કચ્છખબરડૉટકોમ, ભુજ/નલિયાઃ મંગળવારે અબડાસાના કોઠારા પોલીસ સ્ટેશનમાં આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરા નામના બે સગાં ભાઈ સહિત ત્રણ જણ સામે વ્યાજખોરીની નોંધાયેલી ફરિયાદમાં પોલીસને જાણે ‘જેકપોટ’ લાગી ગયો છે. સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી દરમિયાન કોઠારા પોલીસે ૧ કરોડ ૨૪ લાખ ૫૩ હજાર ૪૦૦ રોકડાં રૂપિયા અને ૧ કરોડ ૧ લાખ ૨૦ હજાર ૭૨૦ રૂપિયાની કિંમતના સોના ચાંદીના ઘરેણાં સહિત ચેકબૂક, વાહનોની આરસી બૂક, મિલકતના દસ્તાવેજો કબજે કર્યાં છે.
૪.૫૦ લાખ સામે ૩૬.૪૮ લાખ વસૂલ્યાં
૨૨ સપ્ટેમ્બરના રોજ કોઠારામાં હેર સલૂન ચલાવતાં ૩૮ વર્ષિય જાવેદ હુસેન હજામે આમદ અને ઓસમાણ તથા વરાડિયા ગામના જગદીશ રામપ્રતાપ પ્રજાપતિ સહિત ત્રણ લોકો ગેરકાયદે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને વસૂલાત સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. જાવેદે ૨૦૨૧માં આરોપી ભાઈઓ પાસેથી ૧૦ ટકા ઊંચા વ્યાજે ૪.૫૦ લાખ રૂપિયા મેળવ્યાં હતા. આર્થિક કારણોસર વ્યાજ ચૂકવી શક્યો નહોતો અને આરોપીઓએ વ્યાજનું વ્યાજ ગણીને ૩૬ લાખ ૪૮ હજાર રૂપિયા વસૂલ્યાં હતા. નાણાં ચૂરવવા માટે જાવેદનું ખેતર બીજાને વેચી મરાવ્યું હતું. એટલું જ નહીં, મારુતિ કારનો વેચાણ કરાર કરાવી રૂપિયા વસૂલ્યાં હતા.
રાયધણપરમાં કૌટુંબિક ભાઈના ઘરે માલ સંતાડેલો
આ ગુનામાં કોઠારાના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે. રાડાએ આમદ અને ઓસમાણે ગેરકાયદે વસૂલેલાં નાણાં, જમીનના દસ્તાવેજો જપ્ત કરવા માટે તપાસ હાથ ધરતાં તેમણે પોતાના ભત્રીજાઓ મારફતે નજીકના રાયધણપર ગામે કૌટુંબિક ભાઈ ઓસમાણ ઊર્ફે ગની મંધરાના ઘરે મુદ્દામાલ સંતાડ્યો હોવાની માહિતી મળેલી.
પોટલાં ખોલતાં જ ધનનો પટારો ખૂલ્યો
લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદ સાથે કોઠારા પોલીસના કાફલાએ બેઉ સહોદરની અટક કરી એક દિવસના રિમાન્ડ મેળવીને તેમને સાથે રાખી ઓસમાણના ઘરે દરોડો પાડ્યો ત્યારે સૌની આંખો ફાટી ગઈ હતી. ઘરના બેડરૂમમાં બનેલા વુડન કેબિનેટની ઉપર રાખેલાં પોટલાઓમાંથી પાંચસોના દરની ચલણી નોટોના બંડલો, સોના ચાંદીના ઘરેણાં સહિતનો આખો ભંડાર ખૂલી ગયો હતો.
૧૯ કલાક સુધી ચાલ્યું સર્ચ એન્ડ સીઝર
પીઆઈ પી.કે. રાડાએ જણાવ્યું કે ગઈકાલે ગુરુવારે પરોઢે પાંચ વાગ્યે અમે રાયધણપરમાં ઓસમાણના ઘરે સર્ચનો પ્રારંભ કર્યો હતો. મોટી માત્રામાં રોકડ અને ઘરેણાં સહિતનો વિવિધ પ્રકારનો મુદ્દામાલ મળતાં તેની ગણતરી અને વેલ્યુએશન અને સીઝરની પ્રક્રિયા મધરાતે બાર વાગ્યા સુધી ચાલી હતી. આમ સમગ્ર કાર્યવાહીમાં ૧૯ કલાકનો સમય વીત્યો હતો.
કૉર્ટે પાંચ દિ’ના ફર્ધર રિમાન્ડ આપ્યાં
સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહીમાં જંગી માત્રામાં મુદ્દામાલ મળતાં પોલીસે ચાલુ કાર્યવાહીએ આરોપીઓને કૉર્ટમાં રજૂ કરીને વિગતો જણાવી ફર્ધર રિમાન્ડની માંગણી કરેલી. વિગતો જાણીને કૉર્ટ પણ ચોંકી ઉઠી હતી અને પાંચ દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યાં છે.
જાણો, પોલીસે કેવો કેવો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે જે માલ સીઝ કર્યો છે તેમાં સવા કરોડ રોકડાં રૂપિયા અને ૧.૧ કરોડના ઘરેણાંનો સમાવેશ થાય છે.
પોલીસે કુલ ૩૭ નંગ સોના ચાંદીના ઘરેણાં અને સિક્કા જપ્ત કર્યાં છે. જે પૈકી ૮૩૧.૮૧૦ ગ્રામ સોનાના ઘરેણાં અને ૨ કિલો ૨૧૨ ગ્રામ ચાંદીના ઘરેણાંનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જુદી જુદી પેઢીના ૧૧ નંગ સ્ટેમ્પ, હથિયાર લાયસન્સની એક કલર કોપી, ૨૮ નંગ અલગ અલગ સાઈઝની હિસાબી ડાયરીઓ અને નાની પોકેટ ડાયરીઓ, અલગ અલગ ૯ વ્યક્તિઓની મિલકતની અસલ ખાતાવહીઓ, અલગ અલગ વ્યક્તિઓના ૯ અસલ આઈડી કાર્ડ અને રાશન કાર્ડ, જુદી જુદી બેન્કના ૧૭ કાર્ડ, જુદી જુદી વ્યક્તિઓના ૩૫ દસ્તાવેજ, જુદી જુદી બેન્કની ૭૪ ચેકબૂક્સ, જુદી જુદી બેન્કના સહીઓ કરેલાં ૭૭ ચેક, અલગ અલગ બેન્કની ૭૨ પાસબૂક, જુદાં જુદાં વાહનોની ૧૯ આર.સી. બૂક અને પાંચ હજારની કિંમતના વીવો કંપનીના એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. રોકડ, ઘરેણાં વગેરે મળીને કુલ ૨ કરોડ ૨૫ લાખ ૭૯ હજાર ૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ ગુનાકામે કબજે કર્યો છે.
વર્ષોથી વ્યાજખોરી છતાં કેવળ ૧ જ FIR
મંધરા ભાઈઓ પાસે નાણાં ધીરધાર માટેનું કોઈ લાયસન્સ ના હોવા છતાં ઘણાં વર્ષોથી તેઓ જરૂરતમંદ લોકોને ઊંચા વ્યાજે નાણાં આપીને વ્યાજના વિષચક્રમાં ફસાવી દેતાં હતા. વ્યાજના ચક્કરમાં ફસાયેલાં લોકોના જર જમીન અને વાહનો સહિતની માલ મિલકત વસૂલાતના નામે પડાવી લેતાં હતા. આશ્ચર્યની બાબત એ છે કે આ બેઉ સામે મંગળવારે નોંધાયેલી એક ફરિયાદને બાદ કરતાં ક્યારેય કદી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી! જપ્ત થયેલાં દસ્તાવેજો, ડાયરીઓ, આર.સી. બૂક વગેરેના આધારે વ્યાજખોર ભાઈઓના વિષચક્રનો ભોગ બનેલાં લોકોનો સંપર્ક કરવાનું પોલીસે નક્કી કર્યું છે.
છાપાંના સમાચારના ૫ કટિંગથી પોલીસ ભડકી
સીઝરની કામગીરી દરમિયાન સાચવીને રખાયેલાં વિવિધ ભારતીય છાપાંમાં છપાયેલાં સમાચારના પાંચ કટિંગ જપ્ત કરાયાં છે. આ કટિંગમાં જે સમાચારો છપાયેલાં છે તે વાંચીને પોલીસ ભડકી છે. પોલીસે જણાવ્યું કે બોમ્બ બ્લાસ્ટના આરોપી પાકિસ્તાની આંતકવાદી ટુંડાને લગતાં છપાયેલાં સમાચાર, ભારતે કરેલાં મિસાઈલ પરીક્ષણથી પાકિસ્તાન ભયભીત વગેરે જેવા સમાચારોના કટિંગ છે. આ પ્રકારના સમાચારોના કટિંગ સાચવી રાખવા પાછળનો હેતુ શું છે તે મુદ્દે પણ પોલીસે ગહન તપાસ આરંભી છે.
SPએ કામગીરીને ઐતિહાસિક ગણાવી
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, નલિયાના DySP મનીષા દેસાઈના માર્ગદર્શનમાં કોઠારા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત રીતે આ મહત્વની કામગીરી કરી છે. એસપી વિકાસ સુંડાએ આ સીઝરને ઐતિહાસિક ગણાવી વ્યાજખોરો સામે ભોગ બનનાર લોકોને ફરિયાદ નોંધાવવા આગળ આવવા અપીલ કરી છે.
Share it on
|