરી ભરીને કસ્ટમ અને ડીઆરઆઈના ભ્રષ્ટાચારની મોટાભાગની મનઘડંત સ્ટોરી છાપી ખાનારા આ ચોપાનિયાવાળાના પગ તળે રેલો આવતાં અચાનક ડીઆરઆઈના વખાણ કરતી સ્ટોરી છાપવા માંડ્યો છે!
સૂત્રોના જણાવ્યા મુજબ પોતાનો કાંડ બહાર ના આવે તે માટે તેણે એક નિવૃત્ત કસ્ટમ અધિકારીને પણ જે વહીવટ થાય તે આપીને પથ્થર નીચે દબાઈ ગયેલી પોતાની પૂંછડી બહાર કાઢવા પ્રયાસો આદર્યાં છે.
Share it on
|