|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ પાકિસ્તાનની રણ સરહદ નજીક રાપર તાલુકાના ખડીર બેટ પાસે આવેલા રતનપર ગામ પાસેથી પાકિસ્તાની પ્રેમી યુગલ ઝડપાયાનો બનાવ હજુ ભૂલાયો નથી ત્યાં આજે વધુ એક પાકિસ્તાની યુગલ પકડાયું છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સે બાલાસર પોલીસ મથકની હદમાં આવતા કુડા નજીક પિલર નંબર ૧૦૧૬ પાસેથી એક પાક. યુગલ ઝડપ્યું છે. ઝડપાયેલાં ૨૪ વર્ષિય યુવકનું નામ પોપટ નથ્થુ છે અને તેની સાથે રહેલી ૨૦ વર્ષિય યુવતીનું નામ ગૌરી ઊર્ફે ગુલાબ મુંગરીયો છે. બેઉ સિંધના મીઠી પ્રાંતના રહેવાસી છે. બેઉની પ્રાથમિક પૂછતાછ કર્યાં બાદ બીએસએફ દ્વારા તેને બાલાસર પોલીસ મથકે સુપ્રત કરવા તજવીજ હાથ ધરી છે.
પીએસઆઈ વી.એ. ઝાએ જણાવ્યું કે અમને આ માહિતી મળી છે અને બીએસએફની ટીમ બેઉને પોલીસ સ્ટેશને લઈ આવવા રવાના થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે દોઢ માસ અગાઉ ગત આઠમી ઓક્ટોબરે રતનપર પાસેથી પાકિસ્તાનનો તોતો ઊર્ફે તારા રણમલ ચુડી (ભીલ) અને મીના ઊર્ફે પૂજા કરસન ચુડી ઝડપાયાં હતા. બેઉ એકમેક જોડે લગ્ન કરવા ઈચ્છતાં હતા પરંતુ એક જ જ્ઞાતિ સમાજના હોઈ લગ્ન કરવા શક્ય ના બનતાં પરિવારથી નારાજ થઈ તેઓ શરણ લેવા માટે ભારત ભાગી આવ્યાં હતા.
Share it on
|