click here to go to advertiser's link
Visitors :  
25-Sep-2026, Friday
Home -> Abdasa -> Inheritance dispute Escalates Over Manfara Land Based on Bogus Death Certificate
Friday, 25-Sep-2026 - Bhuj 680 views
બોગસ મરણ પ્રમાણપત્રના આધારે મનફરાની જમીનની વારસાઈનો વિવાદ વકર્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભચાઉ તાલુકાના મનફરા ગામે  સીમ સર્વે નંબર ૨૯૭ની કિંમતી જમીન, જમીનના માલિક જીવિત હોવા છતાં ભૂમાફિયાઓએ બોગસ મરણ પ્રમાણપત્રના આધારે મૃત જાહેર કરી વારસાઈની નોંધ પડાવી દીધી હોવાનો વિવાદ વકર્યો છે. પ્રમાણપત્રની ઓનલાઈન ખરાઈ કરવા છતાં ભચાઉના પ્રાંત અધિકારી અને ત્યારબાદ કચ્છ કલેક્ટરે બોગસ મરણ પ્રમાણપત્રને માન્ય રાખીને ભૂમાફિયાઓની તરફેણમાં હુકમ કર્યો હોવાનો ગંભીર આરોપ કેસની પેરવી કરી રહેલા વકીલે કર્યો છે.

ભચાઉના પ્રાંત અધિકારી અને કચ્છ કલેક્ટરે ભૂમાફિયાઓ સાથે ભળી જઈ, ભ્રષ્ટાચાર આચરીને તેમની તરફેણમાં હુકમ કર્યો હોવાનો રામજી કટુઆ નામના એડવોકેટે આરોપ કર્યો છે. કટુઆએ આરોપ કર્યો કે જમીન જવેરબેન ધના ગાલા અને મોંઘીબેન ધના ગાલા આ જમીનના અસલી માલિક છે.

પહેલાં બોગસ વેચાણ નોંધ પડાવાયેલી

૨૦૨૩માં ભૂમાફિયાઓએ બોગસ આધારો ઊભાં કરીને જમીનનો બારોબાર વેચાણ દસ્તાવેજ બનાવી ખોટી નોંધ પડાવી દીધી હતી. તે અંગે ભચાઉ પ્રાંત અધિકારીની કૉર્ટમાં તકરારી કેસ દાખલ કરાયેલો અને પ્રાંત અધિકારીએ અસલી માલિકની તરફેણમાં હુકમ કરી વેચાણ નોંધ રદ્દ કરતો હુકમ કરેલો.

બોગસ ડેથ સર્ટી પર વારસાઈ કરાવાયાનો આરોપ

થોડાંક સમય બાદ ભૂમાફિયાઓએ જવેરબેનના મરણનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને આ જમીનમાં વારસાઈ કરાવી દીધી હતી. જે મરણ પ્રમાણપત્ર રજૂ કરાયેલું છે તે મહારાષ્ટ્રનું છે અને તેના સિરિયલ નંબરના આધારે ઓનલાઈન ખરાઈ કરતાં સ્પષ્ટ રીતે મૃતકનું નામ જેનેરી જેવાભાલ છેડા લખેલું છે. ભૂમાફિયાઓએ અસલ પ્રમાણપત્રમાં ચેડાં કરીને જવેરબેનના નામનું મરણ પ્રમાણપત્ર તૈયાર કરી વારસાઈ કરાવી હોવાની રજૂઆત કરાયેલી. પ્રાંત અધિકારીએ ભૂમાફિયાઓની તરફેણમાં હુકમ કરતાં કચ્છ કલેક્ટર સમક્ષ અપીલ કરાયેલી. બધા આધાર પુરાવા રજૂ કર્યા છતાં કચ્છ કલેક્ટરે પણ પ્રાંત અધિકારીનો હુકમ માન્યો રાખતાં નારાજ વકીલે ભ્રષ્ટાચાર સહિતના આરોપ કર્યાં છે.

ખરાઈ કરવાનું કામ મહેસુલી કૉર્ટનું નથી

આરોપ સંદર્ભે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ ખુલાસો કરતાં જણાવ્યું કે કોઈ દસ્તાવેજ સાચો છે કે નકલી તે ખરાઈ કરવાની સત્તા મહેસુલી કૉર્ટને નહીં પરંતુ સિવિલ કૉર્ટને છે. આ અંગે અરજદારે કોઈ ફોજદારી ફરિયાદ નોંધાવી નથી કે સિવિલ કૉર્ટમાં દાવો કર્યો નથી.

કેસ વખતે વકીલે અમારી સમક્ષ અસલ વકીલાત પત્ર રજૂ કર્યું નહોતું.

વકીલ તરીકે હાજર થયેલાં શખ્સે વકીલાતનામામાં ખોટી સહી કરી હોવાનું જણાઈ આવતા અરજદારના વકીલ અને અન્ય વાંધેદારની સંડોવણી ચકાસી વિગતવાર અહેવાલ SIT સમક્ષ રજૂ કરવા પાત્ર છે કે કેમ તે અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરી ભચાઉ મામલતદારને આપવા સૂચના અપાઈ છે.

જવેરબેનના સરનામે અમે નોટિસ મોકલેલી પરંતુ ‘આ નામની કોઈ વ્યક્તિ કોટડી ગામે રહેતી નથી’ તેવા શેરા સાથે નોટિસ પરત આવેલી.

મહેસુલી કૉર્ટમાં ચાલેલા કેસ દરમિયાન અરજદાર એકપણ મુદ્દતે હાજર નથી રહ્યાં તે પણ સૂચક હોવાનું કલેક્ટરે ઉમેર્યું છે.

Share it on
   

Recent News  
કોઠારાના વ્યાજખોર ભાઈઓનો જેકપોટ જપ્તઃ સવા કરોડ રોકડાં અને ૧ કરોડના ઘરેણાં જપ્ત
 
ગાંધીધામના ચોપાનિયાના સંચાલકના ગોડાઉનમાંથી કરોડોની તમાકુ સોપારી ઝડપાઈ
 
ઈન્કમ ટેક્સના ૮૦૪ કરોડના આર્થિક કૌભાંડમાં સામેલ CAની ધરપકડનો માર્ગ થયો મોકળો