કચ્છખબરડૉટકોમ, રાપરઃ કામ ધંધાર્થે વર્ષોથી મુંબઈમાં વસવાટ કરતા વાગડવાસીઓની જમીનો બોગસ આધાર કાર્ડ અને દસ્તાવેજો મારફતે બારોબાર વેચી ખાવાના ચાલતાં કૌભાંડમાં વધુ એક ગુનો બહાર આવ્યો છે. રાપરના મેવાસા ગામના વતનીની ૬ એકર ખેતીની જમીન ગાગોદરના બે ભાઈએ મેળાપીપણું કરીને બારોબાર લખી આપ્યાનો ગુનો નોંધાયો છે. મુંબઈના અંધેરી વેસ્ટમાં વર્ષોથી સ્થાયી થયેલા અને પર્સ પાકિટની દુકાન ચલાવતા ૫૮ વર્ષિય વેપારી જેરામભાઈ હરજીભાઈ મણોદરાએ ગાગોદરના પ્રવિણસિંહ દુદાજી ખોડ અને તેના ભાઈ ઘનશ્યામ વિરુધ્ધ ગાગોદર પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ જમીનને બિન ખેતી કરાવવા માટે ગત મહિને મામલતદાર કચેરીએ આવી કાગળિયા કઢાવતાં ખબર પડી હતી કે તેની જમીન તો ૨૦૧૬માં પાવરનામાના આધારે બીજાના નામે લખાઈ ગઈ છે!
ગાગોદરના પ્રવિણે ફરિયાદીના ખોટા આધાર કાર્ડ અને ખોટી સહી મારફતે બોગસ પાવર ઑફ એટર્ની કરીને જમીન તેના ભાઈ ઘનશ્યામના નામે લખી આપેલી. પ્રવિણે ૨૩-૧૨-૨૦૧૬ના રોજ મહારાષ્ટ્રનું સ્ટેમ્પ પેપર રજૂ કરીને રાપરના પી.સી. ઠક્કર નામના નોટરી પાસે પાવરનામાનો દસ્તાવેજ નોટરાઈઝ્ડ કરાવ્યો હતો. એટલું જ નહીં, પાવરનામાના આધારે ૨૦૨૨માં દસ્તાવેજને પ્રમાણિત પણ કરાવી લીધો હતો. ગાગોદર પોલીસે ફોર્જરી સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને ગહન તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, મુંબઈ વસતાં વાગડવાસીઓની જમીનો બારોબાર ખોટાં દસ્તાવેજોના આધારે વેચાઈ જતી હોવાના મુદ્દે અગાઉ ગુજરાતના સીએમ સુધી રજૂઆતો કરાયેલી છે.
Share it on
|